૩૦૦ - સંતોને રસ જમાડી રજા આપી
આવી રીતે નવાં નવાં સુખ આપતા; જ્યારે આંબા ઉપર કેરીઓ પાકી ત્યારે થોડા દિવસ સંતોને રસ-પુરીની રસોઈઓ જમાડી દેશમાં જવાની આજ્ઞા કરી ને કહ્યું જે, ‘અમે તમને વ્હેલી રજા આપત, પણ કેરીઓ થઈ ન્હોતી, તેથી રોક્યા હતા. હવે સૌ સુખેથી પધારો.’ આમ કહેવાથી આગલે દિવસ સંતોએ ચંદન-પુષ્પથી પૂજા કરી આશીર્વાદ માગ્યા, તે વખતે પોતે હેતે સહિત સહુને મળ્યા ને કહ્યું જે, ‘મહારાજ ને અનંત મુક્તો સદાય ભેળાનેભેળા જ છે, એવી સમજણ દૃઢ રાખજો, એટલે કાંઈ વાંધો નહિ રહે.’ પછી સવારમાં સંતોને વ્હેલા જમાડી નારાયણપુર જવાનું કહ્યું, એટલે સંતો ગાડામાં બેસી નારાયણપુર ગયા. ત્યાં બીજે દિવસ બપોરના પોતે પધાર્યા, તેથી સર્વે રાજી થયા ને સંતો પાસે એક ચકોતરું હરિભક્તો મૂકી ગયા હતા તે ઠાકોરજીને જમાડ્યું. તેમાંથી સંત-હરિભક્તોને પ્રસાદી આપી પોતે થોડું જમ્યા. પછી પોતે વૃષપુર જવા તૈયાર થયા ત્યારે સંતોને કહ્યું જે, ‘હવે તમે દેશમાં સુખેથી પધારજો, આપણે સદાય ભેળા જ છીએ.’ આમ આજ્ઞા થવાથી સંત-હરિભક્તો સૌ હેતે સહિત મળ્યા. તેમના પર પ્રસન્નતા જણાવી માથે હાથ મૂકી રાજી કરતા પોતે વૃષપુર પધાર્યા પછી સંતો પાછલી રાત્રે ગાડાં જોડી બારોબાર રેલે બેસવા સ્ટેશને ગયા એ વાતની ભૂજના મંદિરમાં ખબર પડી જે, ‘અમદાવાદ તથા મૂળીના સંતો ને હરિભક્તો પરબારા જાય છે તે ઠીક નહિ.’ એમ જાણી મંદિરમાંથી સંતો સ્ટેશને આવ્યા ને ઘણી તાણ કરી સહુને પાછા તેડી ગયા ને પંદર દિવસે રજા આપી.