૨૯૫ - ભૂજમાં જન્મોત્સવ
એક તો ભૂજનું મંદિર મોટું ને મહારાજના જન્મદિવસનો ઉત્સવ, તેથી હરિભક્તોથી મંદિર ઊભરાતું હતું, ત્યાં આ મહામુક્તરાજ પધાર્યા, એટલે સૌ વધુ આનંદ પામ્યા. પછી જન્મસમયે પણ મહારાજનાં દિવ્ય અલૌકિક દર્શન ને ઉત્સવ તથા ચોઘડિયાંના નાદ અને સંત-હરિભક્તોના સમુહમાં ‘જય જય’ શબ્દ થતાં સંત-હરિભક્તોના હર્ષનો પાર રહ્યો નહિ.
પછી બે દિવસ રહી બાપાશ્રીએ વૃષપુર જવાનું કર્યું, ત્યારે સંત-હરિભક્તોએ બહું તાણ કરી આઠ દિવસ સુધી રોક્યા.
આ સામૈયામાં રામપુરથી મુક્તરાજ ધનબા આવેલાં, તેમણે એક દિવસ બાપાશ્રીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘ભાઈ! આમ ને આમ સંતમંડળને લઈને રામપુર આવો તો કેવું સારું!’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમારે સંતોને તેડાવવાની ક્યાં નવાઈ છે! બારે માસ જે આવે તેને જમાડો છો, સેવાઓ કરો છો ને અહીં ટાણે ટાણે ઠાકોરજીની સેવામાં પણ કાંઈ ને કાંઈ કર્યા કરો છો. કેટલીક તો કથાઓ કરાવી.’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ! એમાં મારું કાંઈ નથી, બધુંય શ્રીજીમહારાજનું ને તમ જેવા મોટાનું છે,’ એમ કહી સૌને લઈ જવાની તાણ બહુ જણાવી. ત્યારે બાપાશ્રી કહે, ‘એ તો બધુંય ઠીક, પણ કાંઈ નિમિત્ત હોય તો સારું લાગે.’ આ વચન સાંભળી તેમના મનમાં એમ થયું જે, ‘કાંઈ સંતને તેડાવ્યા જેવું કરીએ તો ઠીક.’ પછી પોતાનાં સેવક કાનબાઈને પૂછ્યું, તો તેણે પણ એમ જ કહ્યું જે, ‘બાપા ઠીક કહે છે.’ આથી પોતે થોડા દિવસ પાછળથી ભૂજમાં રહ્યાં ને બાપાશ્રી વૃષપુર પધાર્યા.
ત્યાર પછી એક દિવસ પોતે સંતોને પૂછાવ્યું કે, ‘વૃષપુરમાં હમણાં સંતમંડળ ને મોટા મોટા હરિભક્તો આવ્યા છે, તે હજુ એકાદ મહિનો ખમવાના છે, તેથી તમે પણ પચીસ-ત્રીસ સંત લઈને આવો, તો બધાય જમે-રમે ને કથાવાર્તા થાય. મારે ગંગાજી ઉપર કથા કરાવવાનો મનમાં વિચાર છે પણ આપણે આ ફેરે કંકોત્રીઓ લખી હરિભક્તોને તેડાવવા, એવું મોટું કાંઈ કરવું નથી, પણ પાંચ-સાત દિવસ સંતો ઠાકોરજીને જમાડે ને કથાવાર્તા કરે, તેમાં કોઈ બહારગામના હરિભક્તો આવ્યા હોય, તે પણ ભેળા જમે. માટે તમે રાજી થઈને હા પાડો તો ઠીક. ઠાકોરજીનું છે ને ઠાકોરજીને અર્થે વાપરવું છે.’ આવી વાત સાંભળી સ્વામી મહાપુરુષદાસજી આદિ સંતોએ જાણ્યું જે, ‘મુક્તરાજ ધનબાનો આગ્રહ છે, તેથી વચનામૃતની પારાયણ ગંગાજી ઉપર કરીએ તો એ રાજી થાય.’ એમ વિચારી કહેવરાવ્યું કે, ‘હમણાં તો સમૈયો ગયો, તેથી વૈશાખ સુદ નવમીથી પૂનમ સુધી ગંગાજી ઉપર વચનામૃતની સાત દિવસની પારાયણ કરવાનું રાખો તો સારું, કેમ કે પૂનમનું ગ્રહણ થવાનું છે, તેથી તે દિવસ સૌને ત્યાં નાહવાનું પણ ઠીક પડે.’ સંતોનો આવો જવાબ મળવાથી મુક્તરાજ ધનબા ઘણાં રાજી થયાં ને એ વાત નક્કી કરી. પછી પોતે ત્યાંથી પરબારાં વૃષપુર જઈને બાપાશ્રીને આ વાત જણાવી. બહારગામથી આવેલા સંત-હરિભક્તોને પણ રોકવાનું નક્કી કર્યું, પછી બીજે દિવસ પોતે રામપુર ગયાં.