૬૬ - શ્રીહરિનાં દિવ્ય દર્શન અને રહસ્ય-અભિપ્રાય

0:000:00

આ રીતે ફળાહાર કરીને થોડી વાર આસને વિશ્રાંતિ કરી ઠાકોરજી જાગ્યા ત્યારે ભાઈશ્રી સંતોએ સહિત દર્શને પધાર્યા. પછી સભામાં આવીને બેઠા, તે આરતી સુધી કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલ્યો. ત્યાં સભા એવી ને એવી. પછી મોડેથી આ મુક્તરાજ સ્વામીશ્રીના આસને પધાર્યા, ત્યાં પણ એમ ને એમ બ્રહ્મરસ વરસ્યા જ કરે. ઠાકોરજી પાસે તો દર્શન કરવાની જગ્યા જ શાની મળે? ભારે ભારે શણગારે સહિત મનોહર મૂર્તિઓ, જાણે અક્ષરધામમાં જ દર્શન થતાં હોય તેમ તેજોમય જણાય! આગળ હરિભક્તો ‘જય જય’ના ઉચ્ચાર કરે; આમ સૌને આનંદ સમાય નહિ; થોડી વારે ઉત્સવની ધામધૂમ ચાલુ થઈ, દરવાજાના મેડા પર ચોઘડિયાં વાગતાં હોવાથી મંદિર ગાજતું હતું. તે વખતે આ કચ્છી સંઘે ચંદની નીચે ગરબી ગાવા માંડી, એટલે કેટલાક સંત-હરિભક્તો એ નવીનતા જોવા ઊભા રહ્યા. મુક્તરાજ ભાઈશ્રી સ્વામીના આસને બેઠેલા ત્યાં પણ સભા મોટી થઈ. એ ટાણે મંદિર પર જન્મોત્સવની તૈયારીને લીધે હરિભક્તો સમાય નહિ! એમ જ્યાં ને ત્યાં સંત-હરિભક્તોની ભીડ જોવામાં આવતી હતી. જ્યારે દસ વાગ્યા ત્યારે જન્મસમયની આરતી થઈ, તે વખતે ‘જય જય’ શબ્દ સર્વત્ર ગાજી રહ્યો. સદ્‍ગુરુ સ્વામી તથા મુક્તરાજ ભાઈશ્રીનું મંડળ દર્શને આવતું હતું, પણ મંદિર પર ભીડ બહુ હોવાથી ઓશરી પર સ્વામીશ્રીની સાથે આ મુક્તરાજ થોડી વાર ઊભા રહ્યા. હરિભક્તો ચોકમાં ઊભરાતા હતા, એ સર્વે એકનજરે આ મુક્તરાજ તથા સદ્‍ગુરુશ્રીને જોઈને આનંદ પામતા હતા. ઘણો વખત ઊભા રહ્યા પછી મંદિર પર માર્ગ થયો, ત્યારે ધીરે ધીરે ચાલતાં દર્શને પધાર્યા. એ વખતે પણ મંદિર પર કોઈ જઈ આવી શકે નહિ તેવી ઠઠ્ઠ મળી હતી. ભાઈશ્રી શ્રીહરિનાં તથા દેવનાં દર્શન કરી ‘જય જય ઘણી ખમા! મહાપ્રભુ ઘનશ્યામ મહારાજ!’ એમ બોલતા દંડવત્ કરવા લાગ્યા. એ વખતે શ્રીહરિના હસતા મુખારવિંદનાં દર્શન જેણે કર્યાં હોય તેને ખબર પડે કે, મહાપ્રભુની મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ એક કહેવાય છે, તે વાત બરાબર જ છે. આ વખતે પૂજારીએ સ્વામીશ્રીને તથા ભાઈશ્રીને એક એક હાર પહેરાવ્યો. એ રીતે દર્શન કરી સ્વામીશ્રી આસને આવ્યા, ને આ મુક્તરાજ પોતાના આસને બેઠા. ત્યાં સ્વામીશ્રીએ પાસે બેસીને કહ્યું કે, ‘ભાઈ! આજ તો મહાપ્રભુ મંદ મંદ હસતા હતા તે શું?’ ત્યારે ભાઈશ્રી કહે, ‘શ્રીજીમહારાજ પોતાની દિવ્યસભાને સદાય હસતે મુખે જ દર્શન આપે છે. તેમાં આજ તો જન્મદિવસ, તેથી વિશેષ આનંદ જણાવ્યો. વળી આપના જેવા મોટા સંત દર્શને પધાર્યા તથા આ કચ્છનો સંઘ ચાલીને દર્શન કરવા આવેલ છે, તેથી મહારાજે વધુ પ્રસન્નતા જણાવી.’ પછી થોડી વાર મૌન રહીને વળી બોલ્યા, ‘સ્વામી! તમે શ્રીજીમહારાજને વશ કરી લીધા છે, ‘મેં વા’લો વશ કીધા, મુજને વા’લે વશ કીધી,’ –એવું તમારે થયું છે. અમારા પર પણ તમે સદાય રાજી રહેજો.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! તમને મારે એટલી ભલામણ કરવી છે જે, અમારા જેટલા સાધુ છે તે બધાને તમારા માનીને તે સહુને સાચવજો.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! તમારી બધી વાત હું જાણું છું. તમારું મંડળ ને અમારું મંડળ ક્યાં જુદું છે? આપણે તો મહારાજના ઠરાવે ઠરાવ છે. મહારાજની મૂર્તિમાં અનંત મુક્ત રહ્યા છે, તે વાત આપણા ગુરુ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી તથા અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતો કરતા, ત્યારે કેટલાક તો સમજતા જ નહિ. પર્વતભાઈ જેવા મહાસમર્થ અનાદિ મુક્તને પણ કોણ જાણી શક્યા છે? જેવા છે તેવા જાણ્યા હોય તો તેમનાં વચન કેમ ન મનાય? એવા મોટાની વાત કોઈ કોઈ પાછી વાળતા ને સામો ઉપદ્રવ કરતા, તેથી મહારાજ ઘણી વાર ઉદાસ થઈ જતા. હવે ફરી સત્સંગમાં જે આવ્યા છે, તે આવી વાત સમજી શકે છે. નવાને તો હજી એ વાત મનાતી નથી. આ વખતે તો મહારાજે અનાદિ મુક્તની વાત સમજાવવા ધાર્યું છે, તે સમજાવશે. શ્રીજીમહારાજના સંકલ્પને કોણ રોકનાર છે?’ આમ વાત કરી, તેથી સ્વામીશ્રી ઘણા રાજી થયા ને કહ્યું જે, ‘આમ ને આમ સદાય ભેગા રહેજો,’ -એમ કહી પોઢી ગયા.

સવારે વહેલા જાગીને પાછા એવી જ રીતે સૌ પૂજા આદિ નિત્યવિધિ કરી ઠાકોરજીનાં દર્શન કરવા લાગ્યા. ક્યારેક હરિભક્તો મંદિરને કૂવે નાહતા, તો ક્યારેક સાબરમતીના નજીકને આરે જતા. જેમ અનુકૂળ પડતું તેમ કરતા. આજ તો હરિનવમીનાં પારણાં હતાં, તે ઠાકોરજીને જમાડવાના ‘હરે’ વહેલા થયા, તેથી સૌએ વહેલું જમી લીધું, પછી હરિભક્તો સભામાં આવ્યા, ત્યાં મનુષ્ય સમાય નહિ. પુરાણી સ્વામી ચૈતન્યદાસજી ‘સત્સંગિભૂષણ’ની કથા સભામાં વાંચતા, ને તેમનો સ્વર બહુ મોટો હોવાથી સૌને એ કથા બરાબર સમજાતી. આ દિવ્યગ્રંથમાં મહારાજનાં એવાં તો ચરિત્રો આવતાં કે સાંભળનારને તૃપ્તિ જ ન થાય. આ રીતે સર્વત્ર દિવ્યભાવ પમાડે તેવો સમૈયો બની જતાં સવારે, સાંજે ને રાત્રે સૌને એકસરખો જ આનંદ વર્તતો હતો.

એકાદશીને દિવસ સવારની સભામાં કથા થઈ રહ્યા પછી સ્વામીશ્રીએ વાતો કરી જે, ‘આજ તો રોકડું કલ્યાણ છે. જેને મહારાજ મળ્યા તેનું તો કામ જ થઈ ગયું, ‘હરિ મેરે હારલકી લકડી’ની પેઠે એ દિવ્ય મૂર્તિને બાઝી રહેવું. આપણે તો એક સ્વામિનારાયણ રાખવા. એ મહાપ્રભુ સત્સંગમાં અખંડ બિરાજે છે. આ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, અનંત અવતારના અવતારી, અનંત ધામના ધામી ને અનંત મુક્તના સ્વામી છે. એ મૂર્તિ વિના બીજું બોલવું નહીં, એક એમના જ ગુણ ગાવા. બીજાના ગુણ ગાઈએ તો કૃતઘ્ની કહેવાઈએ! શ્રીજીમહારાજના મોટા મુક્ત પણ એવા જ દિવ્ય છે. એ સભા અખંડ છે ને સર્વત્ર છે. મહારાજ ને મુક્ત અનંતકોટિ બ્રહ્માંડમાં ગોતતાં ન મળે. તે આપણે ઘેર આવીને બેઠા છે.’ એમ વાત કરતા હતા ત્યાં આરતી થઈ એટલે સૌ દર્શન કરવા પધાર્યા.

દ્વાદશીને દિવસે સંઘે મળી આખા મંદિરને રસોઈ આપી હતી. તેથી ઠાકોરજી જમ્યા પછી સંતની પંક્તિ થઈ, ત્યારે ભાઈશ્રી પંક્તિના દર્શને આવ્યા, સંતોને દંડવત્ કરી હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને સ્વામીશ્રીને કહ્યું કે, ‘સંતોને સારી રીતે જમાડજો.’ પછી પોતે સંઘની પંક્તિમાં પધાર્યા ત્યારે મુક્તરાજ કેસરાભાઈએ સંઘની વતી પ્રાર્થના કરી, તેથી સંઘમાં ઉઘાડે શરીરે આડસોડે ધોતિયું બાંધીને પીરસવા લાગ્યા, તે પંક્તિમાં બેત્રણ વાર ફર્યા ને સૌને કહે, ‘મહારાજને ખૂબ જમાડજો, આવો વખત મળવો ઘણો દુર્લભ છે.’ એમ સૌને રાજી કરી બપોરના કાંકરીએ પધાર્યા, ત્યાં પ્રસાદીસ્થાનનાં દર્શન કરી મંદિરમાં આવ્યા. ઠાકોરજી જાગ્યા ત્યારે સર્વે ઠેકાણે દર્શન કરી સભામાં બેઠા. રાત્રે પણ નિત્યનિયમ સુધી સભામાં બેસી સ્વામીશ્રીને આસને આવ્યા. ત્યાં સંઘના મોટેરા હરિભક્તો કુંવરજીભાઈ તથા કેસરાભાઈ, જાદવજીભાઈ આદિ સૌએ મળી સ્વામી પાસે રજા માગી કે, ‘અમને પાંચ દિવસ થયા, હવે રાજી થઈને રજા આપો, જેથી વડતાલ આદિ ધામોમાં સુખે દર્શન કરીએ, ગઢપુર થોડું રહેવાયું છે, તો હજી બે દિવસ ત્યાં પણ રહીશું.’ સ્વામીશ્રી કહે, ‘ભલે, બધેય ભેગા ને ભેગા રાખો તો રજા છે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘આપણે તો સદાય ભેગા જ છીએ.’ એમ કહી રજા લઈ દંડવત્ કરી મળ્યા ને સવારમાં વહેલા નિત્યવિધિ કરી આચાર્ય મહારાજ તથા સંત-હરિભક્તોને રાજી કરતાં ઠાકોરજીનાં દર્શન કરી સંઘ વડતાલ જવા નીકળ્યો.