૫૭૩ - ધનજીભાઈના હેતનું ભારે સંભારણું

0:000:00

બારશને દિવસે ધનજીભાઈએ હેત જણાવી જરા તાણ કરી વધુ જમાડ્યું, તેથી પોતે સાંજે જમવા ઊઠ્યા નહિ ને આરતી-ધૂન્ય કર્યા પછી કથા-ચેષ્ટા વગેરે નિત્યનિયમ થઈ રહ્યા ત્યાં સુધી એમ ને એમ સભામાં બેસી રહ્યા. પછી ધનજીભાઈના દીકરાઓ વારે વારે કહેવા આવે જે, ‘બાપા! જમવા પધારો, ઘરમાં કોઈએ ઠાકોરજી જમાડ્યા નથી,’ તોપણ કાંઈ બોલે નહિ, તેથી સૌને એમ જે, આજ બાપાશ્રીને ઠીક નહિ હોય કે શું? એમ કરતાં પોતે ચોકમાં બેઠા હતા ત્યાં જ પછેડી માથે ઓઢીને સૂઈ ગયા. ધનજીભાઈ કહે, ’હવે બાપાશ્રીને જમાડવાનું શું કરવું?’ પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી ત્યાં હતા તેમને પૂછ્યું તો કહે, ‘એમને રાજી કરવાની વિદ્યા મારી પાસે છે તે જરા અજમાવી જુઓ તો ખબર પડે,’ –એમ કહીને બાપાશ્રી જ્યાં સૂતા હતા ત્યાં ગરબીમાં ફરીને મૂર્તિનાં કીર્તન બોલવાનું સૌને કહ્યું. એ સાંભળી ખીમજીભાઈ જે પ્રેમી કહેવાતા હતા તે પાધરા જ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન ‘અરજ કરે છે અબળા, તે ઉર ધારો રે વા’લાજી.’ –એ લાંબા ઢાળે ગાવા મંડ્યા તે જોઈ ઘણા હરિભક્તો સાથે ગાવા ઊઠ્યા. જ્યારે કીર્તન અરધું ગવાઈ રહ્યું, ત્યારે બાપાશ્રી ઓઢીને સૂતા હતા ત્યાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ જઈને કહેવા માંડ્યું જે, ‘બાપા! તમે હરિભક્તોને રાજી કરવાનું તો હમણાં સદાવ્રત ચલાવ્યું છે ને આ ધનજીભાઈનાં નાનાં છોકરાઓને આજ શું કરવા તપ કરવો છો?’ ત્યારે બાપાશ્રી કહે, ‘મને આજ સવારે બહુ તાણ કરી પીરસ્યું છે તે હવે એમ ન કરે એવું તમે નક્કી કરાવો તો હું જાઉં.’ પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ એ વાત ધનજીભાઈને કરી ત્યારે તે કહે, ‘અમને તો હેત આવે છે તે તાણ કરીએ છીએ, પણ હવે બાપા જેમ રાજી થાશે તેમ કરશું,’ એમ કહ્યું ત્યાં કીર્તન પણ બોલાઈ રહ્યું, એટલે સૌએ દંડવત્ કર્યા ને ધનજીભાઈ તથા તેમના દીકરાઓએ હાર પહેરાવ્યા. એમ તે દિવસ સંભારણું કર્યું. પછી હરિભક્તોએ સહિત હસતા હસતા તેમને ઘેર ગયા ને ઠાકોરજીને જમાડી સૌને રાજી કર્યા.