૫૮ - સંઘ ગઢપુર પહોંચ્યો

0:000:00

ગઢપુરમાં સંઘના હરિભક્તો મોડા પહોંચ્યા, તેથી ઠાકોરજીનાં દર્શન કરી ઉતારા કર્યા, ને થાક્યા-પાક્યા સહુ સૂઈ રહ્યા, ત્યાં એ જ રાત્રે મુક્તરાજ ધનબાને શ્રીજીમહારાજ તથા અનંત મુક્તોનાં દર્શન થયાં, તે જાણે ભાઈશ્રીને મહારાજ તેડવા પધાર્યા છે! જાગ્રત થતાં જ પોતે કેસરાભાઇને પાસે બોલાવ્યા, પણ વાત કરતાં હૃદય ભરાઈ આવ્યું. કેસરાભાઇ કહે,મા! શું છે? મને વાત કરો.’ ત્યારે ધનબાએ ગદગદ હૃદયે કહ્યું, ‘કેસરાભાઇ! આપણે ભાઈને મુળીએ મૂકીને આવ્યા, પણ આજ આપણું બધુંય સુખ ચાલ્યું ગયું. શ્રીજીમહારાજ અનંત મુક્તે સહિત ભાઈને તેડવા ગયા, એવાં મને હમણાં દર્શન થયાં.’ એમ કહેતાં દિલગીર થઈ ગયાં. ત્યારે કેસરાભાઇએ હાથ જોડી કહ્યું, ‘માં! દિલગીર ન થાઓ! તમે તો બહુ મોટાં છો, પણ હુંય તમારો ‘દીકરો છું. તમારા જેટલું ભલે ન જાણું, પણ એટલું તો મને નક્કી છે કે, આપણું સુખ નહિ જાય, કેમ કે આપણે મુળીથી ચાલ્યા ત્યારે હું ભાઈ પાસે ગયો હતો. એ ટાણે એમને જોઈને મારું હૈયું ભરાઈ આવ્યું. ત્યારે મારે માથે હાથ મુકીને ભાઈ એમ બોલ્યા હતા જે, ‘તમે ભલે જાઓ, અમે જરૂર ગઢડે આવશું.’ આ વચન એમનાં ખોટાં ન પડે. ‘જો મહારાજ પધાર્યા હશે તોય રાખી જશે.’ આમ વાત કરી, તેથી ધનબા સંતોષ પામ્યાં ને સૂઈ રહ્યાં. બીજે દિવસે મૂળીમાં ભાઈશ્રીને ઠીક થયું એટલે સંતોની રજા લઈ સેવક કાનજીભાઈ સાથે ગઢપુર આવવા નીકળ્યા. જ્યારે ગઢપુર અર્ધો ગાઉ રહ્યું ત્યારે મુક્તરાજ કેસરાભાઈને એવાં દર્શન થયાં કે, ભાઈશ્રી તથા સેવક કાનજીભાઈ ચાલ્યા આવે છે, તેથી સંઘને ખબર કરી સૌ સામા ચાલ્યા. તે ગામ બહાર નીકળતાં જ ભાઈશ્રીનાં દર્શન થયાં, તેથી પરસ્પર હેતથી સૌ મળ્યા ને રાજી થયા. મુક્તરાજ ધનબા પણ ભાઈશ્રીને જોઈને બહુ જ આનંદ પામ્યાં. પછી ઉમંગભર્યા ગઢપુરમાં શ્રીજીમહારાજ તથા સંતોનાં દર્શન કરી રસોઈઓ આપી.

ગઢપુર તો શ્રીજીમહારાજની રમણભૂમિ તેથી સૌને સહજ આનંદ વર્તે, ત્યાં આ દિવ્ય મુક્તરાજ મોટો સંઘ લઈને પધાર્યા; પછી શું ખામી રહે! સવાર-સાંજ ચોઘડિયાં વાગે, મંગળા તથા શણગાર આરતી થાય, હરિભક્તો ઊભરાય, સભા ભરાય. વળી આ સંઘનાં હરિભક્તોનો પહેરવેષ ને બોલી નવીન, તેથી સૌનાં મન વધુ ખેંચાય. તેમાં પણ વિશેષ તો ભાઈશ્રી સામું ઘણા જુએ, કેમ કે પ્રથમથી આવેલ હરિભક્તોએ કાજરડા તથા મુળીમાં એમને સમાધિ થઈ હતી તે વાત સંતોને કરેલ હોવાથી સૌ તેમની વરસાદની પેઠે વાટ જોઈ રહ્યા હતા; ત્યાં પ્રત્યક્ષ દર્શન થયાં, તેથી સંત-હરિભક્તો ઘણા રાજી થયા.

હવે અનાદિ મુક્તરાજ ભાઈશ્રીને મહાન સ્થિતિવાળા મોટા મુક્તો જાણી સવાર-સાંજ પ્રસન્ન કરવા સંતો ઠાકોરજીના પ્રસાદીહાર પહેરાવવા લાગ્યા, જમાડવા ટાણે પાસે બેસે, દંડવત્ કરતાં જોઈ રહે, દર્શન કરે ત્યારે પણ ભેળા જ રહે, જાણે કાંઈક બોલે. સભામાં સૌને દર્શન થાય તે રીતે આસન રાખેલ હોવાથી ઘણા સંત-હરિભક્તો તો તેમના મુખ સામું જોઈ જ રહેતા.

એક વખત ભાઈશ્રીનું આસન હતું ત્યાં થોડાક સંતો આવ્યા, તે એમ જાણીને કે, આપણે કાંઈક પૂછીને વાતો કરાવશું! ત્યાં તો પોતાની મેળાએ આસનથી હેઠા ઊતરી ગયા ને બોલ્યા જે, ‘સંતો! તમારી સેવા શ્રીજીમહારાજ બહુ માને છે. આ અક્ષરધામ જેવું ગઢપુર, જ્યાં મહાપ્રભુ છપૈયાથી પણ અધિક રહ્યા ત્યાં તમે અખંડ સેવા કરો છો, તેથી તમારા સામું શ્રીહરિ જોઈ રહ્યા છે. તમે પણ એક મહારાજને જ રાજી કરવાનું તાન રાખજો. મહારાજે કહ્યું છે કે, ‘આ ગઢડું શહેર કે આ ઓશરી એ કાંઈ દેખાતું નથી, બધુંય તેજોમય છે.’ એ તેજમાં શ્રીજીમહારાજ ઝળક ઝળક ઝળકે છે. અનંત મુક્ત તેજોમય એ મૂર્તિના સુખમાં તદાકારપણે રહ્યા છે. સન્મુખ પણ તેજોમય દિવ્ય સભા બેઠી છે. મહારાજ સૌને સન્મુખ જણાય છે. એ સભા અખંડ છે, અનાદિ છે, સનાતન છે, તે આપણને મળી છે. શ્રીજીમહારાજે આપણો હાથ ઝાલ્યો છે ને પોતાના કર્યા છે. નહિ તો આવું સુખ ન મળે! એ મૂર્તિથી ક્યારેય નોખો ન પડવું એ વિના બીજું કોઈ સુખદાઈ નથી. મૂર્તિમાંથી નવીન નવીન ખુશબો આવે છે; એ ખુશબોથી તૃપ્ત રહેવું, બહિર્વૃત્તિ ન કરવી. જીવને ભગવાનનું સુખ લેતાં ન આવડે, તેથી પંચવિષયમાં માલ માને છે, આપણે તો એ માર્ગ જ બંધ રાખવો.’

વળી એક દિવસ સભામાં એમ વાત કરી જે, ‘શ્રીજીમહારાજની દયા તો જુઓ! આ મંદિર થયું ત્યારે પોતે માથે પાણા ખણીને લાવતા. કાઠી હરિભક્તો ના પાડે, હાથ જોડે કરગરે, તો કહે જે, અમારે ગોપીનાથજીની સેવા કરવી છે, તમારે સેવા કરવી હોય તો કરો! આવા મંદિરમાં અક્ષરધામ જેવું સુખ ન આવે, તે પોતાનો વાંક સમજવો. ‘અનંત જીવ ઉદ્ધારવાને આવીઆ બ્રહ્મમહોલવાસી હરિરાય’ –આવી મહાપ્રભુની અલૌકિક રીત છે. તે ગોપીનાથનું મંદિર કહે, રાધાકૃષ્ણનું કહે, લક્ષ્મીનારાયણ, નરનારાયણ જેના નામથી વર્ણન કરે, પણ એ પોતે જ એ રૂપે દર્શન આપે છે. આવી વાતો સમજવાની છે. જુઓને! વચનામૃતમાં તેજમાં મૂર્તિનું પહેલું વર્ણન કરી કહ્યું જે, એ મૂર્તિ અમે પોતે જ છીએ, તેમ આ બધાં દર્શન અનંત જીવોને પોતાની મૂર્તિમાં ખેંચી લેવા કરાવ્યાં, પણ એ સર્વેના કારણ પોતે જ છે. માટે આપણે તો એ કારણમૂર્તિમાં જ જોડાવું. આજ એ નામનું ચલણ છે. એના વિના આત્યંતિક મોક્ષ કોઈથી થાય તેમ નથી, માટે એ કારણમૂર્તિ ને એ મૂર્તિના રસભોગી મહામુક્ત તે બે વિના ક્યાંય નાતો રાખવો નહિ. દ્રઢ નિષ્ઠાવાળા જ એ મૂર્તિના સુખમાં પહોંચે છે; જેવાતેવાની ત્યાં ગતિ નથી. સાધન તો દાડિયું કરવા જેવાં છે. દાડિયું કર્યે શું વળે? મહારાજ ને મોટા મુક્ત રાજી થાય તો જ મોક્ષ થાય.’ આવી વાતો સાંભળી સંત-હરિભક્તો ઘણા રાજી થયા ને જાણ્યું જે, ‘આમને બોલવાનું ઓછું છે. પણ વાતો તો બહુ ચમત્કારી કરે છે.’

આવી રીતે સૌને આનંદ પમાડતા ઉન્મત્ત ગંગામાં ઘણી વાર નાહ્યા. લક્ષ્મીબાગમાં સવાર-સાંજ દર્શને જતા. કોઈ વાર ભક્તિબાગ, રાધાવાવે સભા કરી બેસતા, ક્યારેક પ્રસાદીના ઓટા છે ત્યાં જતા અક્ષર ઓરડી અને દરબારમાં તથા નિંબવૃક્ષ નીચે દર્શન કરતા ત્યારે વસુદેવનારાયણના ઓરડા, ઓશરી ને નિંબવૃક્ષ નીચેનો ચોક આ કચ્છી સંઘથી ઉભરાતો. ક્યારેક એ ઠેકાણે એકબીજાને પરસ્પર મળતા. એક વખત અક્ષર ઓરડીમાં પોતે માનસીપૂજા કરતા ઘણી વાર બેસી રહ્યા હતા. આ રીતે ગઢપુરમાં શ્રીજીમહારાજ તથા ગોપીનાથજી મહારાજ આદિ દેવનાં તથા પ્રસાદીસ્થળ અને સંત-હરિભક્તોનાં દર્શન કરી સહુને રાજી કરતા ત્યાંથી ચાલ્યા તે ધોળેરામાં દર્શન કરી ધોળકે આવ્યા ને ઠાકોરજી તથા સંતોનાં દર્શન કર્યાં; ત્યાં રાત્રે ભાઈશ્રીને એવાં દર્શન થયાં તે જાણે જેતલપુરમાં મોટા સંત સદગુરુ ધ્રુવાનંદ સ્વામીને મહારાજ અનંત મુક્તમંડળે સહિત તેડવા પધાર્યા છે ને પોતે ભેળા છે. આ વખતે ભાઈશ્રીને એમ થયું જે, કચ્છનો સંઘ તીર્થ કરવા નીકળ્યો છે ને આ મોટા તીર્થરૂપ સંતનાં તો સંઘને દર્શનેય નહિ થાય, એમ જાણી મહારાજને પોતે પ્રાર્થના કરી જે, ‘આ કચ્છી સંઘ જેતલપુર પહોંચે ને સૌને આ છેલ્લા નંદપંક્તિના સંતનાં દર્શન થાય, પછી આપ ચમત્કાર જણાવીને તેડી જાઓ તો સંઘના હરિભક્તો એ લીલા સંભારે,’ આવાં પ્રાર્થનાવચનથી મહારાજ તેમને એ વખતે રાખી ગયા. ભાઈશ્રીએ સંઘને આ વાત જણાવી તેથી તુરત ત્યાંથી જેતલપુર આવવા સંઘ ચાલી નીકળ્યો.

જેતલપુરમાં એ વખતે એક જસાભક્ત નામના પાર્ષદ વાડીમાં રહેતા. તે મહાપ્રભુના અનન્ય ભક્ત હતા ને સ્થિતિવાળા હતા. તેને શ્રીજીમહારાજે એવાં દર્શન આપ્યાં તે જાણે માણકી પર બેઠેલા, પોતે દુબળા ને ઘોડીએ દુબળી, પહેરેલાં શ્વેત વસ્ત્રો ધૂડવાળાં, વત્તુ વધેલું, -આવું બધું નવીન જોઈ જસાભક્ત તો દંડવત્ કરવા લાગ્યા ને આશ્વર્ય પામી બોલ્યા, ‘હે મહારાજ, આમ કેમ!’ ત્યારે શ્રીજીમહારાજે તેમના પર અભય હાથ મૂકીને કહ્યું, ‘ભગત! કચ્છમાંથી સંઘ આવે છે તે હમણાં અહીં આવશે. જ્યારથી એ સંઘ ચાલ્યો છે ત્યારથી અમે એના ભેગા જ ચાલીએ છીએ. સંઘ બહુ મોટો છે ને સૌ કેડામોર ચાલ્યા આવે છે, તેથી તેમને માર્ગમાં કોઈ લુંટી ન જાય તેમ માર્ગ ન ભૂલે તે માટે આખા સંઘની ચિંતા રાખી એમ સાથે જ રહીએ છીએ, તેથી તમને આવા દેખાઈએ છીએ,’ – એમ વાત કરીને અદ્રશ્ય થયા. ત્યાં તો આ સંઘ જેતલપુર આવી પહોંચ્યો. સૌએ ઠાકોરજી તથા સદગુરુ ધ્રુવાનંદ સ્વામીનાં દર્શન કરી ઉતારા કર્યા. પછી સંતોમાંથી એમ વાત સાંભળી જે, આગલી રાત્રે શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહીત સ્વામીને તેડવા પધાર્યા હતા. પણ મુક્તરાજ ભાઈશ્રીના કહેવાથી રાખી ગયા છે. થોડી વાર થાઈ ત્યાં વળી વાડીમાંથી જસા ભક્તે આવીને પોતાને દર્શન થયાં હતાં, તેવી વાત કરી તેથી સંઘના હરિભક્તો સૌ આશ્વર્ય પામી ગયા. પછી ત્યાં બે દિવસ રહ્યા તેમાં સવાર-સાંજ દેવસરોવરમાં નાહવા જતા ને યજ્ઞ કર્યા છે એ ઠેકાણે તથા બીજાં બધાં પ્રસાદીસ્થાનોમાં દર્શન કરતા ને સભામાં બેસતા.

એક સમયે ભાઈશ્રી થોડક સંત-હરિભક્તોએ સહિત મોહોલ પર દર્શન કરવા ગયેલા ત્યાં બેસીને માનસીપૂજા કરી, પછી વાતો કરવા લાગ્યા જે, ‘આ જેતલપુર બહુ પ્રસાદીનું છે, શ્રીજીમહારાજ અહીં ઘેર ઘેર ફર્યા છે, આ મોહોલ પર નિત્યે મોટા મોટા બ્રહ્માંડાભિમાની દેવો તથા અવતારો દર્શને આવતા, અનંત મુક્તથી ઠસાઠસ સભાઓ થતી, આસોપાલવ ને બોરસલી એ વ્રુક્ષ બહુ પ્રસાદીનાં છે. ગામ નાનું તેથી મહારાજ ગામબહાર ઘણી વાર સભાઓ કરતા. બ્રાહ્મણોને યજ્ઞો કરી જમાડ્યા, પણ તેમાં બ્રાહ્મણોએ પોતાના સ્વભાવ જણાવી ઘી ખુટાડવા દાખડા ઘણા કર્યા, પણ શ્રીજીમહારાજ પાસે કોનું ચાલે? તે ટાણે રાજ્યની ઉપાધિ ઘણી હતી. એક વાર મહારાજને પકડવા પણ આવ્યા હતા. આવું શાસ્ત્રમાં ઘણુંય લખ્યું છે. પણ અનંત મુક્તથી ઠસાઠસ તેજોમય સભા થતી, તેમાં દિવ્યમૂર્તિ શ્રીજીમહારાજ એકકાળાવિચ્છિન્ન સૌને અલૌકિક દર્શન આપતા. એ મૂર્તિમાંથી સુખના ફુવારા છૂટતા.’ આવું મૂર્તિના સુખનું એકધારું લખાણ થોડું લખાય, કેમ કે જીવને એ સુખમાં ગતિ ન પહોંચે, તેથી સમજી શકે તે રીતે, ધીરે ધીરે મોટા સમજાવે. ‘મહારાજે તો આ ફેરે હદ વાળી નાખી છે, અનંત મુક્તો પોતાની સાથે લાવ્યા, અદભુત કાર્યો કર્યાં, મોટાં મોટાં ધામ બાંધી મોક્ષનાં સદાવ્રત ચલાવ્યાં, દર્શનમાત્રે કલ્યાણ કર્યાં, જ્યાં એ મહાપ્રભુ ત્યાં અક્ષરધામ, અનંતકોટિ મુક્ત સાથે ને સાથે. આ ટાણે પણ એવું ને એવું જ સુખ વર્તે છે. પણ દિવ્યદ્રષ્ટિ થયા વગર એ વાત સમજાય નહિ. જીવને આ લોકનાં દ્રષ્ટાંત ને આ લીકની વાતોમાં ગતિ પહોંચે, પણ મહારાજના લાડીલા મુક્તને તો, મૂર્તિ વિના બીજું કાંઈ છે જ નહીં, એ તો અવરભાવનું કાંઈ જોતા જ નથી,’ એમ કહી મોહોલ પર સંત-હરિભક્તોને મળ્યા.