૨૨૯ - પાર્વતીબાઈને અંતસમયે આનંદ

0:000:00

થોડા દિવસ પછી આવી જ રીતે અમદાવાદ પાસેના સરસપુર ગામમાં પાર્વતીબાઈને બાપાશ્રીએ દિવ્યરૂપે દર્શન આપ્યાં હતાં. એ બાઈને સંગ્રહણીનો રોગ થવાથી ઘડી ઘડી દિશાએ જવું પડતું, તેથી એક કોર ખાટલામાં પડ્યાં પડ્યાં મહારાજને સંભાર્યા કરતાં. પોતે ભગવદી અને પવિત્ર બહુ, તેથી અશુદ્ધતા જરાય ગમે નહિ, પણ રોગ એવો એટલે શું કરે! શરીરમાં કળતર કે વ્યાધિ થાય ત્યારે મૂંઝાય, પણ મહારાજને સંભાર્યા કરે, અને બાપાશ્રીનાં તેણે અમદાવાદમાં બેત્રણ વખત દર્શન કરેલાં હોવાથી મહારાજ ભેળા એમને પણ સંભારે. એમ કરતાં એક દિવસ તે બાઈને બાપાશ્રીએ દિવ્યરૂપે દર્શન આપ્યાં, ત્યારે પોતે બહુ રાજી થયાં ને બોલ્યાં જે, ‘બાપા! આવે ટાણે તમે મારી સંભાળ લીધી, તમે ગરીબનિવાજ ખરા!’ એમ કહી સૂતાં સૂતાં હાથ જોડ્યા ને પોતાનો ખાટલો, ગોદડાં, લૂગડાં વગેરે અશુદ્ધ હોવાથી એમ કહેવા લાગ્યાં જે, ‘બાપા! તમે ભલે આવ્યા, બહુ દયા કરી, પણ મને અડશો નહિ, કેમ કે મારો રોગ એવો છે કે, હું જે ખાઉં છું તે ઘડીયે પેટમાં ટકતું નથી, તેથી હું તો સાવ અશુદ્ધ ને અશુદ્ધ રહું છું ને પડી પડી મહારાજને ને તમને સંભારું છું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બાઈ! તમે હવે આ તમારો ખાટલો, ગોદડાં બધુંય કઢાવી નાખો ને અહીં લીંપાવી બીજો ખાટલો ને ચોખ્ખા ગોદડાં પાથરીને સૂવો, અને જે તમને રુચિ થાય તે આજ આખો દિવસ ભાવે તેટલું જમો તથા પાણી પણ ફાવે તેટલું પીઓ, તમારે મનમાં કોઈ વાતે બીક ન રાખવી જે, કેમ થશે? ગમે તેટલું ખાશોપીશો પણ આજ સાંજ સુધી લઘુ કરવાનું કે દિશાએ જવાનું નહિ થાય.’ આ વચનથી તે બાઈએ તેમનાં સગાંવહાલાં જે પાસે હતાં તેમને આ વાત કરી, ખાટલો-ગોદડાં કઢાવી લીંપાવી નાખ્યું ને ચોખ્ખું આસન પથરાવી સૂતાં, પછી પોતાને ઘણા દિવસનું જમવાનું ને પાણી પીવાનું દુ:ખ હતું, તેથી જે જે ઇચ્છા થઈ તે આખો દિવસ જમ્યાં ને પાણી પીધું. બાપાશ્રી પણ સાંજ સુધી તેને એમ ને એમ પોતાની પાસે પાટ પર બેઠા દેખાતા હતા; તેથી અંતરમાં આંનદ હતો. ત્યાં તો શ્રીજીમહારાજ અંનત મુક્તોએ સહિત પધાર્યા ને બોલ્યા જે, ‘ચાલો! અમે તમને તેડવા આવ્યા છીએ!’ આ વચનથી એ બાઈના હર્ષનો પાર રહ્યો નહિ ને સૌને ‘જય સ્વામિનારાયણ’ કરતાં ‘અહો! અહો!’ કરવા લાગ્યાં. એ વખતે સગાંવહાલાં સૌ ધૂન્ય કરવા મંડ્યાં ને થોડી વાર થઈ ત્યાં તો એ બાઈએ દેહ મૂકી દીધો.

આ રીતે બાપાશ્રી કચ્છમાં રહ્યા થકા કેટલાંક ગામોમાં અદભુત પ્રતાપ જણાવી દર્શન આપતા હોવાથી સૌને વધુ હેત થતું ગયું. વળી દેશીપરદેશી સંત-હરિભક્તો પોતાની પાસે આવે તેને મહારાજ તથા મોટાના મહિમાની અને આજ્ઞા-ઉપાસનાની વાતો કરી સુખિયા કરવાનું સદાવ્રત તો ચાલતું જ હતું. તેમ સમૈયા-ઉત્સવના દિવસ હોય ત્યારે ભૂજ દર્શને જાય, ગામડામાં કોઈ તેડાવે તો ત્યાંય બેપાંચ દિવસ જઈ આવે, આમ હેતવાળા હરિભક્તોને રાજી કરતા હતા.