૩૩૦ - સીનોગ્રાની પારાયણ
આ વખતે સીનોગ્રાથી મિસ્ત્રી દેવજીભાઈનો પ્રાર્થનાભરેલો પત્ર આવ્યો, તેમાં લખેલું જે ‘બાપા! અમે અહીં ફાગણ સુદમાં ‘સત્સંગિજીવન’ ની પારાયણ બેસારવાનું નક્કી કરેલ છે, તો આપ દયા કરી આ શુભ અવસરે સંતમંડળ લઈને પધારજો. અમો તમારા છીએ ને આપ અંતર્યામી છો, તે બધું જાણો છો, તેથી ઝાઝું લખતો નથી.’ આવો પત્ર આવતાં બાપાશ્રીએ ત્યાં જઈ આવવાનો વિચાર કર્યો. આ મિસ્ત્રી દેવજીભાઈનો વ્યવહાર સારો હતો, તેથી ટાણે ટાણે સત્સંગમાં બહુ સેવા કરતા; પોતાની વૃદ્ધાવસ્થાને લીધે આ વખતે તેમને એવો સંકલ્પ થયેલો કે, ‘મહારાજે મને દ્રવ્ય ઠીક આપ્યું છે, તેમ હજી પુત્રાદિક પરદેશમાં કમાય છે, માટે મારે હાથે સારી રીતે વાપરી લઉં તો ઠીક; કેમ કે દેહનો કાંઈ નિરધાર નથી.’ એમ વિચારી ભૂજમાં પોતાનો આ સંકલ્પ સંતોને કહેવાથી તેમણે મોટી પારાયણ બેસારવાનું કહ્યું ને મુહૂર્ત જોવરાવતાં ફાગણ સુદમાં મુહૂર્ત સારું હતું; બીજાં મુહૂર્ત છેટાં આવતાં હતાં, પણ તે પોતાને રુચ્યું નહિ, તેથી સંતોને લઈ જઈ બધી તૈયારી તુરતમાં કરી, કંકોત્રીઓ લખી ગામોગામથી હરિભક્તોને તેડાવ્યા; તેમ પોતાના પુત્રાદિકને પણ પરદેશથી તેડાવી લીધા. પારાયણ વાંચવા બ્રહ્મચારી પુરાણી મુનીશ્વરાનંદજી તથા મૂળીવાળા પુરાણી ધર્મકિશોરદાસજીને પોતે બોલાવેલ હોવાથી તેઓ તથા ભૂજના સંતો પ્રથમ આવી ગયા હતા; પછી કંકોત્રી પહોંચતાં ઘણા સંત-હરિભક્તો આવ્યા.