૧૧૫ - વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું

0:000:00

એક દિવસ ભાઈશ્રી બપોરના વાડીમાં સૂતા હતા ને કેરાથી ત્રણચાર હરિભક્તો દર્શને આવ્યા, તે પાસે ને પાસે બેસી રહ્યા. ઘણી વાર થઈ એટલે ઠંડા પવનને લીઘે એ સૌને ડોલાં આવવા માંડ્યા ને ભાઈશ્રી જાગ્યા ત્યારે જોયું તો ડોલાં ખાતા દીઠા. પછી પોતે ત્યાંથી ઊઠીને નાહવા ગયા. હરિભક્તો જાગીને જુએ તો કોઈ નહિ, તેથી એકબીજા વાત કરવા મંડ્યા કે, ‘હમણાં ભાઈ અહીં સૂતાં હતા ને કયાં ગયા?’ એક કહે, ‘મને ઊંઘ આવી ગઈ તે ખબર ન રહી.’ બીજો કહે, ‘મને ડોલાં આવ્યા,’- એમ પસ્તાવો કરતા ઉતાવળા ઉતાવળા ઊઠીને વાડીમાં ગયા, આમતેમ જોયું, પણ કયાંય દીઠા નહિ. ભાઈશ્રી તો લોટો ભરીને બહિર્ભૂમિ ગયા હતા, અને આ તો ગામમાં જઈને મંદિરે ગયા. ત્યાં ન દેખ્યા તેથી ઘેર આવ્યા. ત્યાં પણ નહોતા, એટલે પાછા વાડીએ આવ્યા ને પૂછ્યું જે, ‘ભાઈ ક્યાં ગયા?’ ત્યારે તેમના દીકરા કાનજીભાઈ કહે, ‘એ તો હમણાં અહીં નાહતા હતા. પછી જ્યાં પ્રથમ સૂતા હતા ત્યાં જઈને જોયું તો ત્યાંય નહિ. પછી ફરતા ફરતા લખાઈવાડીના ડહેલા પાસે ગયા, ત્યાં માથે લૂગડું ઓઢીને માનસીપૂજા કરતા જોયા, ત્યાં સૌ પ્રથમની પેઠે પડખે બેઠા. ઘણી વારે જાગ્યા ત્યારે સૌએ દંડવત્ કરી પસ્તાવો કર્યો. ત્યારે પોતે પૂછયું. જે, ‘તમે ક્યારના આવ્યા છો?’ પછી હરિભક્તોએ ગામમાં જઈ આવ્યા તે વાત કરી. ત્યારે પોતે બોલ્યા જે, ‘તમારે તો જેમ મહારાજ જીવને ધામમાં તેડવા આવ્યા હોય ને એ ટાણે કાંઈ સંકલ્પ થઈ જાય તો મૂકીને ચાલ્યા જાય છે, તેમ તમને ડોલાં આવ્યાં તેમાં આટલો ફેર પડી ગયો. માટે આવા અવસરે ખરા ખબડદાર થઈને ‘વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું!’ એ ઝબકારા કોઈના ધાર્યા થાય નહિ, એ તો ઓચિંતા થાય! એવી રીતે શ્રીજીમહારાજ ને તેમના મુક્તોએ આ લોકમાં ઓચિંતાનું સુખ આપવા માંડ્યું છે, તેથી અનેકના મોક્ષ થઈ જાય છે.’ પછી એમ બોલ્યા જે, ‘મોટા મુક્ત ઉપરથી આપણી પેઠે સૂઈ રહ્યા હોય તેમ જણાય, પણ એ તો મૂતિના સુખમાં આનંદ કરતા હોય. જેમ આકાશને પૃથ્વીનો કોઈ ઠેકાણે સંબંધ જ નથી, તેમ એમને તો અખંડ મૂર્તિ જ છે. જેમ વાયુ ઝાડને ભટકાય છે ને દેખાતો નથી, તેમ મોટા મુક્તની બોલવા, સાંભળવા કે ખાવાપીવા જેવી ક્રિયા દેખાય છે, પણ એ તો કાંઈ કરતા જ નથી. એમની સર્વે ક્રિયા મહારાજ કરે છે. અને પોતે તો મૂર્તિના સુખરૂપ અમૃતના સમુદ્રમાં ઝીલતા જ રહે છે. માટે મહારાજ વિના બીજે ક્યાંય સુખ માનવું નહિ ને દિવ્યભાવ રાખવો. આ ટાણે સત્સંગમાં એવા મોટાં છે કે એક સંકલ્પે અનેકના આત્યંતિક મોક્ષ કરી નાખે, પણ જીવને દેહાભિમાનરૂપી રાહુએ ઘેરી લીધા છે, તેથી એવો મહિમા સમજાતો નથી,’ એમ વાતો કરી તેમને રાજી કર્યા.