૫૮૬ - કેશરાજભાઈ પર પ્રસન્નતા તથા દિવ્ય દર્શન

0:000:00

એ વર્ષમાં ભારાસરમાં રહેતા શ્રીજીમહારાજના કૃપાપાત્ર કેશરાજભાઈને શરીરમાં ઠીક ન રહેતાં એ ઘણી વાર બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર આવતા ને આશીર્વાદ લઈ જતા. એ જ રીતે આ વખતે આવ્યા, એટલે બાપાશ્રીએ તેમના શરીરના સમાચાર પૂછ્યા. ત્યારે તે એમ બોલ્યા જે, બાપા! મારે શરીર માટે તો કાંઈ કહેવું નથી, એ તો જેમ શ્રીજીમહારાજની મરજી હોય તેમ ભલે કરે, પણ મને મૂર્તિ ભુલાય નહિ એવી દયા કરજો, એટલે બસ!’ આવો તેનો નિષ્કામભાવ જોઈ બાપાશ્રીએ તેમના પર બહુ જ પ્રસન્નતા જણાવી. ત્યાર પછી થોડા દિવસે તેમને સામત્રા ગામમાં કોઈ દેશી વૈઘે કહ્યું કે, ‘તમારું દર્દ ન મટે તેવું નથી; જો તમે થોડો વખત દવા ખાઓ તો સારું થઈ જાય.’ આથી પોતાને એમ થયું જે, ‘બાપાશ્રીને પૂછી જોયા પછી એ કહે તેમ કરવું.’ એવા વિચારે પાછા એ વૃષપુર આવ્યા ને પૂછયું જે, ‘બાપા! સામત્રામાં એક વૈદ્ય છે તે દેશી ઔષધ કરે છે, જો આજ્ઞા હોય તો થોડા દિવસ દવા કરાવું. દર્દ મટાડવું તે તો મહારાજ તથા આપ જેવા મોટાના હાથમાં છે, પણ આ તો પુરુષ પ્રયત્ન કર્યા જેવું છે.’ તે વખતે બાપાશ્રી કહે, ‘બધાંય દર્દને મટાડે એવું તો એક શ્રીજીમહારાજનું નામ છે. બાકી તો દેહને પચાસ વર્ષ થયા પછી શરીરમાં કાંઈ ને કાંઈ જણાય. ભલે! થોડા દિવસ કરી જુઓ, પણ જે કરો તે મહારાજને સંભારીને કરજો.’ આ પ્રમાણે આજ્ઞા મળી એટલે પોતે થોડો વખત વૈદ્યની સલાહ પ્રમાણે સામત્રામાં ઘર ભાડે રાખીને ત્યાં જ રહ્યા. વૈદ્યનું કહેવું એમ થયું જે, ‘તમે અહીં રહેતા હોય તો મને રોજ શરીર તપાસવાનું ઠીક પડે, તેમ કોઈ દવા બદલાવવી હોય તોય ફાવે.’ આવી રીતે પોતે બાપાશ્રીનો રાજીપો લઈને દવા કરાવવા સામત્રે રહેલા હોવાથી જેટલા હરિભક્તો ભારાસરથી બાપાશ્રીનાં દર્શન કરવા જાય તેમને પોતે કેશરાજભાઈના સમાચાર પૂછે અને એ જાય ત્યારે ‘જય સ્વામિનારાયણ’ કહેવરાવે.

થોડા દિવસ વીત્યા પછી ભારાસરથી ગાંગજી પટેલ બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયા ત્યારે તેમને પણ કેશરાજભાઈ સંબંધી બધી હકીકત પૂછી અને બહુ જ રાજીપો જણાવ્યો. બીજે દિવસ એ ભારાસર જવા તૈયાર થયા ત્યારે પોતે તેમને ભલામણ કરી જે, ‘તમે સામત્રે જઈ કેશરાજભાઈને મારા ‘જય સ્વામિનારાયણ’ કરીને કહેજો કે, તમને બાપાશ્રીએ કહ્યું છે કે, તમારી દવા બધી પૂરી થઈ રહી, માટે તમો હવે ભારાસર આવતા રહેજો.’ ગાંગજી પટલે તો આ સમાચાર તેમને તુરત પહોંચાડ્યા એટલે એ રાજી થઈને બીજે દિવસે સવારમાં જ કાંઈ પણ સંકલ્પ કે દવાનો વિચાર કર્યા વિના ભારાસર આવતા રહ્યા; ત્યાં આવ્યા પછી એક દિવસ પોતાને એમ થયું જે, મને બાપાશ્રીએ આવી આજ્ઞા કરી છે તેથી એક વાર હું વૃષપુર જઈ બાપાશ્રીને રાજી કરી આવું.’ એમ વિચાર કરે છે ત્યાં તો તેમને મહારાજ તથા બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, ‘તમને મહા વદ એકમને દિવસે સવારે સવાદસ વાગ્યે તેડી જઈશું.’

આવાં દર્શન થયા પછી તેમણે આ લોકમાંથી વૃત્તિ ઉખાડી, એકતાર મૂર્તિમાં વૃત્તિ રાખવા માંડી, તે જાણે મૂર્તિ વિના બીજો સંકલ્પ જ ન થવા દેવો હોય તેમ એ દરેક ક્રિયામાં મહારાજને સંભારતા દિવસ ગણવા લાગ્યા. પછી જે દિવસ તેમને દેહ મૂકવાનો હતો તે દિવસ સવારે પૂજા કર્યા પછી પોતે ગાંગજી પટેલને કહ્યું કે, ‘આજ મારે સવાદસ વાગ્યે ધામમાં જવાનું છે, તેથી એટલી વાર તમે મારા પાસે કથા વાંચો તો ઠીક.’ ત્યારે તે કહે, ‘બહુ સારું, હું તો તૈયાર જ છું.’ એમ કહી એ તેમની પાસે કથા વાંચવા લાગ્યા. આ વાતની ગામમાં ખબર પડી જવાથી તે દિવસ હરિભક્તો કોઈ કામે ગયા નહોતા, તેથી કેટલાક તો તેમના પાસે આવીને બેઠા ને ઘડી ઘડી સામું જુએ, કેમ કે સહુને એમ જે, ‘આમ કાંઈ બોલતા-ચાલતા દેહ મૂકી દેશે!’ પોતાને તો એમ જ થયા કરે જે, ‘ક્યારે સવાદસ વાગે ને મહારાજ પધારે.’ એમ કરતાં સમય થયો કે તુરત તેમને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન થયાં. એટલે એ તો ઓચિંતાના જમીન પર હાથની થંભી દેતા જાણે ઉતાવળા ઊઠવું હોય તેમ બેઠા થવા લાગ્યા ને બોલ્યા જે, ‘મહારાજ! તમે આવ્યા, ચાલો જઈએ,’ એમ બોલતાં એક કોર નમી પડ્યા કે તુરત જ દેહનો ત્યાગ કરી ધામમાં ચાલ્યા ગયા. એ વખતે તેમના સંબંધી સૌએ તેમને ભોંય સૂવાર્યા અને ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ધૂન્ય કરવા માંડી. ખબર પડતાં ગામમાંથી ઘણા મનુષ્યો તથા હરિભક્તો આવી પહોંચતાં ઘર, ફળિયું કે બજારમાં મનુષ્ય સમાય નહિ. સહુ એમ બોલે જે, ‘કેશરાજભાઈ આમ ઓચિંતાના બોલતા-ચાલતા ધામમાં જતા રહ્યા. આ તો ભારે વાત!’ પછી તેમની દેહક્રિયા કરવા એમ ને એમ સહુ ગાજતેવાજતે લઈ ગયા. (તે દિવસ ખેતર, વાડી વગેરેનાં કામ સૌએ બંધ રાખી અગતો પાળ્યો હતો); અને જે હોય તે એમ બોલે કે, ‘આપણને આવા પુરુષની બહુ ખામી આવી.’ આવી રીતે મહારાજ તથા બાપાશ્રીને વિષે તેમને અત્યંત હેતને લીધે દિવ્ય-અલૌકિક એવું જે અક્ષરધામ, તેમાં પોતે છેલ્લી ઘડી સુધી વાતચીત કરતા ચાલ્યા ગયા. આથી ગામ-પરગામમાં પણ સહુ આશ્ચર્ય પામતા કહેવા લાગ્યા જે, ‘ધન્ય છે કેશરાજભાઈને કે જેમણે સત્સંગમાં અનેક પ્રકારે દ્રવ્યથી સેવાઓ કરી મહારાજને રાજી કરી લીધા.’