૪૭૩- પારાયણ પ્રસંગે ભૂજ પધાર્યા
હવે બાપાશ્રી વૃષપુરમાં રહી ગામના હરિભક્તોને કથાવાર્તાએ સુખિયા કરતા તેમ જ પોતાના વ્યાવહારિક કામકાજની સંભાળ રાખતા. જ્યારે અન્નકોટનો દિવસ આવ્યો ત્યારે ભૂજ દર્શને ગયા. તે વખતે ભૂજના મોટા મોટા સંતો તથા બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તથા પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સૌએ મળી દસ દિવસ રોકાઈ જવા ઘણો આગ્રહ કર્યો ને કહ્યું જે, ‘અહીં એક સાંખ્યયોગી બાઈની પાછળ કાર્તિક સુદ પાંચમથી મોટી એકાદશી સુધી વચનામૃતની પારાયણ બેસવાની છે, તેથી રોકાઓ તો સૌને દર્શન થાય.’ એવી જ પ્રાર્થના પાછી બાઈઓના મંદિરમાંથી સાંખ્યયોગી બાઈઓએ કરી કે, ‘બાપા! હીરાકુંવરબા દેહ મેલી ગયાં છે, તેમનો કથા કરાવવાનો સંકલ્પ હતો, તેથી તેની વાસે પારાયણનું નક્કી કર્યું છે તો તમે દયા કરીને રોકાઈ જાઓ તો સારું.’ ત્યારે બાપાશ્રી કહે, ‘હમણાં મારાથી નહિ રોકાવાય, વચમાં બે દિવસ આવી જઈશ.’ એમ કહી વૃષપુર આવ્યા.
પછી કથાની સમાપ્તિને બે દિવસ બાકી રહ્યા ત્યાં સુધી બાપાશ્રી ન આવતાં બાઈઓએ સોની મોતીભાઈને ભૂજથી ગાડી લઈને તેડવા મોકલ્યા. તેમણે વૃષપુરમાં આવીને પહેલાં મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કર્યાં, પણ ત્યાં બાપાશ્રી નહિ તેથી ઘેર ખબર કાઢી તો કહે, ‘વાડીએ ગયા છે’. પછી પોતે વાડીએ આવ્યા ત્યાં તો કૂવા પાસે વડ નીચે હરિભક્તોની સભા જોવામાં આવી. સહુની ચંદન-પુષ્પથી પૂજા થયેલી. વચમાં બાપાશ્રી પણ એ જ રીતે પૂજા થયેલા સહુને વાતો કરતા હતા. ત્યાં જઈ મોતીભાઈએ દંડવત્ કર્યા કે તુરત બાપાશ્રી તેમને ઊભા થઈને મળ્યા એટલે બધા હરિભક્તો એક પછી એક મળીને બેઠા. પછી બાપાશ્રીએ પૂછ્યું કે,’ મોતીભાઈ! ઠાકોરજીને જમાડીને આવ્યા છો કે એમ ને એમ?’ ત્યારે મોતીભાઈ કહે, ‘બાપા! મારે તથા આપને ભૂજ જઈને ઠાકોરજીને જમાડવા છે. બાઈઓએ મને મોકલ્યો છે કે, તમે જઈને બાપાશ્રીને આજ ને આજ તેડી લાવો. મંદિરમાંથી સંતોએ તથા બ્રહ્મચારીએ પણ કીધું છે કે, જરૂર પધારે તેમ કહેજો, હું ભેળી ગાડી લાવ્યો છું તે બહાર ઊભી રાખી છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ગાડી લઈને આવ્યા એટલે તો હવે આવવું જ પડશે.’ એમ કહી ઊઠ્યા અને સહુને મળી ઘેરથી પૂજા લઈ મોતીભાઈની સાથે ભૂજ ગયા તે ઠાકોરજી જાગ્યા પહેલાં પહોંચ્યા. બાપાશ્રીને જોઈને સંત-હરિભક્તો, બાઈ-ભાઈ સહુ રાજી થયાં. સમય થઈ ગયો હોવાથી બ્રહ્મચારીએ ઠાકોરજીને જગાડ્યા ને બાપાશ્રીને પ્રસાદીનો હાર પહેરાવીને કહ્યું કે, ‘તમે તો મોંઘા બહુ, જ્યારે તેમને ગાડિયું લઈને કોઈ તેડવા આવે ત્યારે આવો.’ તે સાંભળી બાપાશ્રી કહે. ‘અમે તો કાંઈ મોંઘા નથી, જો મોંઘા હોત તો તમે આમ વાતો કરો છો ને દર્શન કરો છો તે કરી શકત નહિ.’ એમ રમૂજ કરતા સભામાં આવ્યા ને કથાવાર્તા ચાલતી થઈ. રાત્રે આરતી થયા પછી બ્રહ્મચારીએ બાપાશ્રીને તાણ કરી જમાડ્યા ને આસને સૂતા ત્યારે પણ ઘણી વાર મૂર્તિના સુખની વાતો કરાવી.
બીજે દિવસ મોટી એકાદશી તથા કથાની સમાપ્તિ હોવાથી સંત-હરિભક્તોની મોટી સભા થઈ. બાપાશ્રી પણ ઠાકોરજીના સિંહાસન આગળ આસન પર બેઠા બેઠા સહુને કૃપાદૃષ્ટિએ જોતા હતા. થોડી વારે કથાની સમાપ્તિ થયા પછી આરતી થઈ ને હરિભક્તોએ સંતોને વસ્ત્રો ઓઢાડવા માંડ્યા. એ પૂજાવિધિ ઘણી વાર ચાલ્યો. પછી બાપાશ્રીને નાહવાનો સંકલ્પ થયો એટલે કૂવે ન નાહતાં મોતીભાઈને સાથે લઈ હમીરસર તળાવે નાહવા ચાલ્યા. બાપાશ્રી તળાવે નાહવા જાય છે, એવા ખબર હરિભક્તોને પડતાં કેટલાક હરિભક્તો ઉતાવળા ઉતાવળા તળાવે ભેગા થઈ ગયા ને બાપાશ્રી બહિર્ભૂમિ જઈ આવ્યા પછી સૌની સાથે તળાવમાં નાહવા ઊતર્યા, ત્યારે હરિભક્તો ધૂન્ય કરતા ને કીર્તન બોલતા બાપાશ્રીને નવરાવવા લાગ્યા. પછી બાપાશ્રીએ પણ એ સૌને હાથેથી પાણી ઉછાળી નવરાવ્યા ને પાણીમાં ઊભા ઊભા વાત કરવા લાગ્યા જે, ‘આ તળાવ મહાપ્રસાદીનું છે. શ્રીજીમહારાજ સંતોએ સહિત આમાં ઘણી વાર નાહ્યા છે. સંતદાસજી પણ અહીંથી ડૂબકી દઈને બદરિકાશ્રમમાં ગયા હતા. એક વાર મહારાજ રંગે રમીને આ તળાવમાં નાહવા પધાર્યા, ત્યારે આકાશમાંથી દેવતાઓ ચંદન-પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ત્યારે તળાવમાં ફૂલ-ફૂલ થઈ રહ્યાં, તે જોઈને સૌને આનંદ થઈ રહ્યો હતો. આવો મહિમા જાણી સ્મૃતિએ સહિત નાહવું. અંતર્વૃત્તિએ મૂર્તિ ધારવાનો અભ્યાસ હોય તો આપણે નાહીએ છીએ, તે ભેળા મહારાજ ને મુક્ત નાહ્ય છે એવું દેખાય. ઊઠતાં, બેસતાં, નાહતાં, ધોતાં, સર્વે ક્રિયામાં મહારાજ ને અનંત મુક્ત ભેળા જ છે એમ જાણવું તો સુખ બહુ આવે,’ એમ કહી સૌને સ્મૃતિએ સહિત ફરી વાર નવરાવી પાણીમાં મળ્યા. પછી વસ્ત્રો બદલી હરિભક્તોએ સહિત વાડીમાં છત્રી છે ત્યાં આવીને બેઠા ને મહારાજના મહિમાની ઘણી વાતો કરી મંદિરમાં આવ્યા. મોટી એકાદશી હોવાથી કોઈને ફળાહાર કરવું નહોતું, તેથી સંત-હરિભક્તો આગળ આવીને બેઠા ને ઘણી વાર કથાવાર્તા થઈ. મોડેથી ઠાકોરજી જાગ્યા ત્યારે સંત-હરિભક્તોની સાથે પોતે દર્શન કરવા આવ્યા. વળી સંધ્યાઆરતી સુધી કથા-વાર્તા થઈ. રાત્રે ઠાકોરજી પાસે ઉત્સવની ધામ-ધૂમ થતી હતી, પણ બાપાશ્રીને જરા થાક જણાવાથી આસને સૂતા સૂતા વાતો કરતા હતા ને બ્રહ્મચારી નિર્ગુણાનંદજી, પુરાણી કેશવપ્રિયદાસજી આદિ સંતો તથા હરિભક્તો ફરતા બેઠા હતા, તે જ્યારે બાર વાગ્યા ત્યારે સૌ ઊઠ્યા. બીજે દિવસ પણ નિત્યવિધિ કરી કથાવાર્તાની સમાપ્તિ થઈ ત્યાં સુધી સભામાં બેઠા. પછી ઠાકોરજીને જમાડી ચાલવાનું કર્યું, ત્યારે ભૂજના સંતોએ દેવળીઆ ગામમાં મિસ્ત્રી પ્રેમજીભાઈ પારાયણ કરાવવાના હતા, ત્યાં આવવાનો આગ્રહ કર્યો, ત્યારે પોતે એમ કહ્યું જે, ‘ મને પ્રેમજીભાઈ બહુ તાણ કરી કહી ગયા છે કે, તમે બે દિવસ વહેલા આવજો, પણ મારું શરીર હવે ખમતું નથી. તોય હેતવાળા હરિભક્તો રાજી થાય તેમ કરવું પડે. તમે સહુ ટાણા પર જજો. હું વહેલો તો નહીં આવી શકું, પણ બે દિવસ કથામાં જરૂર આવી જઈશ.’ એમ કહી વૃષપુર પધાર્યા.