૪૪૬ - ભગવાન અને મુક્તથી કલ્યાણ થાય

0:000:00

એક વખત બાપાશ્રી વાડીએ વહેલા ગયા હતા ને સંતો મોડેથી નાહવા ગયા ત્યારે પોતે ઉઘાડે શરીરે ખાટલા ઉપર સૂતા હતા. સંતોએ જાણ્યું જે, ‘હમણાં પોઢ્યા હશે માટે જગાડવા નહિ.’ એમ વિચારી સહુ નાહીને આવ્યા તોપણ જાગ્યા નહોતા, તેથી પાસે બેસી સંતો મૂર્તિનાં કીર્તન બોલવા લાગ્યા એટલે બાપાશ્રી તુરત જાગ્રત થઈ ધ્યાને યુક્ત બેઠા તે ઘણી વાર સંતો કીર્તન બોલ્યા ત્યાં સુધી એમ ને એમ બેસી રહ્યા. પછી નેત્ર ઉઘાડી સહુને ‘જય સ્વામિનારાયણ’ કરીને બોલ્યા જે, ‘આમ ને આમ મહારાજની મૂર્તિમાંથી વૃત્તિ ચળાયમાન ન થાય તો કાંઈ કરવું બાકી રહે નહિ.’ એ ટાણે પુરાણી કેશવપ્રિયદાસજી પોતાની પાસે બેઠા હતા તેમને કહ્યું જે, ‘પુરાણી મહારાજ! તમે કોયલની વાત કરતા હતા તે કરો.’ ત્યારે તેમણે વાત કરી જે, ‘કોયલ પક્ષીનો કંઠ બેસી ગયો હોય, તે જો વસંતઋતુમાં આંબે મહોર આવે તે ખાય તો કંઠ ઊઘડે ને બોલાય, પણ જો તે વખતે તેની ચાંચ પાકે ને આંબાનું બૂર ન ખવાય તો કંઠ ન ઊઘડે. તે પછી વળી બીજે વર્ષે વસંતઋતુએ વાત જાય.’ આ વાત સાંભળી બાપાશ્રીએ કહ્યું કે, ‘આ ઉપરથી આપણે એમ જાણવું જે, આ જીવનું કલ્યાણ કોઈ વાતે થાય તેમ નથી, પણ ભગવાન કે ભગવાનના મુક્ત પૃથ્વી પર વિચરતા હોય ને તેનો આશરો કરે તો તત્કાળ કલ્યાણ થઈ જાય. બીજાથી એ કામ થાય તેવું નથી.’ એમ કહી પોતાના દીકરાઓ પાસે હાર તૈયાર કરાવી રાખ્યા હતા તે મગાવી સંતોની પૂજા કરી ને સંતોએ બાપાશ્રીની પૂજા કરી. ‘આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ’ એ કીર્તન સંતો પાસે બોલાવ્યું, તેથી સહુને આનંદ આનંદ થઈ રહ્યો; પછી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજીએ બાપાશ્રીને કહ્યું જે, ‘આ ટાણે આનંદ વર્તે છે તેવો સદાય આનંદ રહે તેવી દયા કરો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘સ્વામી! તમે તો મૂર્તિ વિના બીજું કાંઈ વહાલું રાખ્યું નથી, પણ જેને આવો આનંદ સદાય રાખવો હોય તેને મહારાજની મૂર્તિ અને આવી દિવ્ય સભા સાથે ને સાથે રાખવી. ક્યારેય નોખા ન પડવું,’ –એમ બોલ્યા, પછી સહુ મંદિરમાં આવ્યા.