૬૮૪ - પ્રસાદી-દ્રાક્ષના બે દાણા જમ્યા

0:000:00

એક વખત ભૂજથી વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈ દર્શને આવ્યા તે વખતે બાપાશ્રી હરિભક્તોની પંક્તિમાં દર્શન દેવા ગયા હતા, ત્યાં જઈને તેમણે દર્શન કર્યાં ને પોતાની સાથે દ્રાક્ષ લાવેલા તે આપીને કહ્યું જે, ‘બાપા! આ મેવો અંગીકાર કરો.’ ત્યારે પોતે રમૂજ કરતાં બોલ્યા જે, ‘અમે આ લોકના મેવા જમનારા નહિ, અમે તો મહારાજની મૂર્તિનાં સુખરૂપ દિવ્યભોજન સદાય જમીએ છીએ. પણ તમે માર્ગમાં સંકલ્પ કરતા આવ્યા છો તે લાવો મહારાજને જમાડીએ.’ એમ કહી ઠાકોરજીને જમાડી બે દાણા પોતે જમ્યા. પછી જે જે હરિભક્તો પાસે ઊભા હતા તે સહુને બબ્બે દાણા પ્રસાદી આપીને કહ્યું જે, ‘આ વિઠ્ઠલજીભાઈ તથા મગનભાઈનો યજ્ઞ.’ તે વખતે એક હરિભક્તે આવી તેના નાના દીકરાને પગે લગાડ્યો, તે છોકરાને પોતાના હાથે દ્રાક્ષનો દાણો મોઢામાં આપી માથે હાથ મૂકીને બોલ્યા જે, ‘અત્યારે આ નાનો બાળક છે, પણ મોટો થશે ત્યારે બહુ બળિયો થશે.’

એક વાર બાપાશ્રી મંદિરના ચોકમાં આસન પર બેઠા હતા, તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજીને કહ્યું જે, ‘તમે જરા આરામ કરતા હો તો ઠીક, તમારે કથા વાંચવી તેથી વચમાં વિસામો કરવો ખપે.’ ત્યારે પુરાણી કહે, ‘બાપા! તમને જોઈએ છીએ એટલે આરામ થઈ જાય છે, સંત-હરિભક્તો સહુ આપની કૃપાથી સુખિયા છે. આ સમયે આપે બહુ દયા કરી આ બ્રહ્મયજ્ઞરૂપી મોટું સદાવ્રત ઉઘાડું મેલ્યું છે, તેથી કંઈકનાં કામ થઈ જય છે; આવાં મૂર્તિનાં સુખરૂપ દિવ્ય ભોજન આપના વિના બીજા કોણ જમાડે! આપની દયાનું અધિકપણું સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી જેવા જેમ છે તેમ જાણી શકે. સંત-હરિભક્તો સર્વેને આપની કૃપાએ આનંદ વર્તે છે, પણ સભામાં કાંડું બાંધતી વખતે ‘આ મૂર્તિ ઊડી જાય નહિ,’ એમ આપે મર્મવચન કહેલ છે, તેથી કેટલાયને વિચાર થઈ પડ્યો છે.’ ત્યારે પોતે પ્રસન્નતા જણાવી બોલ્યા જે, ‘પુરાણી! શ્રીજીમહારાજ બધુંય સારું કરશે, આપણે ઊડીને ક્યાં જવું છે? આપણને તો ધણી બહુ જબરા મળ્યા છે ને દયા કરી મૂર્તિમાં જ રાખ્યા છે, માટે અમે જે બોલીએ તેમાં કોઈએ બીજો વિચાર ન કરવો. મહારાજ ગમે તેમ રાખે, આપણે તો તેમની મરજી પ્રમાણે રાજી રહેવું. અમને સદ્‍ગુરુઓ તથા શેઠ બળદેવભાઈ વગેરે આ વાતનું પૂછતા હતા, તેમને પણ અમે કહ્યું જે, ‘આપણે તો મૂર્તિમાં સદાય ભેગા જ છીએ, આ લોકમાં કોઈનું ધાર્યું કાંઈ કામ આવતું નથી, માટે મહારાજની મરજી પ્રમાણે રાજી રહેવું,’ –એવાં વચનો કહી તેમને રાજી કર્યા.

એક દિવસ સવારે સભામાં બાપાશ્રીએ એમ વાત કરી જે, ‘જુઓ તો ખરા! આ સંતની સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, અનંત મુક્તો એ મૂર્તિ સામું જોઈ રહ્યા છે, આ દિવ્ય સભામાંથી તેજ ફરર ફરર નીકળે છે, અનંતકોટિ બ્રહ્માંડમાં આવા સંત અને આવી દિવ્ય સભા હોય તો શોધી લાવો! આ તો બ્રહ્મની મૂર્તિઓ છે, આ બધાયનાં તેજ શ્રીજીમહારાજે ઢાંકી રાખ્યાં છે, મહારાજે આ સમયે જીવો પર બહુ દયા કરી છે, તેથી શરણે આવે તેનાં જન્મમરણનાં ખાતાં વાળી નાખે છે. આવા બ્રહ્મયજ્ઞમાં શ્રીજીમહારાજ દિવ્યરૂપે દર્શન દઈ અનેકને પોતાની મૂર્તિનું સુખ આપે છે અને મોટા મુક્ત દ્વારે પોતાનો મહિમા સમજાવે છે. આવા સંતો પણ જીવને ઉગારવા ભાતાં બાંધીને ઘેર ઘેર ફરે છે, વાંક-ગુના માફ કરી દે છે. મહારાજ તથા મોટા મુક્તોને એ એક જ તાન છે, પણ જીવને એ વાતની શી ખબર પડે! ક્યાં જીવ ને ક્યાં જીવન! આ તો મહાપ્રભુએ અતિ કરુણા કરી છે, તેથી દર્શન થાય છે. મોટા મુક્તોએ એ મૂર્તિનો અપાર મહિમા વર્ણવ્યો છે. એ મહાપ્રભુ આ સભામાં અખંડ બિરાજે છે, સભા સામું અમૃતનજરે જોઈ રહ્યા છે, માટે આપણે પોતાનાં અહોભાગ્ય માની કૃતાર્થપણું માનવું ને સદાય આનંદમાં રહેવું.’