૫૫૩ - જીવનચરિત્ર લખવાની આજ્ઞા
એક દિવસ બાપાશ્રીએ જામનગરવાળા રતિલાલભાઈને કહ્યું, ‘માસ્તર! તમે મુક્તરાજ ધનબાના મહિમાની વાતો કરો છો, તેથી હરિભક્તો બહુ રાજી થાય છે, તેમ એમના ટાણામાં બાઈ-ભાઈ જે આવે તે સહુને એમના જશ ભુલાય નહિ એવું કાંઈક લખીને સભામાં સંભળાવો તો સારું.’ આ વચન સાંભળી તે રાજી થયા ને કહે ‘બાપા! આપે મને આ સેવા ઠીક બતાવી, પણ નાનપણથી અત્યાર સુધીમાં એમણે જે કાંઈ કર્યું હોય તેની યાદી જણાવો તો એમના જશ બરાબર ગવાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે.’ એમ કહી પોતે મુક્તરાજ ધનબાએ કરેલાં નાનાંમોટાં સત્સંગનાં કામોની યાદી લખાવી. પછી તો દેવરાજભાઈ આદિ હરિભક્તો પાસેથી તેમ જ મુક્તરાજ ધનબાની સેવા કરનારાં તેમનાં સેવક કાનબા પાસેથી તેમને જે જે કાર્યોની યાદી હતી તે બધું પૂછી પૂછીને લખી એકંદર કર્યું ને એ પ્રથમ એકાંતે બેસી બાપાશ્રીને વાંચી સંભળાવ્યું. તેમાં નાનીમોટી ઘણી હકીકતો આવી જવાથી બાપાશ્રીએ તેમના પર ઘણો રાજીપો જણાવ્યો. પછી તેરમાના દિવસે ચોવીસે ગામની કણબીની નાતને નોતરાં હોવાથી હરિભક્તો ઘણા આવ્યા. એ સહુને જમાડવા શીરો, સુખડી, શાક, ખીચડી વગેરે તૈયાર થયાં હતાં, ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા સંતોને સાથે લઈ બાપાશ્રી આવ્યા ને મહારાજને થાળ જમાડી સંકલ્પ કર્યો જે, ‘આ પ્રસાદી જે કોઈ જમશે તેનો આત્યંતિક મોક્ષ થશે.’
પછી પારાયણની સમાપ્તિ વખતે પુસ્તક, પુરાણીની પૂજા થયા પછી આરતી થઈ ને કીર્તન બોલાવા લાગ્યાં, ત્યારે હરિભક્તોએ પણ પૂજા કરી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. તે વખતે બાપાશ્રીની આજ્ઞાથી રતિલાલભાઈએ મુક્તરાજ ધનબાનું જીવનચરિત્ર લખેલું તે સભામાં ઊભા થઈ વાંચી સંભળાવ્યું. તેમાં તેમણે કરેલાં નાનાંમોટાં સત્સંગનાં કાર્યોનું વર્ણન આવી ગયા પછી છેવટે દેહોત્સવનું વર્ણન આવ્યું ત્યારે તો સૌનાં હૃદય ભરાઈ આવ્યાં. આ રીતે મોટા મુક્તનું સદાયનું સંભારણું કરવા માટે નાનામોટા હરિભક્તો તેમના ઉપર ઘણા રાજી થયા અને એવી જ રીતે મુક્તરાજ ધનબાનાં સેવક કાનબાને ખબર પડવાથી બાઈઓની સભામાં પણ સર્વે બાઈઓને તેમણે એ જીવનચરિત્ર સંભળાવ્યું; જેથી બાઈઓમાં પણ ઘણો સમાસ થયો ને કાનબાએ તો મુક્તરાજ ધનબાની પૂજામાં પ્રસાદીનો કંતાનનો કટકો હતો તે તેમને આપી રાજી કર્યા ને એ ચોપડી છપાવવા માટે પણ બાપાશ્રી પાસે તેમણે કહેવરાવ્યું. (એ જીવનચરિત્રની ચોપડીઓ રતિલાલભાઈ બીજી વખત કચ્છમાં ગયા ત્યારે છપાવીને સાથે લઈ ગયા હતા.)