૬૧૫ - વર્તમાન ધરાવી ગુના માફ કર્યા
ત્યાં થોડા દિવસ કથાવાર્તા પ્રસંગે બાપાશ્રી સંત-હરિભક્તોને મહારાજ તથા મોટાના મહિમાની વાતો કરી રાજી કરતા હતા ત્યાં વાંટાવદરથી સોમચંદભાઈ, અમૃતલાલભાઈ, શિવલાલ આદિ દર્શને આવ્યા. સાથે મુક્તરાજ ભૂરાભાઈ તથા મનસુખભાઈનો કાગળ લાવ્યા હતા, તે કાગળ સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રી પાસે વાંચ્યો, તેમાં શિવલાલને શરણે લેવાની પ્રાર્થના હતી તે સ્વીકારી, બન્ને સદ્ગુરુઓએ સહિત તેનો હાથ ઝાલી, વર્તમાન ધરાવીને ગુના માફ કર્યા; પછી તેનું કાંડું ઝાલીને બોલ્યા જે, ‘અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન વિના આમ ગુના માફ કરનાર કોઈ છે?’ પછી સોમચંદભાઈની પ્રશંસા કરીને કહ્યું જે, ‘તું આમનો ને લાલુભાઈનો જોગ કરજે ને મહારાજની આજ્ઞામાં ખબડદાર રહેજે.’ પછી એ ત્રણે હરિભક્તોએ બાપાશ્રીને ચંદન ચર્ચી ફૂલના હારથી પૂજા કરી, મગફળી તથા ટોપરાંના હાર પહેરાવ્યા ને હથેળીમાં કુંકુમ લઈને ભાલમાં મોટો ચાંદલો કર્યો. એ જોઈ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી રમૂજે યુક્ત હિંદીભાષામાં બોલ્યા જે, ‘અબધૂત જોગી, કહાંસે આયે હો?’ ત્યારે પોતે એ જ ભાષામાં બોલ્યા જે, ‘સૌ વશ કરું રે, સૌનો કારણ હું ભગવાન – યહાંસે આયે હે, યહ મૂર્તિ હમેરે ખાવંદ હે.’ એમ કહીને ઊઠ્યા. પછી સ્વામી વૃંદાવનદાસજી શિક્ષાપત્રીનો પાઠ કરવા લાગ્યા. એ જોઈ બાપાશ્રીએ તેમને કહ્યું જે, ‘સ્વામી! આ શિક્ષાપત્રી તે અમારું પક્કડ છે. આ પક્કડથી તમને પકડાય, આમાંથી કઈ આજ્ઞા પળે છે તે પણ ખબર પડે.’ એમ કહી સૌને પ્રસાદી આપતાં બોલ્યા જે, ‘લ્યો! લ્યો! આ પ્રસાદી દુર્લભ છે.’ ‘નહિ આવે ફેરી, નહિ આવે ફેરી; આ અવસર, નહિ આવે ફેરી.’ એ કીર્તનની ટૂંક બોલી પ્રસન્નતા જણાવતા બપોરના બે વાગ્યે સંત-હરિભક્તોએ સહિત નાગધરે નાહવા પધાર્યા. ત્યાંથી ધનજીભાઈ આદિ નારાયણપુરના હરિભક્તોએ બહુ આગ્રહ કરવાથી પોતે નારાયણપુર પધાર્યા. ત્યાં છ દિવસ રહી મહારાજના પ્રતાપની બહુ વાતો કરી, ત્યાંના હરિભક્તોને સુખિયા કર્યા.