૧૭૦ - મહારાજ તથા મોટા મુક્તનો મહિમા

0:000:00

વળી થોડા દિવસ થયા પછી એક વખત બાપાશ્રી બપોરના નારાયણપુર ગયા હતા તે મંદિરમાં જતાં ધનજીભાઈએ માર્ગમાં જોયા, એટલે દંડવત્ કર્યા ને તાણ કરી ઘેર લઈ ગયા; પણ બાપાશ્રીએ તો ઉતાવળ કરવા માંડી, તેથી ધનજીભાઈ કહે, ‘મારા બાપ વાડીએ હશે કે મંદિરમાં હશે, તે હમણાં આવશે. તે આવે ત્યાં સુધી ખમો તો ઠીક. બહુ ઉતાવળ હોય તો ભલે જાઓ, પણ આ ચીભડું ઠાકોરજીને જમાડ્યું છે, તે જરા જમો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ગુજરાતના હરિભક્તો મંદિરમાં આવ્યા છે તે સંભારે છે, માટે આ ટાણે નહિ; પછી વાત.’ ત્યારે ધનજીભાઈ કહે, ‘બાપા! ગુજરાતી હરિભક્તના તો ભૂજથી એવા સમાચાર હતા જે, ચારપાંચ દિવસ ભૂજમાં રહીને પછી આવશે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભૂજમાં પાસ વિના જવા દીધા નથી, તેથી બારોબાર અહીં આવે છે,’ -એમ કહી ઊઠ્યા ને ચાલવા માંડ્યું. પણ મંદિરમાં એ હરિભક્તોને કોઈકે કહ્યું જે, ‘બાપા વૃષપુરથી હમણાં જ ધનજીભાઈને ઘેર આવ્યા છે,’ તેથી એ હરિભક્તો પણ ઉતાવળા ધનજીભાઈને ઘેર આવતા હતા. બન્ને માર્ગમાં ભેળા થયા; એટલે એ દંડવત્ કરી મળ્યા ને બોલ્યા જે, ‘બાપા! બહુ દયા કરી, સામા આવીને દર્શન દીધાં.’ ત્યારે પોતે જરા હસ્યા પણ ધનજીભાઈ ભેળા હતા તેણે ચીભડું જમવા ન રોકાણા ને ઉતાવળ કરીને આવ્યા તે વાત કરી. પછી સહુ મંદિરમાં આવ્યા ત્યાં તો હરિભક્તો ઘણા ભેળા થઈ ગયા. પોતાને તડકો લાગવાથી પરસેવો બહુ વળ્યો હતો, તેથી કેડિયું-પાઘડી ઉતારી ઉઘાડે શરીરે ગોદડાના ઓઠીંગણે બેઠા. આ વાતની ગામમાં જાદવજીભાઈને જાણ થતાં એ તો શ્વાસભર્યા મંદિરમાં આવી દંડવત્ કરવા લાગ્યા. બાપાશ્રીએ તેને ઊભા થઈ ઝાલી લીધા ને મળવા જતાં બાપાશ્રીનું ઉઘાડું શરીર જોઈ પોતે પણ કેડિયું તથા પાઘડી ઉતારી ઉઘાડે શરીરે મળ્યા; તે જોઈ સભામાં જેટલા હરિભક્તો બેઠા હતા તે કેડીયાં ઉતારી ઉતારીને એક પછી એક ઉઘાડે શરીરે બીજી વાર મળ્યા. પછી સભામાં બેઠા એટલે ઠાકોરજીના સેવકે બાપાશ્રીને પ્રસાદીનો હાર પહેરાવ્યો. જે હરિભક્તો ગુજરાતથી આવેલા હતા તે તો આ દર્શનથી પ્રેમમગ્ન થઈ અહોભાગ્ય માનતા આનંદ પામવા લાગ્યા.

એ વખતે બાપાશ્રીએ વાત કરવા માંડી જે, ‘આ સભા ને આ મળવું અક્ષરધામનું છે, એમ જે જાણે તે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચે, પણ જીવને અનંત કાળના માયાના પાશ લાગ્યા છે; તેથી આવી વાત જીવમાં ઊતરતી નથી, નહિ તો મહારાજ તથા મોટાના સંબંધે તત્કાળ મોક્ષ થઈ જાય; વાર ન લાગે.’ એમ કહીને પોતાની વાત કરી જે, ‘હું અને આ જાદવજીભાઈ તથા કુંભારિયાવાળા હરજીભાઈ એક વાર ગુજરાતમાં જતાં ખારીરોળમાં બેઠા હતા, ત્યાં ઓચિંતાનો મારા વાંસા ઉપર એક સર્પ ચડ્યો, મને ખબર નહિ જે શું છે! તેથી હાથેથી તરછોડ્યો તે જાદવજીભાઈના ખભા ઉપર પડ્યો, એટલે એ બી’ના ને ફ્ડકીને બેઠા થઈ ગયા તેથી સર્પ ઊછળ્યો તે હરજીભાઈને ભટકાઈને એક પડખે કૂતરું બેઠું હતું, તેના પર પડ્યો ને તેને કરડીને ચાલ્યો ગયો. આ બધું અમે જોયું; પછી સૌને વિચાર થયો જે, આ કૂતરાનું કેમ થશે! ત્યાં તો એ કૂતરું ઊઠીને જતું રહેલું તે પાછું આવીને ત્યાં જ બેઠું. થોડી વાર થઈ ત્યાં તો એને ઝેર ચડતું હોય એમ જણાયું. તેથી અમે ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ધૂન્ય કરી, ત્યાં તો તરત એ મરી ગયું. પછી હરજીભાઈએ મને પૂછ્યું જે, ‘આ કૂતરાની શી ગતિ થશે?’ ત્યારે મેં કહ્યું, ‘તમને મનાય તો ભલે અને જો ન મનાય તો કાંઈ નહિ, પણ એ કૂતરાને આજથી અક્ષરધામમાં જવાનું ભાગ્ય ઊઘડ્યું, તેથી હવે એક વાર એ સત્સંગમાં આવીને આવા જોગમાં મહારાજ તથા મોટાને હાથ જોડશે એટલે તેનું પૂરું થઈ જશે.’ આ વાત સાંભળીને હરજીભાઈ બહુ રાજી થયા. ‘આમ મહારાજ તથા તેમના મુક્તની સમીપે જે દેહ મૂકે તેને પણ આટલો લાભ તો જરૂર થાય. આવા મહારાજ ને તેમના મુક્ત કલ્યાણકારી છે, પણ મનુષ્યભાવને લઈને જીવને મહિમાની ખબર ન પડે, તેથી અંતરાય રહે ને અસદભાવ પરઠે, એટલે રહી જાય. આ વાત બહુ અટપટી છે, તેથી કેટલાક ઘણાં વર્ષ થયાં સત્સંગમાં કુટાતા હોય છે, પણ ટાણું આવે ત્યારે મહિમા ન જાણી શકે.’

એમ કહીને વાત કરી જે, ‘એક વખત મહારાજે સભામાં અનાદિ મુક્તરાજ પર્વતભાઈ પાસે વાતો કરાવી ત્યારે સભામાંથી એક સાધુને સંશય થયો જે, મહારાજ આવા મોટા સંત જે સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા પાસે વાતો કરાવવી મૂકીને આવા પાસે વાતો કરાવે છે, તે આવી મોટી સભામાં એ શું વાતો કરે?’ આટલા જ સંકલ્પમાં કેવડું બધું નુકસાન થઈ ગયું, તેની એમને એ ટાણે ક્યાંથી ખબર પડે? કેમ કે સભામાં પોતે વાતો કરી જાણતા હતા તેનું માન હતું, તેથી મોટા મુક્તનો મહિમા હાથ આવેલ નહિ. પછી જ્યારે એ સાધુને દેહ મૂકવાનો સમય થયો ત્યારે મહારાજ દર્શન આપે પણ તેડી જાય નહિ, તેમ મંદવાડ લાંબો ચાલ્યો, તેથી સેવા કરનાર સાધુ થાક્યા, દુઃખ પણ વધુ થવા લાગ્યું. પછી તો બહુ પ્રાર્થના કરે જે, ‘હે મહારાજ! મને કેમ તેડી જતા નથી? મારો શું વાંક છે?’ ત્યારે મહારાજે કહ્યું કે, ‘તમારો બીજો વાંક તો નથી, પણ તમે અમારા મોટા મુક્ત જે પર્વતભાઈ તેની વાતોમાં સંશય કર્યો હતો, તેથી એ કહે તો અમે તેડી જઈએ. તમે હવે એમની પ્રાર્થના કરો,’ આમ વાત કરી ત્યારે એ ભૂલ ઓળખાણી; પછી તો બહુ પશ્ચાત્તાપ કરી પર્વતભાઈની સ્તુતિ કરવા લાગ્યા, એટલે તુરત પર્વતભાઈનાં દર્શન થયાં ને તે જ વખતે પર્વતભાઈએ મહારાજને હાથ જોડીને કહ્યું કે, ‘મહારાજ! આ સંતને કૃપા કરી સુખેથી તેડી જાઓ.’ એટલે મહારાજ તેમને તેડી ગયા. આવી વાતો સત્સંગમાં થાય છે અને કેટલાક કહી દેખાડે છે. પણ ટાણું આવે ત્યારે પાછું એમનું એમ કરે, તેથી જીવને જન્મમરણ મટતું નથી, નહિ તો મહારાજ અથવા મોટા મુક્તને હેતે સહિત એક જ વાર હાથ જોડે એટલામાં કલ્યાણ થઈ જાય,’ એમ કહી સૌ ઊઠ્યા. પછી જાદવજીભાઈએ પોતાને ઘેર થાળ કરાવેલ હોવાથી બાપાશ્રી તથા આવેલ ગુજરાતી હરિભક્તોએ ત્યાં જઈ ઠાકોરજીને જમાડ્યા ને સાંજે તે હરિભક્તોએ સહિત ગાડામાં બેસી બાપાશ્રી વૃષપુર ગયા.