૪૨૫ - કસળચંદભાઈ પર અત્યંત કૃપા
એ વખતે મનસુખભાઈના કાકા કસળચંદભાઈનો હાથ ઝાલીને બાપાશ્રી બોલ્યા જે, ‘આમ ને આમ શ્રીજીમહારાજને સંભારજો ને તૈયાર થઈ રહેજો, ‘ત્યારે તે કહે, બહુ સારુ બાપા! હું તો તૈયાર જ છું. તમે દયા કરી હાથ ઝાલ્યો છે, તેમ ને તેમ સદાય ઝાલી રાખજો.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બહુ સારું,’ –એમ રાજીપો જણાવી તેમને રજા આપી, તેથી સૌ દેશમાં આવ્યા. (આ કસળચંદભાઈને બાપાશ્રીએ પ્રસન્નતા જણાવી આશીર્વાદ આપ્યા પછી એક વર્ષે મંદવાડ જણાણો, ત્યારે એ મહારાજ તથા બાપાશ્રીને સંભાર્યા કરતા હતા, ત્યાં તો તેમને મહારાજ સાથે બાપાશ્રીનાં દર્શન થયાં કે તુરત એ ધામમાં ચાલ્યા ગયા, આથી સૌને એમ થયું જે, ‘બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે જ તેમને સુખિયા કરી દીધા.’)
વૃષપુરમાં બાપાશ્રી પાસે સંતો હોય ત્યારે ગામડાંનાં હરિભક્તો તો એક પછી એક દર્શને આવ્યા જ કરે. કોઈ દર્શન કરી વળી જાય, તો કોઈ ઠાકોરજી જમાડવા રહે, કેટલાક છેટેથી આવ્યા હોય તો બે દિવસ રહી જોગ –સમાગમ પણ કરે. આમ વૃષપુરમાં તો કથાવાર્તાનો અખાડો ચાલ્યા જ કરતો.