૪૮૭ - ઠાકોરજીના ફુલેકાની અલૌકિક શોભા
રાત્રે ગામમાં ઠાકોરજીનું ફુલેકું નીકળ્યું, તેની શોભા તો નવીન જ લાગતી. પાલખીમાં મંદ મંદ હસતા મહાપ્રભુ સૌને દર્શન દેતા આવે ને સેવકો છત્ર-ચમર કરે, ઊંચે સાદે છડી બોલાય, બેય પડખે મોટી મોટી બત્તીઓની વચમાં મંડળીઓમાં હેતભર્યાં કીર્તન ગવાતાં આવે, ગુલાલ ઊડે, ભડાકા થાય, ઘેર ઘેરથી બાઈઓ બહાર નીકળી મહારાજને વધાવે, ભેટો મૂકે . એમ સવારીએ સહિત શેરીએ શેરીએ ફરતા શ્રીજીમહારાજનાં દર્શનથી સૌ આનંદમાં ગરકાવ થઈ જતા હતા. એક કોર વાડીઓમાં ગરબિયું ગવાય, મંદિરમાં ને સભામાં સંતો પાસે જગ્યા ન મળે; આ રીતે સવારોસવાર જ્યાં ને ત્યાં આનંદ વરતી રહ્યો હતો. રસોડામાં પણ સોએ સો હરિભક્તો એકસાથે શીરાના ઘણા ઘાણ ઉતારી મોટો હોજ ભરતા હતા. સુખડી તો પ્રથમથી જ તૈયાર કરી મૂકી હતી. આમ છેલ્લા દિવસ માટે બધી સામગ્રીની તૈયારી થઈ રહી હતી.