૧૩૯ - રામજીભાઈનું હેત અને મહિમા

0:000:00

હવે ઉપરદળના રામજીભાઈએ શું કર્યું? તો ભાઈશ્રી આદિ સંઘ કચ્છમાં ગયો ત્યારે એ પણ સંઘ ભેગા જ કચ્છમાં ગયા. તેમને ગઢપુરથી ગામોગામ સાથે ચાલતાં દર્શનનો તથા ચમત્કારિક વાતોનો લાભ ઘણો મળ્યો; તેમ મોટા મોટા સંત-હરિભક્તો મહિમા જાણી ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, એ બધું નજરે જોયું, તેથી એમને તો હવે આ મુક્તરાજ સાથે જ રહેવું ગમી ગયું.

થોડા માસ વીત્યા પછી સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતોનું મંડળ ગુજરાતમાંથી ભૂજ થઈ વૃષપુર આવ્યું, ત્યારે ભાઈશ્રીએ રામજીભાઈને કહ્યું જે, ‘હવે તમારે આ બેય સદ્‍ગુરુઓનો જોગ-સમાગમ કરવો.’ આ વચનથી થોડા વખતમાં એ બન્ને સદ્‍ગુરુઓને પણ તેમણે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીની પેઠે રાજી કરી દીધા. તેમનું હેત જ એવું કે, જે જુએ તે તેમના પર રાજી થયા વિના રહે જ નહિ. નારાયણપુરના જાદવજીભાઈ સાથે તો તેમને ઘણો જ મનમેળાપ થઈ ગયો હતો, તેથી વારે વારે એ તેમને કહે જે, ‘તમે ભાઈશ્રીના પરમ કૃપાપાત્ર છો, તમારાં બહુ મોટાં ભાગ્ય જે, તમે સાવ ઢૂંકડા રહ્યા છો અને હું છેટે પડ્યો છું, તેથી મારો ભાગ રાખજો.’ વળી વૃષપુરનાં ઝાડ, પહાડ ને વૃક્ષવેલીનો મહિમા કહે કે, એનાં ભાગ્યનો વિચાર કરું છું તો એમ થાય છે જે, ‘એમનાં શું પુણ્ય હશે કે આ અનાદિ મુક્તરાજનાં એ દર્શન કરે છે! મારે એટલાંયે પુણ્ય નહિ હોય?’ વળી આ મુક્તરાજ નાહ્ય, સંતો નાહ્ય તે પાણી માથે ચડાવે. ધૂળમાં દંડવત્ કરવા માંડે; ગાય, બળદ, ભેંસ વગેરે પશુઓને પગે લાગે –એમ કરતાં ભાઈશ્રી આજ્ઞા કરે એટલે ઘેર જાય, વળી થોડા માસ રહી પાછા કચ્છમાં આવે. એમ ત્રણચાર વર્ષ જોગ-સમાગમ કર્યો.

એક વખત ઉપરદળમાં પોતે ઘણા માંદા થઈ ગયા, ત્યારે ભાઈશ્રીને ગદગદ કંઠે ઘણી પ્રાર્થના કરી એક પત્ર લખ્યો, તેમાં એવું લખ્યું જે, ‘તમે મારા જીવના વાલેસરી છો, કલ્યાણના દાતા છો, દિવ્યસ્વરૂપ ને સદાય નિર્ગુણ છો, હું તમને અખંડ તેજોમય દેખું છું. તમે અનેક જીવ ઉદ્ધારવા આવ્યા છો, મહારાજના સંકલ્પથી દેખાઓ છો. મને આટલે છેટે રાખીને મંદવાડ મૂક્યો તે તમને ઘટતું નથી. આવા ટાણે તમારો વિયોગ મારાથી કેમ ખમાશે? કાં તો વહેલા આવીને દર્શન દ્યો, કાં દિવ્યરૂપે પધારી પાસે રહો, એમ તમને જેમ ઠીક લાગે તેમ કરો. પણ હું તમારા વિયોગે નહિ રહી શકું. જો આ કાગળ વાંચી નહિ પધારો તો મંદવાડનો ખાટલો ઉપડાવી આપની પાસે આવીને દર્શન કરીશ. વધુ શું લખું!’ આમ પ્રાર્થના લખવાથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રીએ જાણ્યું જે, ‘તેમને હેત બહુ છે. જો ઉતાવળા થઈ જશે તો ખાટલો ઉપડાવીને અહીં આવે એવા છે.’ તેથી તુરત પત્ર લખ્યો જે, ‘તમે ધીરજ રાખજો ને મહારાજને સંભાર્યા કરજો. અમે તમારી પાસે આવીએ છીએ.’

પછી નારાયણપુરના જાદવજીભાઈ તથા મુક્તરાજ કેસરાભાઈના દીકરા ખીમજીભાઈ તથા બીજા પણ કેટલાક હરિભક્તો જેમને છપૈયે જવાનો સંકલ્પ હતો તેમની સાથે ઉપરદળ રામજીભાઈને રાજી કર્યા પછી છપૈયે જઈ આવશું, એવું નક્કી કરી ચાલવાનું કર્યું; તે વખતે નારાયણપુરથી પ્રેમજીભાઈ પણ સાથે ચાલ્યા.