૩૫૫ - છપૈયે જવાનો નિર્ણય
રાત્રે આરતી, ધૂન્ય ને કથાવાર્તા કરી લીધા પછી બાપાશ્રીના નામથી ટપાલમાં કાગળો આવેલા, તે પોતે સંતો પાસે વંચાવ્યા, તેમાં મૂળી, અમદાવાદથી સંતોની પ્રાર્થના હતી તેમ જેતલપુરમાં પારાયણ બેસારવાની તથા પાટડી ને છપૈયામાં મૂર્તિ પધરાવવા સંબંધી વિગત હતી. તેમાં પણ એવી જ પ્રાર્થનાઓ હતી જે, ‘આપ જેમ બને તેમ સંતમંડળ તથા કચ્છનો સંઘ લઈ વહેલા પધારજો.’ કાગળો વાંચ્યા પછી સદ્ગુરુ આદિ સંતો પાસે એ જ વાત ચાલી, પણ રાત્રે મોડું થઈ જવાથી એ વખતે તો સૌએ આસન કર્યા. બીજે દિવસે નિત્યનિયમ કરી લીધા પછી વળી આ વાતનો નિર્ણય કરવા માંડ્યો ત્યારે સંતોએ પ્રથમ ગામડાંમાં જવા માટે વહેલા ચાલવાની ઇચ્છા બતાવી ત્યારે બાપાશ્રીએ પાછળથી જવાનું કહ્યું, પણ જેતલપુરની પારાયણની વાત માગશર મહિનાથી ચાલતી હતી ને પોષ મહિનામાં તો છત્રી વગેરે થઈ ગયેલ હોવાથી બાપાશ્રીને સૌએ પ્રાર્થના કરી, ફૂલડોળનાં દર્શન ભૂજમાં કર્યા પછી બીજે દિવસ નીકળવાનો ઠરાવ નક્કી કર્યો ને તેવા ખબર ગામડાંમાંથી મોટા મોટા હરિભક્તો જે સાથે આવે તેવા હતા તેમને મોકલાવ્યા અને ચૈત્ર વદ દશમના દિવસે છપૈયામાં મૂર્તિ પધરાવવાના મુહૂર્ત ઉપર બીજો સંઘ પાછળથી આવે એમ ઠરાવ્યું.