૫૧૪ - કળશની પૂજાવિધિ તથા સંઘને આજ્ઞા
આ પાટોત્સવ પ્રસંગે પોતીબા નામનાં સાંખ્યયોગી બાઈએ મૂળી મંદિર ઉપર ચડાવવાના નવા કળશ તૈયાર કરાવેલા, તેનું પણ એક પડખે વિધિસહિત પૂજન થતું હતું, ત્યાં પણ બાપાશ્રીએ પધારી ઘણો રાજીપો જણાવ્યો હતો.
બીજે દિવસ સવારમાં બાપાશ્રી ઠાકોરજીનાં દર્શન કરીને વાડીમાં પ્રસાદીના સ્થાને તથા બહારના ભાગમાં જ્યાં મોટા મોટા સદ્ગુરુઓની પાછળ ઓટા તથા છત્રીઓ કરાવેલી છે ત્યાં દર્શન કરવા ગયા, ત્યારે સહુ નાનાંમોટાં બાઈ-ભાઈ વગેરેને દર્શન દેતા; જયાં કચ્છી સંઘનો પડાવ હતો ત્યાં પધાર્યા ને ધનજીભાઈ તથા મોટા મોટા હરિભક્તો સાથે વાત કરવા લાગ્યા કે, ‘મહારાજની દયાથી આ સમૈયાનું કામ પૂરું થઈ ગયું ને સૌને દર્શનનું સુખ સારું આવ્યું. હવે સંઘ મોટો છે. તેથી જેને અહીંથી પાછું વળવું હોય તે ભલે વળે. કોઈને અમદાવાદ કે વડતાલ વગેરે ધામોનાં દર્શન કરવા જવું હોય તો તે સુખે જાય. મારે હજી અમદાવાદમાં ખમવું જોશે; કેમ કે પૌત્ર જાદવજીની આંખે ફૂલાં પડ્યાં છે, તેની દવા કરવા ડૉકટર નાગરદાસભાઈ તથા શેઠ બળદેવભાઈ વગેરે આગ્રહ કરે છે, એટલે એમ જાણું છું કે, હમણાં રહી જાઉં, કચ્છમાં ગયા પછી ન અવાય. આ દેશના કેટલાક હરિભક્તોને પોતપોતાને ગામ લઈ જવાની તાણ રહે છે, પણ મહારાજની ઇચ્છાથી બને તે ખરું,’ એમ વાતો કરી મંદિરમાં પધાર્યા.