૧૨૪ - ‘સ્વામીશ્રીએ કરેલ આજ્ઞા’

0:000:00

આવી ચમત્કારી વાતોથી ભાઈશ્રીને સૌ કોઈ જાણી ગયું કે, આ તો મહાસમર્થ મુક્ત છે. સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના મંડળમાં સંતોએ પણ મહિમા જાણી સેવા કરી બહુ લાભ લીધો. સ્વામી ઈશ્વરચરણદાસજી તો પોતાના આવા મહાસમર્થ ગુરુનો ને દિવ્યરૂપ આ અનાદિ મુક્તરાજનો સંકેત એક છે એમ જાણી ગયા હતા, કેમ કે ભાઈશ્રીએ સત્તાવીસ દિવસ અક્ષરધામમાં પ્રાર્થના કરી તોય પોતે તેમને બદલે તૈયાર થઈ ગયા ને તેમને રાખ્યા; વળી સ્વામીશ્રીએ તેમનાં તેજોમય દર્શન કર્યાં, ત્યારે તેમણે સ્વામીશ્રીનો મહિમા કહ્યો આ સર્વે વાતથી તે તો સમજી જ ગયા કે, ‘આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રી અલૌકિક દિવ્ય સ્વરૂપ છે,’ તેથી એમણે તો ધારી રાખ્યું જે, ‘આસો સુદ ૧ પછી આપણે જેમ આ ટાણે સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામીના મંડળના છીએ, તેમ આ સદ્‍ગુરુ સ્વામીશ્રીની આજ્ઞાથી તેમના અતર્ધાન પછી આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રીના મંડળના ગણાઈ, એમના રાજીપામાં રહેવાનું છે.’ એમ જાણી તે તો એ વખતે જ રાજી કરવા મંડ્યા હતા. એકાંતે જાય, ચંદન ચર્ચે, હાર પહેરાવે, મળે, પ્રાર્થના કરે. વચનામૃતમાંથી પ્રશ્નો પૂછે; ત્યારે ભાઈશ્રી પણ સ્વામીશ્રીના કૃપાપાત્ર શિષ્ય જાણી પ્રસન્ન થકા તેમની સેવા સ્વીકારે, રાજી થાય, માથે હાથ મૂકે, પ્રશ્ન પૂછ્યા હોય તેના ઉત્તર કરે; ઉપરાંત મહારાજ તથા મુક્તનો મહિમા કહે; ક્યારેક ભાઈશ્રી આસને ઘણી વાર ધ્યાનમાં બેસી રહ્યા હોય ને જાગે ત્યારે પરાણે શરીર દબાવે, ત્યારે પોતે કહે જે, ‘સ્વામી! તમે આપણા ગુરુની સેવામાં રહેનારા, તેથી અમારે તમારો મહિમા જાણવો ખપે! આમ કરો તો અમને મહારાજ લડે!’ આવાં વચન ઘણી વાર કહે, પણ તે તો ટાણે ટાણે મહિમા જાણી સેવા કર્યા જ કરે. એક વખત ભાઈશ્રીએ સદ્‍ગુરુ નિર્ગુણદાસજી સ્વામી પાસે આ રાવ કરી કે, ‘સ્વામી! તમારા સાધુ ઈશ્વરચરણદાસજી સ્વામી મારો મહિમા વખતોવખત જાણે છે તે વધુ પડતું થાય છે, બીજા કોઈ અજાણ્યા જુએ તો સારું ન લાગે, કેમ કે આશ્રમ ફેર! તેથી તેમને જરા કહેજો જે, એમ ન કરે.’ આ સાંભળી સ્વામીશ્રી કહે, ‘તમે મને ઠીક કહ્યું. બોલાવો એ સંતને મારી પાસે. મારે પણ તેને થોડુંક કહેવું છે. છાની રીતે તો હું એને ઘણુંય કહ્યું છું, પણ આજ તો તમારા સાંભળતાં કહું.’ એમ કહી પાર્ષદને મોકલી સ્વામી ઈશ્વરચરણદાસજીને બોલાવ્યા ને કહ્યું કે, ‘આ અનાદિ મુક્તરાજ ભાઈશ્રી કહે છે કે, ‘આ સંત મારો મહિમા વધુ પડતો જાણે છે, તે એમ ન કરે ને થોડો મહિમા જાણે એમ કહો.’ પણ આજથી હું તમને આજ્ઞા કરું છું કે, જ્યાં સુધી તમારો દેહ રહે, ત્યાં સુધી તમારે એમનો મહિમા અધિક અધિક જાણી રાજી કરવા, તેમાં કોઈ દિવસ તર્ક ન કરવો. આ પુરુષ બહુ મોટા છે, અલૌકિક દિવ્ય સ્વરુપ છે, મૂર્તિમાં અખંડ રહ્યા છે ને એ દ્વારે શ્રીજીમહારાજ સર્વે ક્રિયા કરે છે. માટે તમને હું આજ્ઞા કરું છું જે, ‘મારા ધામમાં ગયા પછી તમારે તેમને બહુ જ રાજી કરવા, કોઈ દિવસ તેમનું વચન ઉથાપવું નહિ.’ ભાઈશ્રી તો સ્વામીશ્રીના આવાં વચન સાંભળી જ રહ્યા ને બોલ્યા જે, ‘સ્વામી! આવી ભલામણ કરવા મેં આપને કહ્યું હતું?’ પછી તો ભાઈશ્રીને પણ કહ્યું જે, ‘તમારે ઘણા દિવસ થયા કોઈ ન જાણે તેવા નાના થઈ જવાનો અભ્યાસ પડી ગયો છે, તે હવે દયા કરીને ફેરવો. મોક્ષને માટે જે કોઈ સત્સંગમાં આવ્યા હોય તેને તો રાજી થઈને સેવા કરવા દેવી. હવે કચ્છમાં પણ તમારી પાસે જે કોઈ સાધુ કે હરિભક્ત મહિમા જાણીને આવે તેને મૂર્તિના સુખની વાતો કરીને સુખિયા કરજો. શ્રીજીમહારાજ પાસે પ્રાર્થના કરીને તમને અહીં રખાવ્યા છે, તેથી હવે બહુ ઢાંકશોમાં.’ એમ કહી સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે ચંદન-કુંકુમ ને ફુલહારથી ભાઈશ્રીની પૂજા કરાવી. પછી ભાઈશ્રીએ પણ એવી જ રીતે સ્વામીશ્રીની પૂજા કરી દંડ્વત કર્યા, તે વખતે આ મુક્તરાજે ઘણો રાજીપો બતાવ્યો. ત્યારથી સ્વામી ઈશ્વરચરણદાસજીએ ભાઈશ્રીને રાજી કરવા ને તેમના જોગ-સમાગમમાં રહેવા વધુનેવધુ આગ્રહ રાખ્યો.