૫૬૪ - સુખશય્યામાં મૂર્તિપ્રતિષ્ઠા

0:000:00

ભૂજના હરિભક્તોને ઘેર બેઠાં સમૈયો થવાનો હતો તેથી એ તો વાટ જ જોઈ રહ્યા હતા ત્યાં આ દિવ્ય મુક્તો આવ્યા ને સભામાં શ્રીજીમહારાજની મૂર્તિ રાખી, તેથી સૌ દર્શન કરવા લાગ્યા. સંત-હરિભક્તો પણ પરસ્પર મળી મહારાજના મહિમાની વાતો કરતા આનંદ પામતા હતા. બીજે દિવસ સવારમાં નિત્યવિધિ કર્યા પછી સંત-હરિભક્તોએ એવો નિર્ણય કર્યો કે, ‘આ મૂર્તિની પ્રતિષ્ઠા થયા પહેલાં શહેરમાં સૌને દર્શન થાય તેમ કરીએ તો સારું’ એ વિચારે હરિભક્તો મહારાજની મૂર્તિને ગાડીમાં પધરાવી ઉત્સવ કરતા કરતા ગામમાં ફેરવવા લઈ ગયા. એ વખતે સભામાં સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, શ્રીજીમહારાજના અદ્દભુત પ્રતાપની વાતો કરવા લાગ્યા. સમય થયો ત્યારે સભા ઊઠી. તે પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ રમૂજ કરી કહ્યું જે, ‘શ્રીજીમહારાજ શહેરમાં દર્શન દેવા તથા અનંત જીવોનાં કલ્યાણ કરવા પધાર્યા છે તે સહુ સામા જાઓ.’ આ વચન સાંભળી હરિભક્તો સામા ગયા તે દસ વાગ્યાના સુમારે ગાજતેવાજતે સહુ મંદિરમાં આવ્યા. એ ટાણે મંદિરમાં ચોઘડિયાં વાગતાં હતાં ને હરિભક્તો ઉત્સવ કરતા હતા. એ જ વખતે બાપાશ્રી તથા સંતો મહારાજની ચંદન, પુષ્પ, કુંકુમ, ધૂપ, દીપ, આદિથી પૂજા કરવા લાગ્યા ને હરિભક્તોથી મંદિર ભરાઈ ગયું. સહુ હર્ષભર્યા ‘જય જય’ બોલતા હતા ત્યાં બાપાશ્રી તથા સંતોએ મળી એ દિવ્ય મૂર્તિની સુખશય્યામાં પ્રતિષ્ઠા કરી, આરતી ઉતારી ઠાકોરજીને થાળ જમાડયો. પછી થોડી વારે બાપાશ્રી તથા સંત-હરિભક્તો ઠાકોરજીને જમાડી સભામાં આવ્યા ત્યાં પણ બાપાશ્રીએ કેશરાજભાઈની પ્રશંસા કરી રાજી કર્યા.

બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો બાપાશ્રી તથા સદ્‍ગુરુઓને જોઈને હેતના ઊભરા આવે ને હરિભક્તોને કહે જે, ‘સૌ સારી પેઠે લહાવ લેજો. અક્ષરધામમાં જઈએ ત્યારે આવાં દિવ્ય સ્વરૂપ અનાદિ મુક્તનાં દર્શન થાય તે આપણને ઘેર બેઠાં દર્શન દે છે.’ પોતે પણ ઘડી ઘડી જળ પાવા આવે, હાર પહેરાવે, જમાડવા ટાણે પાસે બેસી રમૂજ કરતા પીરસે ને રાજી કરે. સૂવા વખતે આસન પાથરી આપે, માથે હાથ મુકાવે, ઉઘાડા શરીરે બાથમાં ચાંપીને હેત જણાવતા મળે ને હરિભક્તોને પણ એવી જ ભલામણ કરે. આમ ભૂજમાં બાપાશ્રી તથા સંતો સૌને રાજી કરતા બે દિવસ રહ્યા, પછી મૂળીના સંતોને ત્યાંથી જ દેશમાં જવાની રજા આપીને કહ્યું જે, ‘આ ફેરે તમે કથાવાર્તાએ કરી અમને બહુ રાજી કર્યા.’ એમ કહી સૌને મળી માથે હાથ મૂકી પ્રસન્નતા જણાવી. એવી જ રીતે સદ્‍ગુરુઓને પણ રામપુર, નારાયણપુર એ બે ગામમાં હરિભક્તોને દર્શન દઈ આવવા ભલામણ કરી પોતે વૃષપુર પધાર્યા.