૨૧૮ - ધ. ધુ. આચાર્યશ્રીનો યજ્ઞોપવીત ઉત્સવ
સવંત ૧૯૬૨ સાલમાં દેવદીવાળીના સમૈયા વખતે ધર્મધુરંધર આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને જનોઈ આપવાના શુભ પ્રસંગ પર અનાદિ મુક્તરાજ બાપાશ્રી કચ્છનો સંઘ લઈ અમદાવાદ પધાર્યા ત્યારે મોટા મોટા હરિભક્તો સાથે હતા, એ સહુએ મંદિરના વંડામાં ઉતારા કર્યા. તે સાથે પોતે પણ ત્યાં ઊતર્યા; એ વખતે પોતાને ઝાઝું રોકાવાનું નહોતું, પણ સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોના આગ્રહથી પોતાનું આસન તો મંદિરમાં જ રાખેલું. ગુજરાતી હરિભક્તોને ખબર પડી કે કચ્છમાંથી અનાદિ મુક્તરાજ અબજીબાપા આવ્યા છે. ત્યાં તો નાનામોટા સૌ દર્શન કરવા ઊલટ્યા ને સ્વામીશ્રીના આસને મોટી સભા ભરાઈ ગઈ. પહેલે દિવસ પોતે ઘણી વાર ધ્યાને યુકત બેસી રહ્યા, જેથી જાણ્યાઅજાણ્યા સૌ એમને જોઈ જોઈને રાજી થતા. પણ બીજે દિવસે તો પૂજા કર્યાં પછી ઠાકોરજીનાં દર્શન કરી સભામાં આવીને બેઠા એટલે સહુને જાણ થઈ ગઈ કે સમાધિવાળા કચ્છમાં અબજીબાપા મોટા મુક્ત કહેવાય છે તે આવ્યા છે. એમ પરસ્પર વાતો કરી સભામાં દર્શન કરતા ને આનંદ પામતા. કથાની સમાપ્તિ થયા પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીનાં આસને ઘણા સંત-હરિભક્તો આવ્યા, ત્યાં સ્વામીશ્રીના આગ્રહથી થોડી વાર પોતે વાતો કરી સૌને રાજી કર્યા. આ સમૈયામાં મૂળી, ગઢપુર, વડતાલ, જૂનાગઢ આદિ ધામોના સંતો તથા દેશોદેશના હરિભક્તો મળી આશરે પચીસ-ત્રીસ હજાર જેટલો સમૂહ હતો. જનોઈના વિધિ વખતે ચંદની નીચે મંડપમાં વેદિકા કરેલી, તેમાં હોમ-હવન થતો હતો, ત્યાં શ્રીજીમહારાજ દિવ્યરૂપે આવી ખુરસી પર બેઠેલા, એવાં દર્શન સદ્ગુરુ સ્વામી ભક્તિપ્રસાદદાસજીને થયાં, તેથી એમને તો આનંદનો પાર રહ્યો નહિ. આ વાત એક સંતે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને આસને આવીને કરી. તે સાંભળી બાપાશ્રી કહે, ‘આ સમૈયામાં શ્રીજીમહારાજ પ્રત્યક્ષ દર્શન દે છે, તેથી જ્યાં ને ત્યાં આનંદ આનંદ થઈ રહ્યો છે.’ એ પ્રસંગે વાજાં, પડઘમ, ત્રાંસાં, શરણાઈ, ચોઘડિયાં આદિના નાદથી મંદિર તો ગાજી રહ્યું હતું. ઠાકોરજીએ પણ ભારે ભારે શણગાર ધારણ કરેલા હોવાથી સંત-હરિભક્તો સહુ દર્શન કરતાં પ્રફુલ્લિત જણાતા, તેમ જ બાપાશ્રીના પણ એ સમૂહ ભેગાં આસને, ઉતારે, સભામંડપમાં કે ચંદની નીચે સૌને દર્શન થતાં હતાં.