૨૦ - ધનબાની સમજણ
એક વખત રાત્રે મંદિર જઈ આવીને ઘેર ઠાકોરજીને જમાડતા હતા, ત્યારે દેવબાઈને એમ કહ્યું જે, ‘મા! મારે કાલ ટપ્પર (આ ગામ વૃષપુરથી ત્રણ ગાઉ દૂર છે) સીમમાં ખડ ભરવા જવું છે, તેથી રોટલા વહેલા કરજો.’ મા કહે, ‘ભલે,’- આમ જવાબ આપ્યો, પણ ઘરમાં બાજરો નહિ ને લોટ પણ નહિ, તેથી આજ સવાર-સાંજ ખીચડી કરેલી! હવે કાલે રોટલા કરવાનું કહ્યું, તોય ખીચડી કરવી પડશે, એ વિચારે હૈયું ભરાઈ આવ્યું! આ જોઈ પાંચાભાઈએ ઠપકો આપ્યો કે, ‘આ કેવી ટેવ પડી છે?’ ત્યારે ગદગદ હૃદયે દેવબાઈ બોલ્યાં જે, ‘આ મારો ભગવાનનો મોકલેલ દીકરો રોટલા માગે તેય ન મળે!’ તે વખતે પાંચાભાઈએ તેમને ધીરજનાં વચન કહી શાંત પાડ્યાં. આ બધું મુક્તરાજે જાણ્યું, તેથી દેવબાઈ પ્રત્યે બોલ્યા જે, ‘મા! મેં તો તમને અમથું કહ્યું હતું. મને આજ ભૂખ નહોતી ને જમ્યો છું, તે સવારે જમવું નહિ પડે; આવીને જમીશ.’ એમ કહેતા સૂઈ ગયા. સવારમાં વહેલા ઊઠી નાહી, ધોઈ, પૂજા કરી ટપ્પરની સીમમાં જઈ ખડનું ગાડું ભરી આવ્યા; પછી થોડી વાર બળદ છોડી મંદિરમાં જ સૂતા. વળી ગાડું જોડી રામપુર ગયા, ત્યાં મોટા મુક્ત ધનબાને ત્યાંથી નાગલીનું ગાડું ભરીને ઘેર આવ્યા. તે જોઈ દેવબાઈ આ મુક્તરાજ પર ઘણાં રાજી થયાં અને ઠાકોરજીને થાળ કરી સવારના ભૂખ્યા જાણી સારી રીતે જમાડ્યા. ધનબા મહામુક્ત હતાં, તેમણે ભૂજનાં નિરાવરણ દૃષ્ટિવાળાં સૂરજબાની ઘણી સેવા કરી હતી. તે વખતે આ મુક્તરાજનો મહિમા તેમણે કહેલ, તેમ પોતે સગાં થતાં, એટલે આ લોક-પરલોકનું સગપણ જાણી ખબર રાખતાં.
એક વખત ધનબા રામપુરથી વૃષપુરમાં આવેલાં. એ વખતે આ મુક્તરાજનાં દર્શને આવ્યાં ને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા, પણ થીગડાંવાળાં લૂગડાં પહેરેલાં જોઈને કહ્યું કે, ‘ભાઈ! તમે અખંડ મહારાજ સામું જોઈ રહ્યા છો ને વ્યવહારમાં આવી અછત ભોગવો છો, તે મહારાજને કહેતા હો તો?’ ત્યારે આ મુક્તરાજ કહે, ‘અછત હોય ત્યારે મહારાજમાં વૃત્તિ બહુ રહે. મહારાજથી શું અજાણ્યું છે તે એમને કહેવું પડે? આપણે તો એક મહારાજ હોય તો હય્યો. બીજું તો એમની જેમ મરજી હોય તેમ કરે. દેહના સુખદુઃખનું આપણે શું? આ વાતથી ધનબાએ જાણ્યું જે, સૂરજબા ઘણી વાર તેમની સ્થિતિ બહુ મોટી છે એમ કહેતાં તે બરાબર છે. પછી પોતે તેમને રાજી કરી રામપુર ગયાં ને દેવરાજભાઈ આદિને આ વાત કરી.