૧૧૯ - અ. મુ. ભાઈશ્રી આવવાની આગળથી ખબર
બીજે દિવસે સંત-હરિભક્તોએ નિત્યવિધિ કર્યા પછી આસને કથા થઈ. સંતોએ રસોઈ કરીને સ્વામીશ્રીને ઠાકોરજી જમાડવાનું કહ્યું, ત્યારે સ્વામીશ્રીએ કહ્યું જે, ‘અમે તો અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આવશે એટલે એમની સાથે ઠાકોરજી જમાડશું.’ આ વચનથી સંતો આશ્ચર્ય પામતા હતા. ત્યાં તો સ્વામીશ્રીએ સભામાં પણ સૌ હરિભક્તોને કહી દીધું કે, જેને સામા જવું હોય તે જજો, ભાઈશ્રી આજ રેલમાં જરૂર આવશે. સ્વામીશ્રીનાં આવાં વચનથી રેલ ઉપર ઘણા હરિભક્તો ગયા. જ્યાં ગાડી આવી ત્યાં તો ભાઈશ્રી ધોતિયાભર જાડું કેડિયું પહેરેલ, માથે મોટી પાઘડી, ખંભે ખેસ ને સામાનમાં પૂજાનો ખડિયો લઈને હેઠે ઊતર્યા. હરિભક્તોએ ખડિયો લઈ લીધો ને દંડવત્ કરી સૌ મળ્યા. ત્યારે ભાઈશ્રી કહે, ‘તમે આટલા બધા હરિભક્ત ક્યાંથી?’ ત્યારે હરિભક્તો કહે, ‘સ્વામીશ્રીએ આપના પધારવાની વાત આજે સહુને સભામાં કરી હતી,’ –એમ કહી સાથે સાથે મંદિરમાં આવ્યા. પછી ઠાકોરજી તથા સંતોનાં દર્શન કરી આ મુક્તરાજ સ્વામીશ્રી પાસે આવી દંડવત્ કરવા લાગ્યા. ત્યારે સ્વામી એક્દમ ઊભા થઈ ગયા ને હેત જણાવીને મળ્યા. તે વખતે હજુ બાર વાગ્યા હતા. એકબીજાએ પરસ્પર મંદવાડની વાતો થોડી વાર કર્યા પછી સ્વામીશ્રીએ કચ્છના સંત-હરિભક્તોને કહ્યું જે, ‘જુઓ! આ અનાદિ મુક્તરાજ આવ્યા કે કેમ?’ ત્યારે સૌ રાજી થયા ને ભાઈશ્રીને પૂછયું જે, ‘તમને મંદવાડની અશક્તિ બહુ હતી ને કેવી રીતે આવ્યા?’ ત્યારે ભાઈશ્રી બોલ્યા જે, ‘તમારા નીકળ્યા પછી મને એમ સંકલ્પ થયો જે, ગમેતેમ થાય પણ મારે સ્વામીનાં દર્શન કરવાં. ત્યાં તો જાણે મંદવાડેય મટી ગયો ને અશક્તિયે જતી રહી. પછી ભાતું કરાવીને અડધી રાત્રે અણદા ભક્તના લાલજીને જગાડીને સાથે લીધો ને ચાલ્યા તે ખારીરોળે આવ્યા. ત્યાં તરત વહાણ મળ્યું, તેમાં બેસી વવાણીએ થઈને અહીં આવ્યા.’ પછી મુક્તરાજ કેસરાભાઈ તથા જાદવજીભાઈ આદિ હરિભક્તોએ કહ્યું જે, ‘કાલે સ્વામીશ્રીએ અમને વાત કરી હતી, પણ અમને એમ જે આવો મંદવાડ ગયો છે ને કેમ આવી શકશે? પણ તમે તો સ્વામીશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે જ આવ્યા. આ તો ‘હરિ હરિજનની ગતિ છે ન્યારી,’ –એવું થયું.’ પછી ભાઈશ્રીએ નાહી પૂજા કરી, એટલે સ્વામીશ્રીએ તથા આ મુક્તરાજે પાસે બેસી ઠાકોરજીને જમાડ્યા.
આ રીતે બન્ને નિર્ગુણસ્વરૂપ પરસ્પર મળતાં એકબીજાનો મંદવાડ જાણે જતો રહ્યો હોય તેમ ઊઠવા-બેસવા લાગ્યા. આસને સભા થઈ, તે વખતે સ્વામીશ્રી પ્રસન્ન થકા મૂર્તિ ધારી વાતો કરવા લાગ્યા જે, ‘આજ શ્રીજીમહારાજનો અદભુત પ્રતાપ તો જુઓ! આવા અનાદિ મુક્તદ્વારે લાખો જીવના આત્યંતિક મોક્ષ થાય છે. સંતોમાં ને હરિભક્તોમાં ચીંથરે વીંટ્યાં રત્ન પડ્યાં છે. બહારદૃષ્ટિએ આવા મુક્તને જોઈએ તો શું દેખાય? કચ્છમાંથી આવ્યા તે ખંભે પૂજાનો ખડિયો ને હાથમાં માળા! કોઈ જાણે જે, મોટા ભક્ત હશે! પણ દૃષ્ટિમાત્રે અનેકને મૂર્તિના સુખમાં લઈ જાય એવા આ મુક્ત છે, એમ કોણ જાણે? આ મુક્તરાજ કેસરાભાઈ, દેવરાજભાઈ, વિશરામભાઈ જેવા મુક્ત પણ એમને રાજી કરવા વાંસે ફરે છે. આને કોની ઉપમા દેવી? આવા અનાદિ મુક્તને જે હાથ જોડે છે, સેવા કરે છે, રાજી કરે છે, તે ઠેઠ શ્રીજીમહારાજના સુખમાં પહોંચે છે. મહાપ્રભુના લાડીલા આવા મુક્ત મળે તેને કાંઈ કરવું ન પડે. પુરુષોત્તમનારાયણના હજૂરી મળવા ઘણા દુર્લભ, તે આ સભામાં બેઠા હોય પણ પોતાની મેળે ઓળખાય નહિ. તેના ઓળખાવનારા જોઈએ. મોટાનો વિશ્વાસ હોય તો હાથ જોડે, એટલામાં કામ કાઢી નાખે. આ અનાદિ મુક્ત તો કૃપાસાધ્ય છે.’ એમ કહી ભાઈશ્રીને કહ્યું જે, ‘તમે જેમ દયા કરીને પધાર્યા છો, તેમ હવે દયા કરીને સૌને વાતોનું સુખ આપો.’
સ્વામીશ્રીનાં કૃપાભરેલાં વચનોથી ભાઈશ્રીએ કહ્યું કે, ‘સ્વામી! જેમ આપ કહો છો તેમ મોટા મુક્ત તો સદાય મૂર્તિના સુખમાં ગરકાવ રહ્યા થકા મૂર્તિના મહારસનું પાન કરે છે. એ બોલે છે એમ જણાય, પણ બોલતા જ નથી; એ જમે છે, ચાલે છે, સૂવે છે, જાગે છે –એવી ક્રિયા કરતા જણાય, પણ એ કાંઈ કરતા જ નથી. એ તો મૂર્તિના સુખમાં ઝીલ્યા જ કરે છે. એમનું કરેલું કાર્ય છે એમ બીજા દેખે, પણ એ તો એક મહારાજને આધારે જ છે. એ તો મૂર્તિ વિના બીજું કાંઈ જોતા જ નથી. માટે જેને મોટા અનાદિ મળ્યા તેને એમ જાણવું જે, મને સાક્ષાત્ શ્રીજીમહારાજ મળ્યા. મોટા મુક્ત મૂર્તિના સુખમાં ગુલતાન હતા એમ કહેવામાં પણ પરોક્ષભાવ થઈ જાય છે. એ તો સદાય મૂર્તિમાં છે, છે ને છે જ. એ મૂર્તિ ક્યાં ન હોય? સર્વત્ર છે. તેજના સમૂહમાં ઝળક ઝળક ઝળકે છે. ત્યાં આ સભા છે. અવરભાવ-પરભાવની વાત ન જાણતા હોય તેને આ વાત સમજાય નહિ. આ જ્ઞાન તો શ્રીજીમહારાજ ભેળા અનાદિ મહામુક્ત પધાર્યા તેણે પ્રવર્તાવ્યું છે, માટે ખરેખરો મૂર્તિના સુખભોક્તાનો ખપ કરવો.’
આ રીતે ભાઈશ્રીએ વાતો કરી તેથી સ્વામીશ્રી ઘણા રાજી થયા ને પાસે બોલાવીને કહ્યું જે, ‘તમે બહુ દયા કરી; નહિ તો મારાથી કચ્છમાં અવાત નહિ ને તાણ મટત નહિ.’ ત્યારે ભાઈશ્રી કહે. ‘મને પણ ત્યાં દિવસ વરસ જેવડો થતો હતો ને ઘણો મંદવાડ તો આપના વિયોગનો જ હતો. બીજાને તો એમ જે, થોડું થોડું જમાય તો ઠીક થઈ જાય, પણ મારો મંદવાડ જમવાથી જાય તેવો નહોતો, તેની મને ખબર હતી; બીજા શું જાણે? ‘દરદીની વાતો દરદીડાં જાણે, બેદરદીને શું ભણીએ?’ એવું આપણું હતું. પણ તેમાં તમે ‘તમારું કર્યું ને મને રાખ્યો’ એ મર્મ કર્યો, ત્યારે સ્વામીશ્રી જરા હસ્યા ને કહ્યું જે, ‘મહારાજે તમારા દ્વારે અનેકને મૂર્તિના સુખમાં લઈ જવા ધાર્યું છે, તેથી કંઈક સુખિયા થશે, તમારું શું ગયું?’ એમ કહી સમાપ્તિ કરી. ત્યાં આરતી થઈ, તેથી દર્શને પધાર્યા. પછી રાત્રે સભા, ચેષ્ટા આદિ નિત્યનિયમ કરી શયન કર્યું.