૧૬૯ – નારાયણપુરમાં મૂર્તિપ્રતિષ્ઠા

0:000:00

સંવત ૧૯૫૫ની સાલમાં સદ્‍ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામીના હસ્તક નારાયણપુરમાં મંદિર થતું હતું, તે પૂરું થયું ને કાર્તિક સુદિ ૧૧ના દિવસે મૂર્તિઓ પધરાવવાનું નક્કી કરેલ હોવાથી ધનજીભાઈ આ મુક્તરાજને દસમને દિવસે તેડવા ગયા ને કહ્યું કે, ‘બાપા! સ્વામીએ તમને તેડાવેલ છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ભલે, અમે સવારમાં આવશું. મને સ્વામીએ કહ્યું હતું કે, એક દિવસ વહેલા આવજો, પણ મારાથી અવાણું નથી; હવે સવારમાં વહેલો આવીશ એમ સ્વામીને કહેજો.’ પછી તે ગયા અને બીજે દિવસ સવારમાં નિત્યવિધિ કરીને વૃષપુરના ઘણા હરિભક્તો સાથે માર્ગમાં વાતો કરતા કરતા બાપાશ્રી નારાયણપુર પધાર્યા. મંદિરમાં હરિભક્તો ચંદન-પુષ્પાદિક પૂજાની સામગ્રી તૈયાર કરતા હતા ત્યાં આ મુક્તરાજ પહોંચ્યા ને ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીને દંડવત્ કર્યા. એ વખતે સંતોએ આ મુક્તરાજને મળી ચંદન ચર્ચી ચાંદલા કર્યા ને હાર પહેરાવ્યા. નાનામોટા હરિભક્તો પણ બાપાશ્રીને દંડવત્ કરી મળ્યા ને સંતોની સામે બાપાશ્રીનું આસન નાખ્યું, એટલે સભા ભરાવા માંડી. થોડીવાર થઈ ત્યાં તો જે હરિભક્તો ગામમાં હતા, તેને પણ ખબર પડી કે, બાપાશ્રી વૃષપુરથી આવી પહોંચ્યા, તેથી એકદમ સૌ ભેળા થઈ ગયા. પછી સંતો મહારાજની મૂર્તિઓને ચંદન ચર્ચી ફૂલના હાર પહેરાવી શ્લોક તથા અષ્ટક બોલતા પૂજન કરવા લાગ્યા ને હરિભક્તોએ ઉત્સવ કરવા માંડ્યો. થોડી વારમાં તો શ્રીજીમહારાજના કંઠમાં ગુલાબ તથા હજારી ફૂલના હારની ઠઠ્ઠ થઈ ગઈ. ભાલમાં ચંદન-કુંકુમનો ભરાવો ને ફૂલહારથી ગરકાવ, શ્રીજીમહારાજની મૂર્તિમાંથી જાણે તેજ છૂટતું હોય તેમ જણાતું હતું. આવા અલૌકિક દર્શન કરતા હરિભક્તો ઉત્સવની ઝીક મચાવે, સંતો શ્લોક બોલે, બીજા કેટલાક દર્શન કરે ને અનાદિ મુક્તરાજ બાપાશ્રી મૂર્તિ સન્મુખ જોતાં જાણે તૃપ્ત જ થતા ન હોય. આથી શોભા અદભુત બની રહી હતી. સમય થયો ત્યારે સ્વામીશ્રી આદિ સંતો તથા અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ મળી પ્રતિષ્ઠા કરી જય બોલાવી, થાળ જમાડ્યો. ઉત્સવીઆ તો ઉમંગમાં ને ઉમંગમાં ‘વા’લો વધાવું, મારો વા’લો વધાવું, આજની ઘડી રળિયામણી રે, મારો વા’લો વધાવું,’ -એ કીર્તન બોલતા હતા. પછી આરતી થઈ ત્યારે તો શરણાઈ, નગારાં ને ઝાંઝમૃદંગથી મંદિર ગાજી રહ્યું. એ રીતે પ્રતિષ્ઠાવિધિ થઈ રહ્યા પછી ગામના હરિભક્તોએ મળી સંતોની ચંદન-પુષ્પહારથી પૂજા કરી, ધોતિયાં ઓઢાડ્યાં. એ વખતે સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજીએ હરિભક્તોને શ્રીજીમહારાજની આજ્ઞામાં ખબડદાર રહેવા તથા અંતર્યામી જાણી સદાય દિવ્યભાવ રાખવાની થોડી વાર વાતો કરી. એ ટાણે મહારાજ પાસે ફૂલહારનો ભરાવો, આગળ અગરબત્તીના ધૂપ તથા ઘીના દીવાથી સર્વત્ર સુગંધ સુગંધ થઈ રહી હતી.

પછી સ્વામીશ્રીના આગ્રહથી બાપાશ્રીએ સભામાં વાત કરી જે, ‘આજ શ્રીજીમહારાજની પ્રતિષ્ઠા થઈ તેથી સૌને કેવો આનંદ છે! આ યજ્ઞ શ્રીજીમહારાજનો કહેવાય. આ ટાણે પોતે અક્ષરધામરૂપી તખ્તમાં બેઠા થકા સહુને પ્રત્યક્ષ દર્શન આપ્યાં. એમ જાણવું; માટે જેટલો દિવ્યભાવ તેટલું સુખ.’ આમ વાતો કરી એ વખતે જાદવજીભાઈ આદિ મોટા મોટા હરિભક્તો બાપાશ્રીને ચંદન ચર્ચી હાર પહેરાવવા લાગ્યા ને બાપાશ્રીએ પણ સૌના ભાલે ચંદન ચર્ચ્યું.

પછી વળી સદ્‍ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી વાત કરવા લાગ્યા જે, ‘સત્સંગમાં આવીને મહારાજ તથા આવા મોટા મુક્તને રાજી કરવાનો ઠરાવ રાખવો એટલું કરવાનું છે તે રાજી કેમ થાય? જો આવી સભા દિવ્ય જણાય ને મહારાજનાં નાનાંમોટાં વચન સામી સૂરત રાખે તોપણ વચનને ભૂલીને જેમતેમ વર્તે તો રાજી ન થાય. જે મૂર્તિ અક્ષરધામમાં અનંત મુક્તોને સુખ આપે છે તે જ મૂર્તિ આપણને મનુષ્યરૂપે કે પ્રતિમારૂપે દર્શન આપે છે. એવો ભાવ રહે તો કાંઈ બાકી ન રહે.’ એમ વાતો કરતા હતા ત્યાં હરિભક્તો બાપાશ્રી માટે ઘોડી તૈયાર કરી લાવ્યા, તેથી સંત-હરિભક્તોને મળીને પોતે વૃષપુર પધાર્યા.