૩૮ - વૃષપુરમાં ‘ સત્સંગિજીવન ’ ની પારાયણ
થોડો સમય વીત્યા પછી વળી વૃષપુરમાં પટેલ કુંવરજીભાઈએ દસ દિવસની ‘સત્સંગિજીવન’ની પારાયણ બેસાડવાનું નક્કી કરીને મુક્તરાજ લક્ષ્મીરામભાઈને માંડવીથી તેડાવ્યા. તે વખતે ભાઈશ્રી તથા કુંવરજીભાઈને પરસ્પર હેત ઘણું હતું. આ પારાયણ તેમના ઘેર બેસાડવાનો ઠરાવ હોવાથી દક્ષિણાદિ તરફ ભાઈઓની સગવડ કરેલ ને ઉત્તરાદિ તરફ હરિભક્તો ન દેખી શકાય તેમ બાઈઓની સગવડ કરી વચમાં કથામંડપ કર્યો હતો. પડખે એક પાટ આડી રાખી હતી કે ત્યાંથી બાઈઓ ઠાકોરજી તથા પુરાણીના દર્શન કરી શકે, ને બાઈભાઈ જુદાં સાંભળી શકે. આવી રીતે મુહૂર્ત પ્રમાણે પારાયણ ચાલતી થઈ ત્યારે કુંવરજીભાઈ તથા ભાઈશ્રીએ પુરાણી તથા પુસ્તકની પૂજા કરી. હરિભક્તો પણ પૂજા કરી શાંતિથી કથા સાંભળવા લાગ્યા. મુક્તરાજ લક્ષ્મીરામભાઈ વાંચે તેમાં શું ખામી હોય? એક તો ‘ બ્રાહ્મણ ને વળી બ્રહ્મવેતા.’ તેમના વાંચનની પ્રશંસાથી અન્ય સંપ્રદાયના માણસો પણ આવવા લાગ્યા. ‘સત્સંગિજીવન’ ગ્રંથમાં ધર્મના સિદ્ધાંતોનું વર્ણન બહુ આવતાં બાઈભાઈ એકચિત્તે સાંભળતા હતાં. આ પારાયણમાં કુંવરજીભાઈ તથા ભાઈશ્રી બેય સગા ભાઈ હોય તેમ એકબીજાને પૂછીને કામકાજ કરતા. પારાયણની પૂજામાં પણ બન્ને સાથે જ હોય. કોઈ વાર ભાઈશ્રી હાજર ન હોય તો કુંવરજીભાઈ વાટ જુએ અથવા માણસ મોકલી તેડાવે. આ રીતે થોડા દિવસ પારાયણ ચાલતાં હરિભક્તોની સંખ્યા ઘણી થવાથી જગ્યા પૂરી ન થઈ. પછી બાઈઓને ગામબહાર તંબૂ નાખી દીધો. ત્યાં ભૂજવાળા સાંખ્યયોગી ડોશી કથા વાંચવા લાગ્યાં તેથી બાઈઓમાં જગ્યાની તાણ પડતી હતી. તે મટી ગઈ ને સારો સમાસ થયો. હરિભક્તોને પણ સગવડ થઈ. સમાપ્તિને દિવસે ગામમાં સાદ ફેરવાવ્યો જે, ‘સહુ સવારે ઘેર રહેજો.’ પછી બીજે દિવસે સવારથી ધામધૂમ થવા લાગી. બળદને ઝૂલો નાખી સિગરામની પેઠે ગાડાને શણગારી શોભા કરી, તેમાં મહારાજની મૂર્તિ સાથે ‘સત્સંગિજીવન’ પુસ્તક મૂકી પુરાણી લક્ષ્મીરામભાઈ તથા મુક્તરાજ ભાઈશ્રીને બેસાર્યા ને ચંદન-કુંકુમ-ફૂલહારથી પૂજા કરી. ગામોગામની મંડળીઓ આવેલ, તે હરિભક્તો ઉત્સવ કરવા લાગ્યા. એ રીતે કીર્તન બોલતા ને ગુલાલ ઉડાડતા ગામમાં ફરી સૌ મંદિરમાં આવ્યા, ત્યાં છાબો મૂકી. તેમાં ભૂજમાં નરનારાયણદેવને ભેટ આપવા કોરી પાંચસો મૂકી હતી. બીજી ભેટ મુક્તરાજ લક્ષ્મીરામભાઈને આપવા માંડી, પણ તેમણે લીધી નહિ ને કહ્યું જે, ‘તમારે જે આપવું હોય તે શ્રીઠાકોરજીને આપો.’ એવાં વચનથી તે ભેટ તેમણે ઠાકોરજીને આપી. પછી ત્યાંથી ભાઈશ્રી તથા લક્ષ્મીરામભાઈ હરિભક્તોએ સહિત કાકરવાડીએ જઈને નાહ્યા ને ત્યાંથી ઘેર આવી ઠાકોરજીને જમાડી મંદિરમાં આવ્યા. ત્યાં મહારાજના મહિમાની ને દિવ્યભાવની ઘણી વાતો કરી પરસ્પર દંડવત્ કરી મળ્યા. ભાઈશ્રી ઘણું કહે કે, ‘લક્ષ્મીરામભાઈ, તમે તો મહારાજના લાડીલા મુક્ત છો ને પૂજ્ય છો, વયોવૃદ્ધ છો, તીર્થરૂપ છો, તેથી તમારે સામા દંડવત્ કરવા ન ખપે!’ ત્યારે મુક્તરાજ લક્ષ્મીરામભાઈ કહે, ‘ભાઈ! તમે કેવા સમર્થ છો, તે મને મહારાજની દયાથી થોડી થોડી ખબર પડી ગઈ છે, તેથી હવે ભરમાવશો નહિ,’ એમ કહી મળ્યા. પછી ગાડું તૈયાર હતું તેમાં બેસી નારાયણપુર ગયા. એ વખતે મુક્તરાજ લક્ષ્મીરામભાઈ સાથે તેમના ઘરનાં તથા બહેનો ને એક દીકરી એટલાં હતાં.