૩૨૫ - વીરજીભાઈને તેજોમય દર્શન

0:000:00

સંતોને દેશમાં જવાની રજા આપ્યા પછી એક દિવસ બાપાશ્રી મંદિરમાંથી વાડીએ જતા હતા, ત્યાં માનકૂવાના હરિભક્તો વીરજીભાઈ, માવજીભાઈ, કચરાભાઈ, લાલજીભાઈ વગેરે દર્શને આવ્યા, તે માર્ગમાં ભેળા થયા, ત્યાં સહુ દંડવત્ કરી મળ્યા, એટલે બાપાશ્રી પાછા વળ્યા ને પોતાની સાથે તે સૌને ઘેર લઈ જઈને જમાડ્યા. પછી થોડી વાર મંદિરમાં બેસી વચનામૃત વંચાવી વાતો કરી માવજીભાઈ આદિ હરિભક્તોને કહ્યું કે, ‘આ વીરજીભાઈનો મહિમા જાણો છો ને? બહુ બળિયા છે, મહારાજને ઘડીયે મૂકતા નથી! અમને આવા નિર્ગુણ હરિભક્ત જોઈને બહુ હેત આવે છે.’ ત્યારે વીરજીભાઈ કહે, ‘બાપા! તમ જેવા અનાદિ મુક્તના પ્રતાપે મહારાજ રાજી છે, તેથી અમે બધાય સુખિયા છીએ.’ પછી એમ પૂછ્યું જે, ‘બાપા! મારી મા ધામમાં ગયાં, ત્યારે મહારાજ ધોળા હાથી પર બેસીને તેમને તેડવા આવ્યા હતા, તે એવા ધોળા હાથી ક્યાંથી લાવ્યા હશે?’ ત્યારે બાપાશ્રી કહે, ‘દિગ્પાળદેવ ધોળા હાથી રાખે છે, એવા પાસેથી ક્યાંકથી લાવ્યા હશે,’ –એમ પ્રથમ રમૂજ કરીને પછી બોલ્યા જે, ‘શ્રીજીમહારાજને ઘેર શું નથી? એ તો ધારે એ સંકલ્પમાત્રે કરે! આ બધું અક્ષર સુધીનું કારખાનું એમના એક સંકલ્પમાં છે.’ પછી મંદિરમાંથી ઊઠીને સહુ વાડીએ ગયા ને ત્યાં જાંબુના ઝાડ નીચે સર્વે બેઠા ને બાપાશ્રી ખાટલા પર ગોદડું પાથરી કેડિયું ઉતારીને ઉઘાડા શરીરે સૂતા સૂતા વીરજીભાઈ સાથે વાતો કરવા લાગ્યા જે, ‘વીરજીભાઈ! મહારાજના અનાદિ મુક્ત તો મહારાજની ભેળા જ રહે છે. એવો જોગ મળે એટલે પૂર્ણ માનવું, કેમ કે કઠણ વેળાએ એ જીવની વહારે ચડે છે ને વાંકગુના સામું જોતા નથી, અને એટલું તો જાણી રાખવું કે, આપણી મોટપ મહારાજ તથા એવા મુક્તને લઈને છે. એમણે આપણને ન્યાલ કરી મૂક્યા છે, તેથી સુખિયા છીએ.’ એ રીતે બાપાશ્રી વાતો કરતા હતા ને વીરજીભાઈ તો આંખો મીંચી ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા. એ જોઈ બાપાશ્રી ઊઠીને છેટે લઘુ કરવા ગયા, ત્યાંથી વળતા કૂવાની કુંડી પાસે ઊભા રહ્યા, એટલે માવજીભાઈ ઊઠીને પાસે ગયા, તેને બાપાશ્રી કહે, ‘માવજીભાઈ! આ વીરજીભાઈ ખરેખરા છે, મહારાજનો રાજીપો એમના પર ઘણો છે. તમે સહુ એમનો જોગ કરી લેજો. હવે એ પરવારી બેઠા છે,’ –એમ વાત કરતા બાપાશ્રી તથા માવજીભાઈ ચાલ્યા આવતા હતા, ત્યાં વીરજીભાઈ ઝબકીને જાગી ગયા ને દંડવત્ કરવા લાગ્યા. ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘કેમ વીરજીભાઈ!’ ત્યારે તે કહે, ‘બાપા! આપની કૃપાથી સારું છે.’ પછી હેતે સહિત મળ્યા ને વાતો કરતા કરતા ઘેર લઈ જઈ ઠાકોરજીને ખીચડી જમાડી સહુ મંદિરમાં આવ્યા. રાત્રે કથાવાર્તા કરી સૂઈ રહ્યા ને સવારે ચાલવા તૈયાર થયા, ત્યારે પણ વીરજીભાઈ પર ઘણો રાજીપો જણાવ્યો.

થોડા દિવસ વીત્યા પછી વળી વીરજીભાઈ તથા માવજીભાઈ બન્ને વૃષપુર દર્શને આવ્યા, ત્યારે બાપાશ્રીએ તેમણે ચાર દિવસ સુધી રાખ્યા. રોજ સવારે એ પૂજા કરી પાસે બેસે ને કથાવાર્તા કરે, બાપાશ્રી જ્યારે ઘેર જમવા જાય, ત્યારે તેમને ભેળા જમવા લઈ જાય, વાડીએ જાય તોપણ ભેળા. એમને મહિમા બહુ તેથી બાપાશ્રી સહેજે વાત કરતા હોય તોય ‘અહો! અહો!’ કરે.

એક દિવસ કાકરવાડીમાં બાપાશ્રી બપોરે તેમની સાથે બાવળ નીચે બેઠા હતા, ત્યાં પ્રસન્ન થઈને વાત કરવા લાગ્યા જે, ‘વીરજીભાઈ! આ સમયે જે જીવ સત્સંગમાં આવ્યા છે, તેનાં ધન્યભાગ્ય છે, કેમ કે મહારાજના અનાદિ મુક્ત જે અખંડ એકતાર મૂર્તિમાં જોડાઈ રહ્યા છે, તેમને મહારાજે જીવના કલ્યાણ સારુ અહીં મૂક્યા છે. એમનો જોગ આ ટાણે સહેજે મળે છે. એને ને મહારાજને જરાય જુદાપણું નથી. મૂર્તિમાંથી રોમરોમનાં સુખ લે છે. આપણે એવા મુક્ત થવું, એટલે મહારાજથી જરાય છેટાપણું ન રહે ને મૂર્તિનું સુખ આવે, એ સુખ અતિ અપાર છે, એને કોઈની ઉપમા દેવાય એવું નથી.’ એમ કહી પ્રસન્ન થઈને તેમને મળ્યા ને માથે હાથ મૂકી પોપૈયાની પ્રસાદી આપી.

પછી બીજે દિવસે વીરજીભાઈ માનકૂવે ગયા, પણ તેમને આ વાતનો કેફ ઘણો ચડી ગયો, જેથી ઊઠતાં, બેસતાં એ સ્થિતિમાં કેમ રહેવાય, એ જ અનુસંધાન રાખવા મંડ્યા! કોઈને વાત કરે તોય એમ જ કહે કે, ‘બાપાશ્રી અનાદિ મહામુક્ત છે, તે મૂર્તિ ભેળા અખંડ રહે છે ને મહારાજના સંકલ્પથી મનુષ્ય જેવા દેખાય છે, પણ બહુ જબરા છે. પોતે તો દરેક ક્રિયામાં મૂર્તિમાં જ વૃત્તિ રાખે.’ એમ કરતાં એક વખત એકાદશીને દિવસે હરિભક્તો મંદિરમાં ઠાકોરજી પાસે ઉત્સવ કરતા હતા ને પોતે ધ્યાને યુક્ત બેઠા હતા, તે એમ ને એમ મૂર્તિના સુખમાં થીજી ગયા, તે ઉત્સવ થઈ રહ્યા પછી બાર વાગ્યા સુધી જાગ્યા નહિ ને બીજા હરિભક્તો સૌ ઘેર ગયા. મોડેથી વીરજીભાઈ જાગ્યા ત્યારે વિચાર થયો કે, ‘હું ઘેર નથી ગયો, તે ઘરના વાટ જોતા હશે; વળી છસો કોરી ઘરમાં પડી છે, તેથી ઘર રેઢું રહે તોય ઠીક નહિ.’ એમ જાણી પાઘડી માથે નાખી ઘેર જવા માંડ્યું, ત્યારે ઠાકોરજીના સેવક કલ્યાણભક્ત કહે, ‘વીરજીભાઈ! મોડું બહુ થઈ ગયું છે, આ ટાણે ઘેર જઈને શું કરશો? અહીં સૂઈ રહો, લ્યો ગોદડું પાથરી આપું.’ એમ કહી પોતાના આસન પાસે ગોદડું પાથરી આપ્યું, તેથી પોતાને એમ થયું જે, ‘ઠાકોરજીના સેવક કહે છે, માટે અહીં જ સૂઈ રહેવું.’ એમ વિચારી રોકાઈ રહ્યા ને આસને બેસી થોડી વાર માળા ફેરવી, ધ્યાન કરી ને સૂતા. તે વખતે અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ દિવ્યરૂપે આવી તેમનો હાથ ઝાલી બેઠા કર્યા ને કહ્યું કે, ‘વીરજીભાઈ! ઘર રેઢું મેલીને અહીં સૂઈ રહ્યા છો, તે કોઈ આવશે ને લઈ જાશે તો શું કરશો? ઘેર જાઓ ને કોરિયું ઠેકાણે મૂકી, ઘર બંધ કરાવીને આવવું હોય તો આવજો.’ આવાં વચન સાંભળી વીરજીભાઈ આશ્વર્ય પામતા ઊભા થયા, ત્યાં તો આખું મંદિર તેજોમય થઈ ગયું ને એ તેજમાં બીજું કાંઈ દેખાય જ નહિ, તેથી ક્યાંથી જવું, એમ વિચાર કરતા ઊભા થઈ રહ્યા! ત્યારે બાપાશ્રીએ ઊંચે સાદે કહ્યું, ‘વીરજી! કેમ ઊભો થઈ રહ્યો છું? ઘેર જાને!’ આ વચનથી વીરજીભાઈ ભીંતે હાથ દેતા દેતા મંદિર બહાર નીકળ્યા, ત્યાં બહાર તો સાવ અંધારું. પોતે તેજમાંથી આવેલા એટલે થોડી વાર તો કાંઈ દેખાય જ નહિ, પણ ઘેર જવાનું ઉતાવળથી કહેલ જાણી, જેમતેમ ઘેર પહોંચ્યા ને કોરીઓ ઠેકાણે મૂકી તાળું વાસ્યું ને ઘરનાને કહ્યું, ‘ઘર વાસી લ્યો.’ પછી પોતે મંદિર આવતાં માર્ગમાં વિચાર કરવા લાગ્યા જે, ‘આમ ને આમ બાપાશ્રી સદાય તેજોમય દેખાતા હોય તો સૌને દર્શનનું સુખ બહુ આવે.’ પણ જ્યાં ઢૂકડા આવી મંદિરનું બારણું ઉઘાડ્યું ત્યાં તો તેજ કે બાપાશ્રી કાંઈ ન દેખાતાં વિસ્મય પામી ગયા ને સૂઈ રહ્યા. પછી સવારે ઊઠતાવેંત નાહી પૂજા કરી વૃષપુરમાં બાપાશ્રી પાસે આવ્યા ને દંડવત્ કરી પગે લાગ્યા; ત્યારે બાપાશ્રી કહે, ‘કેમ વીરજીભાઈ, આ ટાણે આવ્યા!’ ત્યારે તેમણે રાત્રે બનેલી બધી વાત કરી! પછી પોતે એમ બોલ્યા જે, ‘તમને એ ટાણે જગાડ્યા ન હોત તો ચોર કોરીઓ લઈ જવાના હતા.’ આમ તેમના પર પ્રસન્નતા હોવાથી તેમના વ્યવહારની પણ પોતે નજર રાખતા. વીરજીભાઈને હવે આ અનાદિ મુક્તરાજ બાપાશ્રીને તેજોમય જોયા પછી સળંગ દિવ્યભાવ થઈ ગયો, તેથી મહારાજનાં દર્શન કરે તોય જાણે તેજમાં દર્શન થાય. બાપાશ્રીને જુએ તોય એમ. ક્યારેક ભૂજ જાય ત્યાં પણ સંત-હરિભક્તોની સભામાં એવો જ દિવ્યભાવ એ રીતે ઘણી વાર બાપાશ્રી પાસે આવતાં-જતાં જ્યારે તેમણે દેહ મૂક્યો, ત્યારે પણ બહુ જ ચમત્કાર જણાવી મહારાજ તથા બાપાશ્રી દર્શન દઈ અક્ષરધામમાં તેડી ગયા.

ત્યાર પછી થોડા દિવસ થયા એટલે માનકૂવાના હરિભક્તો માવજીભાઈ આદિ બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર આવ્યા, ત્યારે તરત જ બાપાશ્રીએ માવજીભાઈને પૂછ્યું કે, ‘વીરજીભાઈ તો ધામમાં ગયા ને?’ ત્યારે તે કહે, ‘હા બાપા! અમારે એમની ખોટ ઘણી આવી’ ત્યારે બાપાશ્રી તેમની પ્રશંસા કરતાં બોલ્યા જે, ‘એમની શી વાત! એ તો મહામુક્ત હતા. દેખાવે સાદા ગરીબ જેવા લાગતા, પણ માંહી સુખિયા હતા.’ શ્રીજીમહારાજને એવા ભક્ત બહુ ગમે છે. અહીં એ દર્શને આવ્યા હોય ને હું એમ કહું, ‘કેમ વીરજીભાઈ! દર્શન દેવા આવ્યા કે?’ ત્યારે તે કહે, ‘હા બાપા!’ એવા સાવ નિર્ગુણ હતા, તેથી થોડા વખતમાં મહારાજના દિવ્ય સુખમાં પહોંચી ગયા. એમ તેમના પર ઘણો રાજીપો જણાવ્યો.

આ રીતે અનાદિ મુક્તરાજ બાપાશ્રી પોતાને વિષે હેત-રુચિવાળા મહારાજના અનન્ય આશ્રિતને કૃપાદૃષ્ટિએ સુખ ઉપજવતા અને એ ભક્ત ગામ-પરગામ હોય તોય મહારાજ સાથે દર્શન આપી સુખિયા કરતા હોવાથી નાનામોટા સંત-હરિભક્તોને દિવસે દિવસે વધુ મહિમા જણાવા લાગ્યો.