૪૮૦ - ગંગાજીએ પડી જતાં આશીર્વાદ વચન
પછી ડૉક્ટર નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ આદિ હરિભક્તોને આઠ દિવસ સુધી પોતાની પાસે રાખી કથાવાર્તા ને સેવા-સમાગમનું સુખ આપતાં બાપાશ્રીએ એક દિવસ તેમને રામપુર જવાની આજ્ઞા કરીને કહ્યું જે, ‘ત્યાં ધનબા મોટાં મુક્ત છે. તેમનાં દર્શન કરી આવો ને ગામથી અર્ધો ગાઉ છેટે પ્રસાદીનાં ગંગાજી ને યમુનાજી છે તેમાં સહુ નાહી આવો. એ ઠેકાણે શ્રીજીમહારાજ બહુ રહ્યા છે ને પારાયણો કરાવી છે. હરિભક્તને હું ગાડાંનું કહી દઉં છું. તે ઠેઠ સુધી તમને જાળવીને લઈ જશે. અહીંથી પાછલી રાત્રે વહેલા નીકળીને સૌ ગંગાજીએ જઈને નહાજો ને ત્યાં પૂજાઓ કરી, પછી ગામમાં જજો.’ આમ આજ્ઞા થતાં સહુ રાત્રે પૂજા તથા લોટા, ધોતિયાં વગેરે જોઈતો સામાન બાંધી સૂતા હતા, ત્યાં ગાડાં આવ્યાં એટલે તેમાં સામાન મૂકી બાપાશ્રીનાં દર્શન કરવા સૌ આસને ગયા એ વખતે બાપાશ્રીએ જાગીને પૂછ્યું જે, ‘નાહવાનું ન કર્યું હોય તો અહીં નાહીને પૂજા કરી લ્યો; પછી જાઓ.’ રાત્રે એમ ને એમ જવાનું કહ્યું હતું ને અત્યારે આમ આજ્ઞા થઈ, તેથી હવે શું કરવું, -એમ સહુ વિચાર કરતા હતા ત્યાં વળી ગાડાંવાળાઓને વહેલું નીકળવાનું કહ્યું હતું. તેથી એ ઉતાવળ કરવા લાગ્યા. પછી બાપાશ્રી પાસે જઈને પૂછતાં ત્રણ વખત એનું એ કહ્યું ને બોલ્યા જે, ‘વાર કેમ કરો છો? નાહી લ્યો, પછી પૂજાનું મોડું થાય.’ આવાં વચનથી ગાડાંવાળાને સમજાવી બળદ છોડાવી નાખ્યા ને ઝટ ઝટ નાહી પૂજા કરી સહુ બાપાશ્રીને મળીને નીકળ્યા તે નવ વાગ્યા વખતે ગંગાજીએ પહોંચ્યા. જંગલમાં આવું મહાપ્રસાદીનું સ્થાન જોઈ હર્ષભર્યા સર્વે ગંગા-યમુનામાં નાહતા હતા. ત્યાં મણિલાલભાઈ ગંગાજીના કુંડમાંથી નાહીને બહાર નીકળતાં લપસ્યા તે પાછા માંહી પડી ગયા ને રાડ નીકળી ગઈ. આ બનાવથી સૌને દુઃખનો પાર રહ્યો નહિ, પણ જંગલમાં શું કરે? પછી તેમના મોટાભાઈ બીજે કુંડે નાહતા હતા, તેમણે ઉતાવળા દોડી આવી કુંડમાંથી ઉપાડીને બહાર કાઢ્યા ને પગ આમતેમ વાળી જોતાં કોઈ હાડકું ભાંગ્યું જણાતું નથી એમ તેમને લાગ્યું. પણ પીડા ઘણી થવાથી ત્યાં જ લાકડાં ને ઝરડાં બાળી ઝાઝી વાર લૂગડાના ગોટાથી શેક કર્યો; પછી બેય કોર ઝાલી ઊભા કરવા માંડ્યા, પણ જરાય હલાવીચલાવી શકાય નહિ તેવું દુઃખવા માંડ્યું. ઘણી વાર તો બધા મૂંઝાણા, પણ પછી જંગલમાં આમ ને આમ રહેવું તે ઠીક નહિ, એ વિચારે તેમના મોટાભાઈએ લૂગડાની ઝોળી કરી માંહી સુવારી, બેય કોરથી ઉપાડી લઈ હળવે હળવે નદીને સામે કાંઠે ગાડું હતું તેમાં ગોદડાંના ટેકા રાખી સુવાર્યા ને ગાડું ચલાવ્યું. ગાડું બહુ જ ધીરે ધીરે ચાલે તોય પીડા ખમાય નહિ. એ વખતે ગામમાંથી બે બાઈઓ નાહવા આવેલાં તેમણે આગળથી જઈને મુક્તરાજ ધનબાને આ વાત કરી કે, ‘એક પરદેશી હરિભક્તને આ રીતે પીડા થઈ પડી છે ને ગાડામાં સુવારી અહીં લાવે છે ને તમને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા છે.’ મુક્તરાજ ધનબાનું હૃદય હરિભક્તોનાં દુઃખ સહન કરી શકે નહિ તેવું, તેથી એ તો પાધરાં જ આકુળવ્યાકુળ થવા લાગ્યાં ને ઘડી ઘડી સેવક બાઈઓ પાસે મંદિરને બારણે બેસી ખબર કઢાવે જે, હજી કેમ ન આવ્યા? ઘણી વાર થઈ એટલે પોતે દેવરાજભાઈને બોલાવીને કહ્યું જે, ‘ભાઈ! તમે ગંગાજીએ જાઓ, આપણા કોઈ હરિભક્ત આજ નાહવા આવ્યા હતા તે પડી ગયા છે ને બહુ લાગ્યું છે.’ આ વાત સાંભળી એ ઉતાવળા ઉતાવળા આવતાં માર્ગમાં મળ્યા ને ‘જય સ્વામિનારાયણ’ કરી પૂછ્યું કે, ‘પૂજા કરી કે કેમ?’ ત્યારે હા પાડી ને કહ્યું જે, ‘અમો નીકળ્યા ત્યારે જ બાપાશ્રીએ ગાડાં ઊભાં રખાવી પૂજાઓ કરાવી હતી.’ પછી ગાડું ગામમાં આવતાં બાઈઓના મંદિર પાસે ઊભું રખાવ્યું ને પડખે ઓરડી હતી ત્યાં તેમને લૂગડાની ઝોળીમાં નાખી ઉતાર્યા ને આસન કરાવ્યું. હરિભક્તને દુઃખે દુઃખી થઈ જાય એવાં ધનબાને આ બનાવ જોઈ આંખોમાંથી આંસુ આવી ગયાં. તુરત જ બાઈઓ પાસે માટીનું પોડું મગાવી તેમાં મીઠું નાખી પાણીમાં ખદખદાવી મહારાજ પાસે નજરપ્રસાદી કરાવી લાવ્યાં ને ઊનું ઊનું ખમાય તેવું પોતાના હાથ ઉપર મૂકી દેખાડી કહ્યું કે, ‘આમ જ્યાં જ્યાં દુઃખતું હોય ત્યાં લગાડી દેજો, મહારાજ આજ ને આજ મટાડી દેશે; હિંમત હારી જાશો મા.’ આવા આશીર્વાદ વચનથી રાજી થઈ ડૉક્ટર નાગરદાસભાઈએ તેમને લાગેલા ભાગ પર બધેય એ માટીનો લેપ કરી પાટો બાંધ્યો ને મુક્તરાજ ધનબાએ આવો આશીર્વાદ આપ્યો છે એ વાત પણ કરી. થોડી વાર આડે પડખે સૂતા ત્યાં તો મણિલાલભાઈને સાજા માણસની પેઠે નિદ્રા આવી ગઈ; પછી મોડેથી જાગ્યા ત્યારે પોતાની મેળાએ બેઠા થઈ વગર ટેકે ચાલીને જોવા લાગ્યા કે, મારું દુઃખ ગયું ક્યાં? પછી તો તેમના મોટાભાઈ તથા મોતીભાઈ અને સાથે આવેલાં બાઈઓને વાત કરી, મુક્તરાજ ધનબાનાં દર્શન કરવા ચાલીને મંદિરમાં ગયા ને ‘જય સ્વામિનારાયણ’ કરી પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ધનબા કહે, ‘એ બધોય શ્રીજીમહારાજનો ને બાપાશ્રીનો પ્રતાપ છે. તમે આટલે છેટેથી દરિયા ઊતરીને અહીં તીર્થ કરવા આવ્યા ને ગંગાજીએ પગ ભાંગીને ઘેર જાઓ, એ શું મહારાજથી ને અમથી ખમાય!’ એમ કહી સૌને જમાડવાનું કર્યું. પછી મંદિરમાં તથા પ્રસાદી-સ્થાનમાં દરેક ઠેકાણે ચાલીને દર્શન કરવા જતાં, ગામમાં નાનામોટા સૌને આશ્ચર્ય થયું; પછી ફરી વાર મુક્તરાજ ધનબા પાસે જઈ તેમને રાજી કરી મણિલાલભાઈ આદિ સર્વે વૃષપુર આવ્યા ને મહારાજ તથા બાપાશ્રીનાં દર્શન કરી, બનેલી બધી વાત વિસ્તારીને કરી. ત્યારે બાપાશ્રીએ પણ ધનબાના હેતની ને મહિમાના અંગની વાત કરી, તેથી સહુ રાજી થયા. પછી થોડા દિવસ બાપાશ્રીએ એ સર્વને પોતાની પાસે રાખી ઘણું સુખ આપ્યું ને રજા આપતી વખતે સોની મોતીભાઈને કહ્યું કે, ‘તમારે હમણાં અહીં રહ્યું જોશે.’ ત્યારે તે કહે, ‘ભલે, બાપા! જેમ આપ આજ્ઞા કરો તેમ.’ આવાં વચનથી બાપાશ્રી તેમના પર ઘણા રાજી થયા.
હવે છત્રીએ જે ધર્મશાળાનું કામ ચાલતું હતું તે થોડા વખતમાં પૂરું થઈ રહ્યું ને સેનાએ સહિત હનુમાનજીની મૂર્તિ ને રંગ વગેરે કામ થોડું અધૂરું હતું તે ચાલ્યા કરતું હતું, પણ બાપાશ્રીએ તો ગામના મોટા મોટા હરિભક્તો તથા નારાયણપુરવાળા ધનજીભાઈ વગેરે સાથે યજ્ઞનું પરિયાણ કરવા માંડ્યું હોય તેમ ઘી, ગોળ, દાળ, ચોખા, બળતણ, પાગરણ વગેરે કઈ રીતે મગાવવાં! કોણ કોણ આ કામ ઉપાડી લેશે! એવી જ રીતે જે જે હરિભક્તો કામ કરે તેવા હોય તેને ભેળા ભેળવીને યજ્ઞ કરવાની પાકી તૈયારી કરવા માંડી. સદ્ગુરુ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી અને સ્વામી ઘનશ્યામજીવનદાસજી વગેરેને તો એમ જ લખાવેલું કે, ‘તમે માહ મહિના પછી અહીં આવવા તૈયાર રહેજો. આપણે છત્રીએ હનુમાનજી પધરાવવા વખતે યજ્ઞ કરવો છે તેનું મુહૂર્ત જોવરાવી તમને લખશું.’ આવી રીતે પોતે સર્વે તૈયારી કરી રાખી હતી અને હનુમાનજીની મૂર્તિને રંગ વગેરે કામ થોડું અધૂરું હતું તે પણ ઉતાવળથી કરાવતા હતા. પછી ફૂલડોળના સમૈયા પર ઝીણાભાઈ, ધનજીભાઈ આદિ હરિભક્તોને સાથે લઈ પોતે ભૂજ પધાર્યા અને ચારપાંચ દિવસ રહી સંત-હરિભક્તોને કથાવાર્તાથી ખૂબ રાજી કરતા, છત્રીએ ધર્મશાળા વગેરે કામ પૂરું થઈ ગયું છે, એમ સૌને જણાવ્યું.