૧૨૦ - દિવ્ય તેજોમય દર્શન!

0:000:00

બીજે દિવસે સવારે સ્વામીશ્રીને આસને કથાવાર્તા થઈ રહ્યા પછી સૌં હરિભક્તો સદ્‍ગુરુ જ્ઞાનાનંદ સ્વામીના મેડા ઉપર જ્યાં ઉતારો હતો ત્યાં ગયા, પણ ભાઈશ્રી તો સ્વામી પાસે બેસી રહ્યા. ‘હરે’ થયા એટલે સંતો જમવા ગયા; તે વખતે સ્વામીશ્રી બોલ્યા જે, ‘ભાઈ! જરા છેટા બેઠા છો, તે આપનાં દર્શન મને બરાબર થતાં નથી, માટે મારી પાસે આવીને બેસો તો બરાબર દર્શન થાય.’ પછી ભાઈશ્રી સ્વામી પાસે આવ્યા, ત્યારે સ્વામીશ્રીએ ચશ્મા પહેર્યા ને બોલ્યા જે, ‘હજી બરાબર દર્શન થતાં નથી, માટે આંગડી કાઢી નાખો.’ એ વખતે ભાઈશ્રી કહે, ‘સ્વામી! આજ આવું શું કરવા કરો છો?’ એમ કહી આંગડી કાઢી એક ધોતિયાભર ઉઘાડે શરીરે બેઠા, પછી સ્વામીશ્રી આ મુક્તરાજના શરીર સામું એકનજરે જોઈ રહ્યા, ત્યાં તો શરીરમાંથી શીતળ ને શાંત તેજનો સમૂહ નીકળ્યો તે ચારેકોર તેજ તેજ છાઈ રહ્યું, વચમાં આ અનાદિ મુક્તરાજ દેખાય. ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘અહોહો! ભાઈ! તમે આવા તેજોમય છો? આ તો એકલું તેજ જ ભર્યું છે.’ એ વખતે ભાઈશ્રીએ કહ્યું, ‘સ્વામી! હું તો તમને સદાય તેજોમય દેખું છું. તમારી દૃષ્ટિ દિવ્ય, તેથી એમ તમને દેખાય. શ્રીજીમહારાજ કહે છે કે, આ સભામાં જાણો સૌનાં તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાણે પ્રગટ્યા કોટિક ઇંદ છે.’ આમ દિવ્ય મૂર્તિ ને દિવ્ય સભા દેખાય, એટલે કાંઈ બાકી ન રહે.’ એમ કહી સ્વામીશ્રીને હેત જણાવી મળ્યા, પછી તેજ સંકેલી લીધું ને આંગડી પહેરીને બેઠા. એ વખતે મૂળીવાળા સ્વામી બાળકૃષ્ણદાસજી ઉપવાસી હતા તે સ્વામીશ્રી પાસે બેઠા હતા; તેમણે પ્રાર્થના કરી કહ્યું જે, ‘બાપજી! મને દયા કરી એવાં દર્શન કરાવોને?’ પણ સંતોને આવવાનું ટાણું થઈ ગયું હતું, તેથી તેમની પ્રાર્થના કામ ન આવી. થોડી વાર થઈ ત્યાં તો સંતો ઠાકોરજીને જમાડીને આવ્યા, તે વખતે સ્વામી બાળકૃષ્ણદાસજીએ સર્વેને આ વાત કહી, તેથી સૌ આશ્ચર્ય પામ્યા. પછી વચનામૃતની કથા કરી સૌ પોતપોતાને આસને ગયા.