૫૮૭ - બ્રહ્મચારીનો છેલો મંદવાડ અને દિવ્યભાવ
આ વખતે ભૂજમાં બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને પણ મંદવાડ હતો, તે દિવસે દિવસે વધુ જણાવા લાગ્યો. ફૂલડોળ પછી તો પાંચ દિવસ ઠીક રહે ને પાંચ દિવસ શરીર ફરી જાય. એમ કરતાં રામનવમીના સમૈયા પર તો એમ ને એમ શરીરમાં તાવ રહેવા માંડ્યો અને પેડુમાં પણ ગાંઠ ઊપડી, તેણે કરીને પીડા બહુ જણાતાં તેમનું આસન માંદા સાધુની જગ્યામાં રાખ્યું. આવા ખબર બાપાશ્રીને વૃષપુરમાં પડતાં પોતે સમૈયા નિમિત્તે ભૂજ દર્શન કરવા આવ્યા, ત્યારે પાસે બેસીને કહ્યું જે, ‘બ્રહ્મચારી મહારાજ! તમને શરીરમાં કેમ છે?’ ત્યારે તે કહે, ‘બાપા! પીડા તો થયા કરે છે, પણ તેનું મને કાંઈ નથી. દેહનું દુ:ખ મટાડવા મેં આપને કોઈ દિવસ કહ્યું નથી ને કહેવું પણ નથી. આ દેહનું તો જેમ આપની મરજી હોય તેમ કરો, પણ મૂર્તિનું ખરું સુખ છે તે તો જરૂર આપજો અને આપના ભેળો સદાય રાખજો.’ તે વખતે બાપાશ્રીએ દૂધ મગાવી તેમને પોતેને હાથે પાયું ને બોલ્યા જે, ‘બ્રહ્મચારી મહારાજ! હવે મૂર્તિના સુખમાં જોડાઈ જાઓ,’ –એટલું કહેતાં જ તેમને શાંતિ થઈ ગઈ ને ઊંડા ઊતરી ગયા. પછી બાપાશ્રીએ સભામાં આવીને સંતોને કહ્યું જે, ‘હવે બ્રહ્મચારીનો દેહ રહેશે નહિ. તેમની પાછળ અમે એક રસોઈ આપશું,’ –એમ કહી ઠાકોરજીને જમાડી પોતે વૃષપુર પધાર્યા.
ત્યાર પછી બ્રહ્મચારી નિર્ગુણાનંદજી તો દેહની વિસ્મૃતિયુક્ત સૂતા હતા, પણ રાત્રે જાગ્રત થઈ પુરાણી કેશવપ્રિયદાસજીને કહેવા લાગ્યા જે, ‘પુરાણી! બાપાશ્રીએ જ્યારથી મને દૂધ પાયું છે, ત્યારથી મને દુ:ખમાત્ર નથી ને શાંતિ શાંતિ થઈ ગઈ છે તેમ જ મહારાજની મૂર્તિ સાથે બાપાશ્રીનાં દર્શન થાય છે, ચારેકોરે દિવ્ય મુક્ત બેઠા છે, અને સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી વૃંદાનદાસજી તથા ઈશ્વચરણદાસજી આદિ સદ્ગુરુઓ પણ દિવ્ય તેજોમય રૂપે દેખાય છે ને સુખ સુખ થઈ ગયું છે,’ –એમ કહીને પાછા ઊંડા ઊતરી ગયા. તે સવારે જાગ્રત થયા. ત્યારે સંતોએ તેમને નવરાવ્યા, પણ સ્મૃતિ બહુ નહિ, તોય મહિમાની વાતો કરવા લાગ્યા જે, ‘શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે અને બાપાશ્રી અનાદિ મહામુક્ત ને મહારાજ રૂપ છે. નિર્ગુણદાસજી સ્વામી મહા સમર્થ છે, એવા મોટાને ઓળખજો; નહિ ઓળખો તો ખોટ રહી જાશે. આ મારી વાત માનો!’ –એમ બોલે. વળી થોડી વાર સૂઈ જાય, પણ પાછા જાગ્રત થાય ત્યારે એવાં એવાં વચનો જ બોલે. એ રીતે બેચાર દિવસ સુધી બોલ્યા કરતા અને શરીરમાં ઠીક દેખાતું તેથી સંતો દૂઘ પાય તે પીતા. ત્યાર પછી વળી ગાંઠની પીડા સહેજ જણાતી હોય તેમ દેખાવા લાગ્યું, પણ પોતે તો મહારાજ તથા બાપાશ્રી અને મોટા મોટા સંતોનાં નામ લઈને મહિમાની વાતો કર્યા કરે, તેથી કેટલાક એવી મહાન સ્થિતિને ન જાણી શકતાં મૂંઝાવા લાગ્યા અને મહિમાવાળા તો વારે વારે આવી હેતે સહિત દર્શન કરતા તેમ જ પ્રાર્થના કરી રાજીપો લેતા હતા. બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને તો સળંગ દિવ્યભાવ થઈ ગયેલો, એટલે એ વારે વારે કેફભર્યાં વચનો બોલ્યા કરતા જે, ‘અહો, મહાપ્રભુ! ભલે આવ્યા! હે દીનબંઘુ! ગરીબનિવાજ, તમારી ઘણી દયા!’ એમ બોલતાં વળી હરિભક્તો આવે-જાય તેને મહિમાની વાતો કરે. એક દિવસ વળી એમ બોલવા લાગ્યા જે, ‘સ્વામિનારાયણ ભગવાન સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે, તેમના અનાદિ મુક્ત પણ એવા જ દિવ્ય છે. બાપાએ તો મને ન્યાલ કર્યા છે. હવે એ વૃષપુર ને હું અહીં એમ નથી. આત્યાંતિક પ્રલય કરીને મૂર્તિમાં જોડાઈ ગયો છું. મહારાજ ને મુક્ત વિના બીજું કાંઈ દેખાતું નથી. આ બઘી દયા મારા ઉપર બાપાશ્રીની થઈ છે, એ બહુ જબરા છે. જીવને માયામાંથી કાઢી ઠેઠ મૂર્તિમાં મૂકી દે છે. હવે કોઈ વાત છેટી નથી, નરનારાયણદેવ, રાધાકૃષ્ણદેવ અને હરિકૃષ્ણ મહારાજ એ કાંઈ જુદા જુદા દેખાતા નથી, સર્વે ઠેકાણે એક જ મહાપ્રભુ દેખાય છે. આજ સુધી એમણે લીલા દેખાડી તે બધી જોઈ; હવે તો એ લીલાના કરનારા દેખાય છે.’ એમ કહે ને ઘડી વાર થાય ત્યાં વળી ‘આ બાપા ઊભા! આ આવ્યા! ઓળખો! આ તો દિવ્ય સ્વરૂપ છે! ખોટનાં ખાતાં વાળવા આવ્યા છે, મૂર્તિમાં મેલી દે છે. બહુ દયાળુ છે,’ -એમ બોલ્યા કરે, તેથી કેટલાક એમ પણ બોલતા જે, ‘આ બ્રહ્મચારી હવે વધુ પડતો મહિમા કહે છે,’ પણ આમને તો એક જ વૃત્તિ થઈ ગયેલી, તેથી કાં તો સૂતા રહે ને કાં તો આવાં મહિમાનાં વચનો બોલે.
આ વાત સોની મોતીભાઈના દીકરા મગનલાલે વૃષપુર જઈ બાપાશ્રીને જણાવી કહ્યું જે, ‘બાપા! બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ તો હવે બહુ મહિમા કહેવા માંડ્યો છે, પણ જેને એમની અલૌકિક વાત નથી સમજાતી તે સંકલ્પ કર્યા કરે છે જે, ‘પ્રથમ બ્રહ્મચારી બહુ જ મર્યાદીપણે વાતો કરતા ને આ ટાણે આમ કેમ બોલતા હશે!’ આ વચન સાંભળી બાપાશ્રી કહે, ‘હવે એ નહિ બોલે,’ -એમ કહી મહારાજની પ્રસાદીનો હાર આપ્યો ને કહ્યું જે, ‘આ હાર જઈને પહેરાવજો ને મારા ‘જય સ્વામિનારાયણ’ કહેજો, એટલે તે સુખિયા થઈ જશે.’ પછી તો તેમણે આવીને બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને એ હાર પહેરાવ્યો ને બાપાશ્રીની વતી ‘જય સ્વામિનારાયણ’ કહ્યા કે તુરત તેમને ઉપશમ જેવું થઈ ગયું. એ ટાણે એટલું બોલ્યા જે, ‘જુઓ! આ દિવ્ય હાર પહેરાવનારા પહોંચ્યા!’ આ રીતે દિવ્યભાવ જણાવતા ચૈત્ર સુદ પૂનમની સાંજે ઘણા સંત-હરિભક્તો પાસે હતા ને મહા ચમત્કાર જણાવી દેહનો ત્યાગ કરી મહારાજને સુખે સુખિયા થઈ ગયા.
આ ખબર બાપાશ્રીને વૃષપુરમાં પડતાં પોતે સભામાં હરિભક્તો પાસે બ્રહ્મચારીના મહિમાની ઘણી વાતો કરી અને પોતે તો તે દિવસ જમ્યા પણ નહિ. પછી બે દિવસ થયા ત્યારે બાપાશ્રી ભૂજ પધાર્યા અને ઠાકોરજીનાં દર્શન કરીને સંત-હરિભક્તો પાસે સભામાં ખરખરો કર્યા જે, ‘કચ્છ દેશના સત્સંગમાં આ બ્રહ્મચારીની ઘણી ખોટ આવી. એ તો એ જ હતા. તેમનામાં મહારાજના દિવ્ય ગુણો આવેલા હોવાથી કથાવાર્તા, ધ્યાન, ભજન, તપ, ત્યાગ, સેવા આદિ સર્વે અંગ સર્વોપરી હતાં અને હરિભક્તોને મહારાજની મૂર્તિનું જ્ઞાન આપતા. એ તો મૂર્તિના સુખમાં જઈને બેઠા, પણ સહુને સાંભરશે.’ એમ કહીને પોતે વૃષપુર જવાની તૈયારી કરી. પછી સંતોએ જમવા માટે આગ્રહ કર્યો, ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘બ્રહ્મચારી ધામમાં ગયા છે તેથી અમે ગળ્યું જમતા નથી.’ પછી સંતોએ શાક ને પૂરી પીરસાવીને જમાડ્યા એ વખતે સેડલાના વિપ્ર કૃષ્ણારામ, જે બ્રહ્મચારી નિર્ગુણાનંદજી પાસે ઠાકોરજીની સેવા કરવા આગળથી રહેલા હતા તેણે દિલગીર થઈ પ્રાર્થના કરી કે, ‘બાપા! બ્રહ્મચારી ધામમાં ગયા, પણ અમારે બહુ જ લાભ ગયો. એમણે જે કથાવાર્તા અને સેવાનાં સુખ આપેલાં છે તે તો ક્યારેય ભુલાય તેવાં નથી.’ ત્યારે બાપાશ્રી કહે, ‘આવા મુક્તની તો વાત જ જુદી છે, પણ બહુ શોક ન કરવો, કેમ કે મહારાજ ભેળા એ સદાય છે. જવા-આવવાનું કહેવું તે તો આ લોકની રીત છે.’ એવાં મહિમાનાં વચનો કહી તેમને ધીરજ આપી પોતે વૃષપુર પધાર્યા.
આ વિપ્ર કૃષ્ણારામ ઉપર બ્રહ્મચારી નિર્ગુણાનંદજીનો રાજીપો ઘણો હોવાથી છ મહિના પહેલાં પોતે આશીર્વાદ આપી મહારાજની મૂર્તિઓ બનાવનાર ચિત્રકાર વાઘજીભાઈને ભલામણ કરી તેમને મૂર્તિઓનું કામ શિખડાવ્યું હતું. વળી એમની પાસે આ બ્રહ્મચારી ઠાકોરજી માટે પાનબીડાં વળાવતા ત્યારે કહેતા જે, ‘કૃષ્ણારામ! તમે પાનમાં કાથો, ચૂનો, સોપારી, વરિયાળી વગેરે બરાબર નાખજો; જરાય ફેર પડવા દેશો નહિ. આપણા હાથથી બનાવેલાં પાન ભગવાન જમે એ કાંઈ સાધારણ વાત ન કહેવાય! આ તો આપણા ઉપર મહારાજની બહુ દયા તેથી આવી સેવા મળે છે,’ -એમ કહી તેમને રાજી કરતા. આવા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીની આ કૃષ્ણારામે મંદવાડમાં છેલ્લી ઘડી સુધી બહુ જ સેવા કરી હતી.