૭૬ - પ્રતિષ્ઠા સમયે આનંદોત્સવ
હવે અહીં મંદિર તથા સિંહાસનનું કામ સ્વામીશ્રીની દેખરેખ નીચે ચાલતાં થોડા વખતમાં મંદિર સંપૂર્ણ થયું. મૂર્તિઓ પ્રથમથી જ તૈયાર રાખી હતી, તેથી સ્વામીશ્રી તથા અનાદિ મુક્તરાજ ભાઈશ્રી અને હરિભક્તોએ મળી પ્રતિષ્ઠાનો દિવસ નક્કી કર્યો ને ગામોગામ કંકોત્રીઓ મોકલાવી, તેથી હરિભક્તો આગલે દિવસે આવી ગયા ને ભારે ધામધૂમ થવા લાગી. ઉત્સવીઆ હરિભક્તોએ આગલી રાત્રે ઠાકોરજીની મૂર્તિઓ પાલખીમાં પધરાવી, ગામમાં ફુલેકું ફેરવ્યું. તે વખતે શ્રીજીમહારાજની પાલખી આગળ હરિભક્તો ચમર કરતા ને છડી પોકારતા હતા. આગળ ઉત્સવમંડળીઓનાં કીર્તનની ઝીક મચી રહી હતી ને બત્તીઓના પ્રકાશથી તેજોમય માર્ગમાં હરિભક્તો ગુલાલથી ગરકાવ થઈ રહ્યા હતા. આ સર્વે મુક્તમંડળ મધ્યે ઠાકોરજીની પાલખી પાસે ભાઈશ્રી ધીમે ધીમે ચાલ્યા આવતા જોઈ સૌની નજર એમના તરફ રહેતી, કેમ કે એમને સમાધિ થતાં વાર ન લાગે, તેથી કેટલાક તો એમ જાણતા જે, હમણાં સમાધિ થઈ કે થશે. આ રીતે તેમના તરફ સૌનું લક્ષ રહેતું. પણ પોતે તો એકવૃત્તિએ મૂર્તિ સન્મુખ દૃષ્ટિ રાખી ચાલ્યા આવતા હતા. આ પ્રકારે ગાજતેવાજતે ઠાકોરજી મંદિરમાં પધાર્યા, પછી સમય થયો એટલે સૌએ શયન કર્યું.
બીજે દિવસે સવારમાં નિત્યવિધિ કરતાં જ હરિભક્તોએ સમૈયાની ધામધૂમ ચાલુ કરી. તોરણ બંધાયાં, ઘીના દીવા થયા, કેટલાક ફૂલના હાર પરોવવા લાગ્યા. કીર્તનિયા કીર્તન બોલે તેમાં હર્ષ ન માય. બહાર શરણાઈ-ઢોલ વાગે. વિપ્રોએ વેદોક્ત મંત્ર વડે આવાહન કરી ષોડશોપચારે શ્રીહરિની પૂજા કરી; ધૂપ, દીપ ને નૈવેધ ધરી આરતી ઉતારી. મુહૂર્ત પ્રમાણે સમય થયો એટલે સદ્ગુરુ સ્વામીશ્રી તથા સંતો અને મુક્તરાજ ભાઈશ્રીએ મળી પ્રતિષ્ઠાવિધિ કરી. ‘સહજાનંદ સ્વામી મહારાજની જય’ બોલાવી મહાપ્રભુની પ્રાર્થના કરી દંડવત્ પ્રણામ કર્યા ને પ્રસાદી વહેંચી. એ વખતે હરિભક્તોએ ગુલાલ ઉડાડ્યો. ત્યાર પછી સૌને જમાડીરમાડી તૃપ્ત કર્યા. પછી બહારગામથી આવેલા હરિભક્તો પોતપોતાને ગામ ગયા.