૫૯૫ - કેશરાજભાઈની વરશી નિમિત્તે ભૂજમાં કથા

0:000:00

થોડા દિવસ થયા ત્યાં વળી ભારાસરના મુક્તરાજ કેશરાજભાઈની વરશી નિમિત્તે તેમના પુત્ર વિશરામભાઈ તથા ભત્રીજા રામજીભાઈએ ભૂજમાં જઈ સંતો પાસે વચનામૃતની કથા બેસારવાનું નક્કી કર્યું, અને એ કથામાં બાપાશ્રીને તેડાવવા તેમને હરિભક્ત સાથે વૃષપુર ગાડી મોકલી એટલે એ ગાડીમાં બેસી પોતે ભૂજ પધાર્યા. બાપાશ્રી આવ્યા તેથી સંત-હરિભક્તો તથા વિશરામભાઈ, રામજીભાઈ આદિ સહુ રાજી થાય. પછી પારાયણનો આરંભ થયો ત્યારે પણ બાપાશ્રી પુસ્તક, પુરાણીની પૂજા કરી સભામાં બેસે અને સમાપ્તિ થયા પછી સંતોની પંક્તિ થાય ત્યાં દર્શન કરતાં દંડવત્ કરી હેત જણાવે. બપોર પછી કથા બેસે ત્યારે પણ સૌની પહેલાં આવીને બેસે. પોતે સભામાં બેઠા હોય ત્યારે રામજીભાઈ કે વિશરામભાઈ ચંદન ચર્ચી હાર પહેરાવે, તે હાર ઘણી વાર કંઠમાં રહેવા દઈ પાછા તેમને જ એ હાર પહેરાવે. રાત્રે સભામાં મહારાજના મહિમાની વાતો કરે. આ પારાયણ પ્રસંગે કોઈ હરિભક્ત પ્રાર્થના કરી ગામમાં તેડી જતા તો ત્યાંય દર્શન દઈ રાજી કરી આવતા. એમ કરતાં પારાયણની સમાપ્તિ થઈ ત્યારે પુસ્તક, પુરાણીની પૂજા કરી વિશરામભાઈ તથા રામજીભાઈએ આરતી ઉતારી સંતોને વસ્ત્રો ઓઢાડ્યાં. એ વખતે બાપાશ્રીને પણ પાઘડી બંધાવી ને પ્રાર્થના કરી જે, ‘બાપા! તમે દયા કરી પધાર્યા તેથી સહુ રાજી રાજી થઈ રહ્યા છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘કેશરાજભાઈ તો અમારા જ હતા, તેમને અર્થે તો આવવું જ પડે ને!’ એમ કહી સભામાં પોતે કેશરાજભાઈના હેત ને મહિમાની વાતો કરી તેમના પર બહુ જ પ્રસન્નતા જણાવી. આવી રીતે બાપાશ્રી કેશરાજભાઈની વરશી નિમિત્તે ભૂજમાં સૌને રાજી કરી પાછા વૃષપુર પધાર્યા.

ત્યાર પછી થોડા દિવસે અન્નકૂટનો સમૈયો આવ્યો, તે દિવસ બાપાશ્રી પોતાના પુત્ર મનજી, તથા પૌત્ર માવજી, જાદવજી અને હરજીને સાથે લઈ ભૂજ દર્શને પધાર્યા, તેથી સંત-હરિભક્તો સૌ આનંદ પામ્યા, પણ તે વખતે પોતે વધુ ન રોકાતાં અન્નકૂટનાં દર્શન કર્યા પછી ઠાકોરજીને જમાડી તુરત વૃષપુર આવ્યા.