૧૪ - અક્ષરધામનું પાણી
એક વખત આ મુક્તરાજ બપોરે ઘેરથી પાણીનો લોટો ભરેલો હાથમાં લઈ વાડીએ જતા હતા. માર્ગમાં એક દેરી છે, ત્યાં તેમના કુટુંબીની એક દીકરી તથા એક એવી જ બીજી નાની દીકરી તડકામાં સૂઈ રહેલ જોઈ તેમને જગાડવા લોટામાંથી હાથમાં પાણી લઈ તેમની ઉપર વગર બોલ્યે છાંટ્યું, તેથી ઓચિંતાની એક દીકરીએ જાગીને જોયા વિના ગાળ દીધી ને કહ્યું જે, ‘આ કોણ પાણી ઉડાડે છે?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘ગાળો દે છે, પણ કોણ જગાડે છે તેની તો ખબરેય નથી. હું તો તમારા સારુ ભગવાન પાસેથી અક્ષરધામનું પાણી લાવ્યો છું.’ આવાં વચનથી એ બન્ને દીકરીઓ પશ્ચાત્તાપ કરતી બહુ જ શરમાઈ ગઈ. એ જોઈ પોતે એમ બોલ્યા જે, ‘બાઈઓ! તમે ભલે ગાળ દીધી, એનું કાંઈ નહિ, પણ હું તમને ટાઢું પાણી પાઉં,’ - એમ કહી એ બન્નેને પાણી પાયું.