૬૨૫ - ફૂલદોલોત્સવની ધામધૂમ

0:000:00

એ વખતે મંદિરમાં પણ ઠાકોરજી પાસે ઉત્સવની ધામધૂમ થઈ રહી હતી, ત્યાં બાપાશ્રી તથા હરિભક્તો પધારતાં ક્યાંય ઊભા રહેવાની જગ્યા ન મળે એવી ભીડ થઈ રહી. સૌ ઠાકોરજી પાસે દર્શન કરે, જય જય બોલે, કોઈ છડી પોકારે; એ રીતે હરિભક્તો આનંદ પામતા હતા ને કુંજવિહારી હરિકૃષ્ણ મહારાજ પણ રંગ-ગુલાલથી રસબસ થયેલા એવા સહુ પર અમૃતનજર કરી દર્શન દેતા હતા ત્યાં આ અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ આવી દર્શન કર્યાં. એ વખતે ઠાકોરજીના સેવકે બાપાશ્રી પર રંગ છાંટી ઉપર ગુલાલ નાખ્યો, તેથી બાપાશ્રીનાં વસ્ત્રો સર્વે રંગથી રાતાં થઈ ગયાં; પછી બાપાશ્રી સભામંડપમાં આવ્યા, ત્યાં હરિભક્તો દંડવત્ કરી મળવા લાગ્યા. થોડી વારે ઉત્સવની સમાપ્તિ થઈ એટલે ઉત્સવ કરનારા હરિભક્તો રંગનું તપેલું લઈ ચોકમાં આવ્યા. બાપાશ્રી તો હજી સંત-હરિભક્તોને મળી આસને જતા હતા ત્યાં લાલુભાઈ, સાંવલદાસભાઈ આદિ હરિભક્તોએ પ્રાર્થના કરી જે, ‘બાપા! આપના હાથે હરિભક્તોને થોડો થોડો રંગ-ગુલાલ નાખો તો સહુ રાજી થાય.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે! અમે તો તમને રાજી કરવા આવ્યા છીએ.’ એમ કહી મંદિર સામેની ઓશરીમાં મોટી પાટ પડી હતી ત્યાં આવીને બેઠા એટલે હરિભક્તોએ રંગનું તપેલું તથા ગુલાલનો તાંસડો ભરેલ તે લાવી આગળ મૂક્યો, ત્યાં તો નાજુભાઈ પિચકારી લઈ આવ્યા ને કહ્યું જે, ‘બાપા! ધીરે ધીરે આ પ્રસાદીરંગ સૌ પર નાખો, એટલે સહુને સરખો રંગ પડે.’ પછી તો બાપાશ્રીએ પિચકારીમાં ભરી ભરી હરિભક્તોને રંગ છાંટવા માંડ્યો. તે વખતે નારાયણપુરના ખીમજીભાઈ કીર્તન બોલવા લાગ્યા, તે સહુ ઝીલતા આવે. તેમાં પ્રથમ ‘હોરી ખેલે મહારાજા, શ્રીપુરમેં હોરી ખેલે મહારાજા’ પછી વળી ‘હોરી ખેલે રઘુવીરા, અવધમેં હોરી ખેલે રઘુવીરા’ એ બે કીર્તનો બોલ્યા ત્યાં સુધી બાપાશ્રી સૌના પર રંગ ઉછાળતા રાજી થતા હતા અને હરિભક્તોમાં પણ લાલુભાઈ, મહાદેવભાઈ, હીરાભાઈ, સાંવલદાસભાઈ જેવા ગુલાલની મુઠ્ઠીઓ ભરી ભરી બાપાશ્રી પર નાખતા હતા. એ રીતે સહુના મનોરથ પૂરા કરી બાપાશ્રીએ હરિભક્તોને બહુ હેત જણાવી રાજી રાજી કરી મૂક્યા.

પછી સંતો નાહી, પૂજા કરી આસને બેઠા હતા ત્યાં પોતે આવ્યા ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કહી, વસ્ત્રો ઉતારી નાહવા પધાર્યા એટલે હરિભક્તોએ હેતે સહિત નવરાવ્યા. થોડી વારે પૂજા કર્યા પછી બાપાશ્રી સંતોને મળીને લાલુભાઈ આદિ હરિભક્તોને કહેવા લાગ્યા જે, ‘સૌને આ ફૂલડોલનો સમૈયો સાંવલદાસભાઈએ કરાવ્યો; કેમ કે અમારે શરીરે ઠીક નહોતું, તોય એ અમદાવાદથી સ્વામીશ્રીને ભેગા લઈને આવ્યા, તેથી સહુને આ લાભ મળ્યો.’ એ વખતે થાળ તૈયાર થવાથી આશાભાઈએ પ્રાર્થના કરી એટલે પોતે સાથે આવેલા હરિભક્તોએ સહિત ઠાકોરજીને જમાડવા પધાર્યા.

થોડી વારે સભામાં બેઠેલા હરિભક્તો સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને પ્રાર્થના કરવા લાગ્યા કે, ‘આ વખતે આપે જેમ દયા કરી દર્શન આપ્યાં છે તેમ જ સેવા-સમાગમ તથા વાતોનું સુખ લેવરાવજો.’ આમ વાત થતી હતી ત્યાં બાપાશ્રી પધાર્યા અને પોતાની મેળાએ કૃપા કરી સ્વામીશ્રીને કહેવા લાગ્યા જે, ‘આ વખતે હરિભક્તોને ખૂબ મહારસ રેલાવી સુખિયા કરજો.’ આ વચનથી સ્વામીશ્રીએ હરિભક્તોની વતી પ્રાર્થના કરી, ત્યારે બાપાશ્રી કહે, ‘આપણે તો એ જ કરવા આવ્યા છીએ, આપણો ધંધો એ જ છે. કથાવાર્તા, ધ્યાન-ભજન, માળા, માનસીપૂજા, એ કરવાનું, મોટા મોટા મુક્તો એમ જ કરતા, શ્રીજીમહારાજ પણ કથાવાર્તાનો અખાડો ચાલુ રાખતા, કોઈ જમવા બોલાવવા આવે ત્યારે જો કથા ચાલતી હોય તો રાજીપો ન બતાવે અને જમતાં પણ હરે! હરે! બોલાઈ જતું, એવા ઢાળ આપણને શિખવવા માટે બતાવ્યા છે.’ એમ કહીને મહારાજના મહિમાની વાતો કરવા લાગ્યા તેથી સંત-હરિભક્તો બહુ રાજી થયા, પણ આગબોટનો પરિશ્રમ જાણી લાલુભાઈ તથા હીરાભાઈએ થોડી વાર વિશ્રાંતિ લેવા પ્રાર્થના કરી, ત્યારે પ્રથમ પોતે એમ બોલ્યા જે, ‘આપણે તો સદાય વિશ્રાંતિ છે. મહારાજની મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે, તોપણ સહુ ભલે આરામ કરે.’ એમ કહી જળપાન કરી પોતે પણ શયન કર્યું.

પછી ઠાકોરજી જાગ્યા પહેલાં જાગ્રત થઈ માનસીપૂજા કરી મંદિર પર દર્શન કરવા પધાર્યા, ત્યાંથી આસને આવ્યા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, ‘મહારાજની મૂર્તિના સુખભોક્તા મળે એટલે સાધન સમાપ્ત થતાં હશે કે કેમ?’ તે ઉપર પોતે ઘણી વાર વાતો કરી, વચમાં હરિભક્તો પ્રશ્ન પૂછે તેના ઉત્તર પણ કરતા જાય. એમ સાંજ સુધી વાતો કરી સૌને રાજી કર્યા.

ત્યાર પછી લાલુભાઈ તથા મહાદેવભાઈએ પ્રાર્થના કરવાથી, એક બાઈ બહુ જ માંદાં હતાં તેને હરિભક્તો સાથે પોતે દર્શન દેવા પધાર્યા. ત્યાં જઈ ‘જય સ્વામિનારાયણ’ કરી બોલ્યા જે, ‘બાઈ! હિંમત રાખજો. મહારાજ સારું કરશે. આ ટાણે મૂર્તિ વિના કાંઈ સંભારવું નહિ. મહારાજની પોતાના આશ્રિત ઉપર બહુ જ દયા છે, માટે આપણે તેમને ઘડીયે મૂકવા નહિ.’ એમ ભલામણ કરી પાછા મંદિરમાં પધાર્યા. ત્યાં આરતી-ધૂન્ય થઈ રહ્યા પછી સભામાં વચનામૃતની કથાપ્રસંગે પોતે ઘણી વાર વાતો કરી સૌને રાજી કર્યા.

બીજે દિવસ સવારમાં નાહી પૂજા કરી સંત-હરિભક્તોને મળ્યા. પછી આસને બેસી હરિભક્તો પર બહુ પ્રસન્નતા જણાવી. એ વખતે માથકવાળા ગોરધનભાઈએ ગુલાબનું ફૂલ લાવીને બાપાશ્રીના હાથમાં આપી ‘જય સ્વામિનારાયણ’ કર્યા. તે પોતે આંખે અડાડી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહેવા લાગ્યા જે, ‘આ પુષ્પને પાંખડીઓની ઘટા છે, તેમ મહારાજને ફરતી મુક્તની ઠઠ્ઠ છે. તે મૂર્તિમાંથી નવીન નવીન ખુશબો છૂટે છે, તેણે કરીને એ સર્વે મુક્તો સુખમાં કિલ્લોલ કરે છે. અનાદિ તો રસબસ રહ્યા થકા રોમ રોમનાં સુખ લે છે. આવો લહાવ આ ટાણે મહારાજે સુગમ કર્યો છે. મહાપ્રભુ ન્યાલકરણ પધાર્યા છે, આ સભા દિવ્ય જણાય તો મહારાજ, મુક્ત અને આ સંત-હરિભક્તો સર્વે દિવ્ય તેજોમય ભાસે. આ તો અલૌકિક વાત છે;’ -એમ કહીને પછી ઘણી વાર મહારાજના મહિમાની વાતો કરી સભામાં પધાર્યા, ત્યાં પણ કથાપ્રસંગે વાતો કરવા લાગ્યા. પછી તો બપોરે આસને તથા સાંજે અને રાત્રે સભામાં પણ પોતાની મેળાએ વાતો કરતા જોઈ હરિભક્તોને એમ થયું જે, ‘આ વખતે બાપાશ્રીએ આપણા પર બહુ જ પ્રસન્નતા જણાવી છે.’

વળી માંડવીથી તાર કરેલ હોવાથી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી સંતોએ સહિત આવી પહોંચતાં તેમને બાપાશ્રી બહુ હેત જણાવી મળ્યા ને કહ્યું જે, ‘સ્વામી! આ ફેરે તમે બે દિવસ કેડે આવ્યા, પણ દિવ્યભાવે તો સદાય સાથે છો. અમે તમને ખેંચ્યા, તે તમે તુરત આવી પહોંચ્યા; હવે તમારે સૌને મૂર્તિના સુખની લહાણી કરવાની છે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘બહુ સારું, જેમ આપનો રાજીપો હોય તેમ સહુને સુખિયા કરજો.’ આ રીતે એ બન્ને દિવ્ય સ્વરૂપના અભિપ્રાય એક થયા.