૫૭૫ - કૂવાનો ગાળ કાઢતાં મહારાજે રક્ષા કરી
બાપાશ્રીએ ત્યાં જઈ વિચાર કર્યો જે, ‘વર્ષોવર્ષ અષાઢી અમાસે ગામનાં છોકરાં છત્રીએ જમે છે તેને હવે એક મહિનો રહ્યો, પણ આગલા વર્ષમાં વરસાદની તાણને લીધે છત્રીના કૂવામાં પાણી નહિ જેવું છે, તેથી થોડો ગાળ કઢાવ્યો હોય તો ઠીક.’ એમ જાણી પોતાની સેવા કરનારા હીરજીભાઈ તથા જાદવજીભાઈને એ વાત કરી. ત્યારે તે કહે ‘ભલે બાપા! અમે ગાળ કાઢશું, પણ હમણાં પંદર દિવસનું કામ છે, ત્યાર પછી કાઢીએ તો કેમ?’ ત્યારે બાપાશ્રી કહે, ‘તેનું કાંઈ નહિ. અમાસ પહેલાં પાણી થઈ જાય તો હરકત નહિ.’ આમ નક્કી કરેલ હોવાથી તે બંને હરિભક્તો અષાઢ સુદ બારશને દિવસે કૂવામાં ગાળ કાઢવા ઊતર્યા, તે સાથે કાનજીભાઈ પણ સેવા કરતા હતા. બપોરે બાપાશ્રીને એમ થયું જે, ‘ત્યાં આંટો દઈ આવું.’ –એમ વિચારી ઘોડી પર બેસી છત્રીએ આવ્યા ને કામ કરનારા સેવકોને કહે, ‘ધીરે ધીરે મહારાજને સંભારીને કામ કરજો. ભલે એક દિવસ વધુ લાગે. આપણે ઉતાવળનું કામ નથી, પણ પાણીનું કામ છે.’ એમ કહી પાછા ઘોડીએ બેસીને વાડીએ જવા ચાલ્યા, ત્યાં વાંસેથી ધર્મશાળા ઉપરથી એક કાળો સર્પ કૂવામાં પડતાં તેનો ધુબાકો થયો. એ વખતે તે કૂવામાં એ ગાળ કાઢનારા બેય હરિભક્તોએ તે સર્પ જોયો, તેથી ધીરજ રાખી મહારાજને સંભારતા દોરડું ઝાલી બહાર આવ્યા ને મોટું ઝરડું માંહી ઉતાર્યું. જ્યારે એ સર્પ ઝરડામાં આવ્યો ત્યારે જાળવીને બહાર તાણી લીધો. આ રીતે મહારાજે તેની કૂવો ગાળતાં રક્ષા કરી.