૨૬૪ - મુક્તરાજ ધનબાનો ચમત્કાર

0:000:00

આ પારાયણમાં મહારાજનાં અલૌકિક દર્શન સાથે ધનબાએ એક ચમત્કાર એ જણાવ્યો હતો કે, એક દિવસ ખીચડી માટે દાળ ઘટે તેમ જણાતાં હરિભક્તોએ તેમની પાસે જઈને કહ્યું કે, ‘મા! આપણે દાળ તૈયાર કરાવવી પડશે. કેમ કે અર્ધી કળશીની એક કોઠીમાં દાળ રહી છે ને રોજનો વરો ઝાઝો છે, તેથી દસબાર કળશી દાળ વધુ કરાવવી જોશે.’ આ વાત સાંભળી ધનબા કહે, ‘ભાઈ! દાળ કરાવવાનું આ ટાણે કાંઈ નહિ, એ કોઠીમાંથી દાળ સાણેથી કાઢજો ને માથેથી મોઢું છાંદી લેજો. મહારાજ પોતે પૂરું કરશે. કોઈ ચિંતા મ કરજો.’ હરિભક્તોને તેમના વચનમાં વિશ્વાસ હતો, તેથી તરત જ જઈને એ કોઠીને માથેથી છાંદી લીધી ને સાણેથી દાળ કાઢવા મંડ્યા. જ્યારે જોઈએ ત્યારે સાણેથી કાઢતાં કાઢતાં ગણતરી કરે, એમ કરતાં બે-અઢી કળશી કાઢી એટલે હિંમત આવી, પછી તો જ્યારે જોઈએ ત્યારે એ કોઠીમાંથી જ કાઢે, એમ કરતાં સમાપ્તિ સુધીમાં સાત કળશી દાળ કાઢી, પછી સમાપ્તિને બીજે દિવસ મોઢું છાંદેલું ઉઘાડીને જોયું તો એમ ને એમ આખી કોઠી દાળથી ભરેલી જોઈ સહુ નાનાંમોટાં, બાઈ, ભાઈ આશ્ચર્ય પામી ગયાં!

હવે અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંતો રામપુરથી વૃષપુર ગયા પછી ત્યાં પણ સવાર-સાંજ મહારાજ તથા મોટા મુક્તના પ્રતાપની વાતોરૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો હતો. સવારમાં દસ વાગ્યા સુધી સંત-હરિભક્તોની સભા બેઠી જ હોય. પછી ઠાકોરજીના થાળ થાય એટલે સંતો જમે, વળી કથા થાય; પછી થોડી વાર વિરામ કરી સંતો વાડીએ જાય, ત્યાં નાહ્ય, માનસીપૂજાઓ કરે. એ ટાણે સદ્‍ગુરુઓ કાંઈક પ્રશ્ન પૂછે એટલે બાપાશ્રી સહેજે વાતો કરે. ચાર વાગ્યા પછી મંદિરમાં આવે, ત્યાં વળી કથાવાર્તા થાય, ગોડીઓ બોલાય, સંધ્યાઆરતી થયા પછી પણ રાત્રે સૂવે ત્યાં સુધી એમ ને એમ સહુ આનંદ પામતા.