૬૦૨ - પ્રાયશ્ચિત્તનો સંકલ્પ ટળ્યો
હવે લાલુભાઈએ પોતાને માટે પ્રાયશ્ચિત્ત પૂછવાનું ધારી રાખેલ, તેમને એમ થયું જે, ‘બાપાશ્રી હવે આજ કે કાલ કચ્છમાં પધારશે ને પૂછવાનો જોગ નહિ આવે.’ એમ જાણી બાપાશ્રી નાહીને આવ્યા ત્યાં સંત-હરિભક્તો બેઠા હતા ને શેઠ બળદેવભાઈ વગેરે ખરખરો કરતા હતા એ વખતે લાલુભાઈએ પૂછ્યું જે, ‘બાપા! મને પ્રાયશ્ચિત્ત આપો. હું થોડા દિવસ ઇસ્પિતાલમાં રહી આવ્યો છું, મેં ત્યાં કાંઈ દૂધ કે પાણી સિવાય ખાધુંપીધું નથી, તોપણ જેવાતેવા માણસોનો સ્પર્શ થયો હોય તે માટે આપ કહો તેમ કરું, પણ પ્રાયશ્ચિત્ત તો કરવું પડે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘બોલાવો બધાય સંતને!’ એમ કહી પોતે જ સંતોને કહેવા લાગ્યા જે, ‘સ્વામી! લાલુભાઈને તથા અમને પ્રાયશ્ચિત્ત આપો.’ એ વચન સાંભળી લાલુભાઈ કહે, ‘બાપા! આપને કાંઈ પ્રાયશ્ચિત્ત હોય? ‘ત્યારે પોતે એમ કહ્યું જે, ‘અમે પણ મહારાજ ભેળા તમારી પાસે એ ઇસ્પિતાલમાં આવ્યા હતા.’ એ વચનથી લાલુભાઈના આનંદનો પાર રહ્યો નહિ ને બોલ્યા જે, ‘આપે તો દયા કરી દર્શન આપ્યાં તેમાં આપને શું હોય!’ ત્યારે બાપાશ્રી કહે, ‘ત્યારે તમને મહારાજે દર્શન આપ્યા પછી તમને પણ ઇસ્પિતાલનું કાંઈ ન હોય, છતાં મનમાં સંકલ્પ રહેતો હોય તો આ દિવ્ય સભાને પાચ દંડવત્ કરો.’ ત્યારે તેમણે ઊઠીને દંડવત્ કર્યા એટલે બાપાશ્રી તેમને મળ્યા; પછી સંતો અને હરિભક્તોને મળવાનું કહેતાં તેમને પણ મળ્યા. આ રીતે કરાંચીથી આ વાત પૂછવાનો તેમનો સંકલ્પ હતો તે ત્યાં ટળ્યો. બાપાશ્રીએ પણ બીજે દિવસ કચ્છમાં જવા તૈયારી કરી, તે વખતે શેઠ બળદેવભાઈ તથા ડૉક્ટર નાગરદાસભાઈ આદિ ઘણા હરિભક્તો જામનગર સુધી વળાવવા ગયા હતા તે સહુ બાપાશ્રી અને સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા સેવક આશાભાઈ વગેરેને આગબોટમાં બેસારી પાછા વળ્યા.