૪૪૪ - શ્રીજીમહારાજના વચનમાં ખબડદાર રહેવું

0:000:00

એક દિવસ સદ્‍ગુરુ સ્વામી વૃંદાવનદાસજી, સ્વામી ઈશ્વરચરણદાસજી તથા સ્વામી નારાયણસેવકદાસજીએ મળી, અમદાવાદ તથા મૂળીમાં થોડો થોડો વિક્ષેપ ચાલતો હતો તે સંબંધી વાત બાપાશ્રી પાસે જણાવી કહ્યું જે, ‘હમણાં આચાર્યશ્રી અને સંત-હરિભક્તોમાં બરાબર સંતોષ નથી, તેનું કારણ આજ સુધી મંદિરોના વ્યવહાર સહુ હળીમળીને કરતા, પણ હવે કોઈ એકબીજાનું માનતા નથી. આચાર્યશ્રી મહંતાઈ બદલાવે, માણસો રાખે કે બીજો કાંઈ વ્યવહાર કરે, તેમાં કાંઈ ઠીક ન જણાતું હોય ને કોઈ તેમને કહેવા જાય તોય મનાય નહિ. સાધુઓને એમના દાબમાં રહેવું પડે એટલે એ શું કરે! પણ કેટલાક સંતો આવી વાતો અમારા પાસે આવી આવીને કહે છે કે, આમ થાય છે, તેમ થાય છે, તમે મોટા છો ને કેમ કાંઈ કહેતા નથી? જો આમ ને આમ ચાલશે તો આગળ જતાં કોઈ કોઈનો ભાર નહિ રહે. અમને હવે અવસ્થાને લીધે એમ થાય છે જે, મૂર્તિને ભૂલીને એ માર્ગે ન ચાલવું ને પોતાનું પૂરું કરી લેવું. વળી મોટા મોટા સદ્‍ગુરુઓના સિદ્ધાંત જોતાં એમ પણ થાય છે જે, મંદિરમાં કાંઈ બગાડ થતો હોય તો ન થવા દેવો; પોતાનું જાણી મમત્વ રાખવો. આમાં આપને પૂછવાનું એટલું જે, અમારે હવે શું કરવું?’ ત્યારે બાપાશ્રી કહે, ‘અમને પણ મૂળીથી સાધુઓના આ વિક્ષેપ સંબંધી બેત્રણ કાગળો આવ્યા હતા તેનો અમે એવો જવાબ લખાવ્યો જે, તમો સહુ મહારાજને આગળ રાખીને એમના વચનમાં ખબડદાર વરતજો ને ધીરજ રાખજો, મહારાજ સારું કરશે. ત્યાર પછી હમણાં અહીં ઝાલાવાડ દેશના હરિભક્તો આવ્યા હતા, તે પણ વાત કરતા હતા જે, આચાર્યશ્રી અને સંત-હરિભક્તોમાં એકબીજાનાં મન વિક્ષેપને લઈને નોખાં પડતાં જાય છે, તેથી વિક્ષેપ ઘટતો નથી પણ દિવસે દિવસે વધતો જાય છે, માટે આપ શ્રીજીમહારાજને કહો તો સુખશાંતિ થઈ જાય.’ ત્યારે અમે એમને કહ્યું જે, શ્રીજીમહારાજ બધુંય સારું કરશે, ધીરજ રાખજો. અમને અહીં બેઠાં મહારાજની કૃપાએ ખબર પડે છે કે, આ બધા વિક્ષેપ હું અને મારું એ બેમાંથી થયા છે. શ્રીજીમહારાજે હું ને મારું એ બેયને માયા કહી છે. તે માયા જ્યાં પેસે ત્યાં ભગવાન ભુલાવે. તમારે તો આગળની રીત પ્રમાણે ચાલવું ને મહારાજને સંભારવા, એ બધુંય ઠીક કરી દેશે. મહારાજ કોઈ કામ ઉતાવળથી કરતા નથી. ઘણા દિવસ સુધી જોયા કરે છે કે, આને મારા ઉપર કેટલું હેત છે ને મારા વચનનો કેટલો મહિમા છે. જો શિક્ષાપત્રી પ્રમાણે સહુ પોતપોતાના ધર્મ સાચવે તો કોઈને કાંઈ દુઃખ ન થાય. તેમાંય આચાર્ય મહારાજ તો ધર્મ પળાવવામાં કારણરૂપ ગણાય, કેમ કે શ્રીજીમહારાજે એમના ઉપર બધાયના ધર્મ પળાવવાનો ભાર મૂક્યો છે, પણ ઊલટો ત્યાંથી જ વિક્ષેપ થાય તો પછી શું કરવું! તમે સૌ હિંમત રાખજો, મહારાજ પોતાનો સત્સંગ ભેળાવા દેશે નહિ.