૪૪૨ - ભૂજ તથા સુખપુર જઈ આવ્યા

0:000:00

બાપાશ્રી સીનોગ્રે જઈ આવ્યા પછી થોડા દિવસ પાછું ઠીક ન રહેવાથી પોતાને એમ થયું જે, ‘હવે બહુ બહારગામ જવું નહિ,’ ત્યાં તો બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ચાર દિવસ થયા ઘણા માંદા થઈ ગયા છે ને તમને સંભારે છે એવા ભૂજથી ખબર આવતાં પોતાથી રહેવાયું નહિ એટલે ગાડું જોડાવી એમને જોવા ભૂજ ગયા. ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી તેમને આસને જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા, ત્યાં તો એ બેઠા થઈ ભેટી પડ્યા ને કહેવા લાગ્યા જે, ‘બાપા! તમે આવ્યા તે બહુ ઠીક થયું. હું તમારી વાટ જોતો હતો ત્યાં તમે આવ્યા. બે દિવસ પહેલાં તો મને દેહનું ભાન જ નહોતું ને એમ જ થઈ ગયું હતું કે, મહારાજ પાસે પહોંચી જવાણું. ત્યાં તો કોણ જાણે તમે કેવી કળા કરી કે પાછું દેહનું ગાડું ચાલતું થઈ ગયું. હવે આપ પધાર્યા છો તે પૂરું કરાવીને જજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે અહીં મહારાજની સેવા કરો છો ને ધામમાં જશો ત્યાં કોઈ બીજા છે? જે અહીં છે તે જ ત્યાં છે; માટે એવા સંકલ્પ ન કરવા. એ રાખે તેમ રહેવું,’ –એમ કહી માથે હાથ ફેરવી રાજી કર્યા.

આ વખતે ભૂજમાં ભોગીલાલભાઈને પણ તાવ આવતો હતો, તે વાતની બાપાશ્રીને ખબર પડતાં ચાલીને તેમને ઘેર દર્શન દેવા ગયા ને સાંજે મંદિરમાં આવી ઠાકોરજીને જમાડી રાત ખમ્યા. ભૂજના મંદિરમાં ચડવું-ઊતરવું થતાં પોતાને ઠીક ન જણાવાથી સવારમાં જવા તૈયાર થયા, ત્યારે બ્રહ્મચારી કહે, ‘બાપા! જાઓ કે રહો, પણ આ સેવક પર કૃપાદૃષ્ટિ રાખતા રહેજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું’ –એમ કહી સંત-હરિભક્તોને રાજી કરતા પોતે વૃષપુર પધાર્યા.

થોડા દિવસ પછી વળી સુખપુરમાં પારાયણ થવાનું સાંભળ્યું, ત્યારે પોતાને એમ થયું જે, ‘શરીર ખમતું નથી તેથી આ ફેરે તો ત્યાં નહિ જઈ શકાય,’ પણ સંત-હરિભક્તોએ બાપાશ્રી પાસે આવી બહુ તાણ કરવાથી ગામના હરિભક્તોએ સહિત પોતે ગાડામાં બેસી ત્યાં પણ જઈ આવ્યા.