૬૧૨ – વૃષપુરમાં કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ

0:000:00

એક વાર સવારમાં વચનામૃતની કથા થતી હતી ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, ‘મહારાજ અમને ઠેલી ઠેલીને પોતાનો મહિમા કહેવા સારુ મૂકે છે. માટે જેમ છે તેમ કહીએ છીએ; પણ જે નથી સમજતા તે સંશય કરે છે. આગળ પણ જે સંશયવાળા હતા તે માનતા નહિ.’ પછી તો સદ્‍ગુરુ નિત્યાનંદ સ્વામીએ મહારાજનો મહિમા લખવા કેવો આગ્રહ કર્યો હતો તે વાત વિસ્તારથી કરી અને એક વાર સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજે પોતાનો મહિમા સમજાવવા મુક્ત દ્વારે અનંત સ્વરૂપો દેખાડ્યાં હતાં તે વાત કરી; ત્યાર પછી અનાદિ મુક્તરાજ સદ્‍ગુરુ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી તથા પર્વતભાઈ જેવા મહા સમર્થ મુક્તોની પ્રસંગે પ્રસંગે વાતો કરવા લાગ્યા. એક દિવસ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી એ ત્રણે સદ્‍ગુરુઓને મહંતાઈ ન લેવાની ભલામણ કરી. વચમાં એકાદશી આવી તે દિવસ પોતે સંતોએ સહિત છત્રીએ પધાર્યા ને દર્શન કરી તળાવમાં નાહતા-નાહતા તરવા લાગ્યા, ત્યારે સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી કાંઠે ઊભા હતા તે જોઈ રહ્યા ને કહ્યું જે, ‘આમને કોણ માંદા કહે!’ પછી ધીરે ધીરે સાધુ મુક્તવલ્લભદાસજીનો હાથ ઝાલી બાપાશ્રી બહાર આવ્યા ને સંતોને મળી મૂર્તિમાં રાખવાનો આશીર્વાદ આપ્યો; પછી હનુમાનજી પાસે દર્શન કરતાં પોતે તેમની પ્રશંસા કરવા લાગ્યા જે, ‘આ હનુમાનજી બહુ ચમત્કારી છે, હરિભક્તોનાં દુ:ખ નાશ કરે છે. હમણાં ભવાનીપુરના એક છોકરાને વાઈ મટાડી.’ પછી વળી એમ બોલ્યા જે, ‘આ બધો ચમત્કાર શ્રીજીમહારાજના પ્રતાપનો જાણવો. આ તો ચમત્કારી સ્થાન, ચમત્કારી સભા, એને લઈને આ હનુમાનજી પણ ચમત્કારી છે.’ એમ કહી પોતે મંદિરમાં આવ્યા. ત્યાં સંતોએ ચંદન-પુષ્પથી પૂજા કરી.

એક દિવસ બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં બેઠા હતા, ત્યાં સદ્‍ગુરુ સ્વામી ઘનશ્યામજીવનદાસજી આવ્યા ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! તમારે જવું છે કે રહેવું છે?’ ત્યારે તેમણે એમ કહ્યું જે, ’સ્વામી ઈશ્વરચરણદાસજી કહે એમ અમારે કરવાનું છે.’ પછી ત્રણે સદ્‍ગુરુઓને ભેળા કરીને અતિ પ્રસન્નતા જણાવતા સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને માથે એક હાથ મૂકી અને બીજો હાથ હેઠે દાઢીએ રાખ્યો ને કહ્યું જે, ‘આવા સાધુ ક્યાંથી મળે! દાળ, ભાત, રોટલી ને પૂરીઓ જમનારા અહીં મઠિયા જમે છે અને મહિમા જાણીને મારી સેવા કરે છે. આવા સાધુ મઠ જમે ત્યારે મારે જુવાર જમવી પડે. આવા સાધુ અક્ષરકોટિ સુધી ક્યાંય નથી.’ એમ પ્રસન્નતા જણાવી તેથી હરિભક્તો ઘણા રાજી થયા.

એક વાર લાલજી નામના હરિભક્તને ઊભા ઊભા ઊંઘ આવતી હતી, તે જોઈને પોતે બોલ્યા જે, ‘લાલજી બેસી જા, પડી જઈશ તો લાગશે.’ પછી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી કહે, ‘એટલે છેટે દેખો છો?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમે તો બધેય દેખીએ!’ પછી સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી બાપાશ્રીનું શરીર કૃશ જોઈને કહેવા લાગ્યા જે, ‘બાપા! દેહ પહેલો દેખાડતા હતા એવો દેખાડો ને!’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘તમારે સેવા કરવા માટે આવો રાખ્યો છે. તમે ઘણાં ખોખાંની સેવા કરી હશે, પણ આ સેવા મળે એવી નથી, આ સેવા તો બહુ મોંઘી છે, આ તો કીડી-કુંજરના મેળાપ જેવું છે.’