૨૮૨ - સંત-હરિભક્તોનો મોટો સમૂહ

0:000:00

હવે પ્રતિષ્ઠાને ફક્ત બે દિવસ બાકી હતા, પણ સંતો તથા મોટા મોટા હરિભક્તોએ મળી સર્વે સામગ્રી તૈયાર કરી રાખી હતી. પ્રતિષ્ઠા થયા પછી બ્રાહ્મણોની ચોરાશી કરવાનું નક્કી કરેલ હોવાથી બ્રાહ્મણોની રુચિ પ્રમાણે તેમના માટે પણ ઘી, ગોળ, લોટ, દાળ, ચોખા આદિ સામાન તૈયાર કરી રાખેલ હતો. ધ્વજા-પતાકા અને ભારે ભારે તોરણોથી મંદિર શણગારેલ હોવાથી આચાર્ય મહારાજ પધારતાં ભારે ધામધૂમ ને આનંદ-ઉત્સવ થવા લાગ્યો. સવાર, સાંજ ને રાત્રે ચોઘડિયાં વાગે. મંદિરમાં ઠાકોરજી પાસે ઉત્સવ થાય, સભામાં સદ્‍ગુરુઓ મહારાજના પ્રતાપની વાતો કરે, તેથી ચોતરફ આનંદ વર્તી રહ્યો હતો; ત્યાં તો કંકોત્રીઓ પહોંચ્યા પ્રમાણે ગામડાંઓમાંથી હરિભક્તો ઘણા આવવા લાગ્યા; અમદાવાદ, મૂળી, ગઢડા, વડતાલ, જૂનાગઢ આદિ ધામોમાંથી સંતો વહેલા આવી ગયેલા અને હરિભક્તો પંદર-વીસ હજાર જેટલા બહારથી આવેલા, ઉપરાંત ગામડાઓમાંથી કચ્છી હરિભક્તો આવ્યા, એટલે મંદિરમાં ક્યાંય જગા ન મળે. કેટલાકે તો તળાવને ચારે તરફ તથા વાડીઓમાં ઉતારા કરેલા, તેથી જ્યાં ને ત્યાં હરિભક્તો બાઈ-ભાઈના હજારોના સમૂહ ઊભરાતા જોવામાં આવતા હતા.

આ સમૈયામાં ભૂજના સંતો તથા કોટવાળ ધનજીભાઈ અને આગેવાન હરિભક્તોએ મળી મૂળીના સદ્‍ગુરુ સ્વામી હરિનારાયણદાસજીને પ્રાર્થના લખી આગ્રહથી તેડાવ્યા હોવાથી સ્વામીશ્રી જામનગર આવ્યાના ખબર મળતાં, સમુદ્રમાં કોઈ વાતની અડચણ ન આવે તે માટે હરિભક્તોએ શંકરલાલભાઈને સામે કાંઠે તેડવા મોકલ્યા હતા. એ સ્વામીશ્રી આવી પહોંચતાં સંત-હરિભક્તો ઘણા રાજી થયા.