૧૯૨ - સેવા કરનારાઓ પર પ્રસન્નતા
આવી રીતે જ્યારે જ્યારે પોતે વાતો કરવા માંડે, ત્યારે સંત-હરિભક્તો એકચિત્તે સાંભળતાં આનંદમાં ગરકાવ થઈ જાય. એ રીતે સવાર, સાંજ ને રાત્રે બ્રહ્મયજ્ઞ ચાલ્યા જ કરતો; સભા ઊઠે ત્યારે પોતે ઘેર જાય કે વાડીએ જાય, ત્યારે કોઈને બોલાવે, રમૂજ કરી હસાવે, સમાચાર પૂછે, કોઈને કાંઈ જોઈતું હોય તો હરિભક્તો અથવા પોતાના પુત્રાદિ જે પાસે હોય તેને ભલામણ કરે. રાત્રે ઉતારામાં પાગરણની ખબર કઢાવે. વૃદ્ધ હરિભક્તોને પોતાની પાસે બેસારી વાતો કરી સુખિયા કરે. સીધા, સામગ્રી, લોટ, દાળ, ચોખા વગેરે તૈયાર કરવાની સેવા કરતાં બાઈઓને પોતે એમ કહે જે, ‘આવી સેવાથી શ્રીજીમહારાજ તમારા પર બહુ રાજી થાય છે; માટે સેવાનું કામ હેતેથી કરજો. આ તો બધો અક્ષરધામનો સાજ છે. વળી પોતાના પુત્ર-પૌત્રાદિક અને નારાયણપુરના જાદવજીભાઈનું કુટુંબ તથા ગામોગામથી આવેલાં સાંખ્યયોગી, કર્મયોગી બાઈઓ યજ્ઞની સેવા કરતાં; તેના પર પણ પ્રસન્નતા જણાવી બોલાવતા કે સમાચાર પૂછતા, તેથી એ સર્વે રાજી રાજી થઈ જતાં.
પોતે તો બપોરે, સાંજે મોડેથી ઘેર જાય ને ગાજર(રાતડિયા)નું શાક ને બાજરીનો રોટલો તથા ખીચડી, છાશ જમે. દીકરીઓ વાલબા, રાધાબા તથા કાનબા આદિ આગ્રહ કરી થોડું શીરો, શાક વગેરે ઠાકોરજીના થાળ માટે કરેલ હોય તે પીરસે ને કહે, ‘બાપા! સાજો દેશ ઘેર જમણ જમે ને તમે રોટલા જમો તે કાંઈ અમને સારું લાગે! આવડો બધો વૈરાગ્ય શું રાખી બેઠા છો? આમ કરો તે અમને સારું નથી લાગતું.’ આવાં વચન સાંભળી બાપાશ્રી એમ કહે જે, ‘બાઈ! અમે તો સદાય દિવ્ય ભોજન જમીએ છીએ,’ –એમ કહી તેમને રાજી કરવા થોડું જમે, તેથી એ પુત્રપુત્રીઓ વગેરે ઘરમાં રાજી થતાં.
પોતે નિત્ય સવારમાં વહેલા નાહી, ખેસ ઓઢી પૂજા કરી લે. સંતો-હરિભક્તો એ ટાણે પાસે હોય તેને ઉઘાડે શરીરે મળે. તે વખતે આ મુક્તરાજનું એક ધોતિયાભર સૌમ્ય સ્વરૂપ એવું તો અલૌકિક લાગે કે જોનારા જાણે તૃપ્ત જ ન થાય. પછી ઉતાવળા આંગડી, પાઘડી, ખેસ પહેરી મંદિરમાં આવી મહારાજને દંડવત્ કરી સંતોને આસને આસને જઈ સૌને ‘જય સ્વામિનારાયણ’ કરી ઘેર પધારતા. ત્યાં થોડી વાર રોકાઈ ઠાકોરજીનાં દર્શન કરી જતાં, આવતાં, હરિભક્તો બાઈભાઈ સહુને માર્ગમાં ‘જય સ્વામિનારાયણ’ કરતા તુરત જ મંદિરમાં આવી જતા. સભામાં કથા વખતે પોતે સૌને ચંદન ચર્ચી પૂજા કરે, ને ક્યારેક પોતાના પુત્રાદિક પાસે કરાવે. પછી સભામાં ધ્યાને યુક્ત બેઠા હોય; વળી એ જ વખતે બહાર, ઉતારે કે વાડીએ કોઈ સંભારે તો ત્યાં પણ દેખાય ને સમાચાર પૂછે.