૨૪૬ - પરસ્પર હેત ને મહિમા
પછી શ્રી ઘનશ્યામ મહારાજના અક્ષરભુવન સામેના ઓરડામાં મૂળીવાળા સદ્ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને આંખે મોતિયા ઉતરાવેલા હતા, ત્યાં સ્વામી ઈશ્વરચરણદાસજીને સાથે લઈને ગયા ને ‘જય સ્વામિનારાયણ’ કહીને પૂછ્યું જે, ‘સ્વામી! પીડા કેવી થાય છે?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘બીજા પૂછે છે તેને તો સારું છે એમ કહું છું, પણ પીડા તો બહુ થાય છે.’ આ વચન સાંભળી બાપાશ્રીએ બધે શરીરે હાથ ફેરવીને કહ્યું જે, ‘મહારાજને સંભાર્યા કરજો. એ બધુંય સારું કરશે.’ એમ કહી પોતે સભામાં ગયા. એટલામાં તો સ્વામીશ્રીને પીડા થતી હતી તે બધી મટી ગઈ.
પછી પોતાની પાસે સ્વામી ભગવતસ્વરૂપદાસજી હતા, તેમણે પૂછયું જે, ‘આ અબજીબાપા વાંસે બહુ માણસો તણાય છે ને મોટા મોટા સદ્ગુરુઓથી પણ એમનો ભાર વધુ જણાય છે, તે કેવા મોટા હશે?’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘આજ સત્સંગમાં શ્રીજીમહારાજ બાપાશ્રી દ્વારે સર્વે કાર્ય કરે છે. એ તો અતિ મોટા છે, પણ એ વાત કોઈને ખમાય નહિ, માટે ન કરવી’ એમ બોલ્યા.