૪૩ - જેઠાભાઈની મહારાજે રક્ષા કરી

0:000:00

એક વખત અબડાસામાં નેત્રા ગામમાં ચાર માણસે મળી કૂવો ગાળવાનું ઊધડ રાખેલ, તેમાં એક સત્સંગી હરિભક્ત જેઠા નામે હતો, તે બહુ ભગવદીય હતો, અને તે આ સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી તથા ભાઈશ્રી અને લક્ષ્મીરામભાઈ આદિનો જોગ-સમાગમ કરતો, તેથી તેમના પર આ મુક્તો બહુ રાજી હતા. કૂવાનું કામ ઘણા દિવસ ચાલ્યું, પણ એક દિવસ એ ચારેય કામ કરનાર માંહી હતા ને કૂવો ધસ્યો. તે વખતે જેઠે શ્રીજીમહારાજને સંભારી ‘હે મહારાજ!’ એવી બૂમ પાડી; તે જ વખતે એક પડખે સદ્‍ગુરુ સ્વામી નિર્ગુણદાસજી તથા લક્ષ્મીરામભાઈ અને બીજે પડખે ધર્મધુરંધર આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ તથા મુક્તરાજ ભાઈશ્રી દેખાયા, ને એમ ને એમ અધ્ધર ઉપાડી કૂવામાંથી કાઢી બહાર મૂકી દીધો. કૂવો ધસ્યો તેથી માણસોએ રાડોરાડ કરવા માંડી ને ગામમાં ખબર આપી જે, ‘માંહી ચારેય માણસો દબાઈ ગયા!’ એ સાંભળી ઘણા માણસો દોડી આવ્યા. આગળ આવીને જ્યાં જુએ તો આ જેઠાભાઈ બહાર બેઠેલા. તે જોઈ સૌને આશ્ચર્ય થયું જે, ‘આ ઊંડા પચાસ હાથ કૂવાને તળીએથી નીકળી કેમ શકે?’ પછી ઉપરની વાત કરતાં બધા માણસો વિસ્મય પામ્યા. પછી કૂવો ખોદાવ્યો ત્યારે બીજા ત્રણ માણસ મરેલા નીકળ્યા. આથી એ ગામમાં ઘણા માણસોને સત્સંગનો ગુણ આવ્યો.