૧૯૩ - ચમત્કાર-પ્રતાપ

0:000:00

એક દિવસ ભૂજથી સોની મોતીભાઈ તથા તેમના ઘેરથી દર્શન કરવા આવતાં હતાં, પણ તે વખતે મોતીભાઈનું શરીર બરાબર નહિ, તેથી માર્ગમાં સંકલ્પ કરતા આવે જે, ‘ત્યાં જઈને તરત જમવાનું થાશે તો ઠીક, નહિ તો મારાથી ભૂખ્યું નહિ રહેવાય.’ આમ વિચાર કરતાં જ્યાં એ મંદિરમાં પહોંચ્યા, ત્યાં તો બાપાશ્રી તેને ઘરને આંગણે ભેળા થયા, એટલે એ તો રાજી થઈ ગયા ને દંડવત્ કરી મળ્યા. તરત જ પોતે પૂછ્યું, ‘મોતીભાઈ! ભૂખ બહુ લાગી હશે. પણ પંક્તિને વાર લાગશે તેથી જરા ટીમણ કરી લ્યો; હું ઘેરથી લાવું.’ એમ કહી જરા વારમાં મગજની થાળી ભરીને લાવ્યા ને કહે, ‘થોડું થોડું જમીને પાણી પીજો.’ પછી પોતે ત્યાંથી સભામાં પધાર્યા.

આ રીતે જેને જેવા સંકલ્પ તેવા ભાવ પૂરા કરતા. કોઈ જાણે સામેથી આવ્યા ને કોઈ જાણે હમણાં અહીંથી ગયા. કોઈને વાડીએ ને કોઈને ઘેર દેખાય, કોઈને મળે ને કોઈને બોલાવે, કાં જમવાનું પૂછે. વળી વાડીમાં નાહતા જોઈને હરિભક્તો મંદિરમાં આવે, ત્યાં તો કપાળે ચંદનની આડ ને વચમાં કુંકુમ ને ચાંદલે સહિત શોભતા સભામાં બેઠા હોય, એ જોઈ સહુ વિસ્મય પામતા ને પરસ્પર વાતો કરતા. એવી રીતે આ યજ્ઞમાં અનેક ઠેકાણે દેખાવું એ ખાસ કરીને ચમત્કારરૂપે જણાવ્યું હતું.

આ વાત કોઈએ દહીંસરાવાળા મુક્તરાજ કેસરાભાઈ પાસે કરી, ત્યારે તે કહે, ‘અહો! એમાં શું! ભાઈ, એમ દેખાય તેમાં તમને શું વધારે લાગે છે? એ ધારે તો અક્ષરધામમાં મહારાજની મૂર્તિ ને અનંત મુક્તની સભા અહીં બેઠા દેખાડે એવા સમર્થ છે.’ અમે ભૂજમાં સૂરજબા પાસે જતા ત્યારથી એમની વાત મારા જાણવામાં છે.

એક દિવસ રામપુરવાળાં મુક્ત ધનબાએ કહ્યું, ‘ભાઈ! આ વખતે સંત-હરિભક્તોને બહુ ચમત્કાર જણાવો છો ને સુખ આપો છો!’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘આ બધો શ્રીજીમહારાજનો પ્રતાપ છે, આપણે તો સેવક છીએ, તેથી જ્યાં કોઈ સંભારે ત્યાં જઈને સેવા કરીએ. આ યજ્ઞમાં તમે આવ્યાં છો તે બાઈઓ બધાં કેવા સુખિયાં થયાં! સૌને આત્યાંતિક મોક્ષના આશીર્વાદ દેજો.’ ત્યારે ધનબા કહે, ‘ભાઈ! એ કામ તમારું છે. તમે યજ્ઞ કરી તેડાવ્યા છે, તેમ તમારો મહિમા બહુ મોટો છે, તેથી તમે સૌને મહારાજના સુખમાં લઈ જજો.’ ત્યારે પોતે બોલ્યા જે, ‘આપણે તો એ જ કરવા આવ્યા છીએ; બીજું શું કરીએ? આ બધું મહારાજને લઈને છે,’ -એ રીતે જ્યારે જ્યારે ધનબા મળતાં ત્યારે મર્મમાં દિવ્યભાવની વાતો કરી એમને પણ રાજી કરતા.

વળી બપોરના દરરોજ સંતોની સાથે જુદી જુદી વાડીએ નાહવા જતા, તે બે દિવસ કાકરવાડીએ તો બે દિવસ નવી વાડીએ કે લખાઈવાડીએ. એ ટાણે સંત-હરિભક્તોથી વાડીઓ ઊભરાતી જણાય. મંદિરમાંથી નાહવા પધારે, ત્યારે મોટા મોટા સંતો આગળ ચાલતા હોય ને તેમની સાથે આ અનાદિ મુક્તરાજ અને વાંસે હરિભક્તોની મોટી પંક્તિ શોભી રહી હોય એમ ઘણે છેટે સુધી એ દિવ્યસમૂહ જણાતો. એ વખતે ગામનાં નાનાંમોટાં બાઈ, ભાઈ છેટેથી આ દિવ્ય મુક્તમંડળનાં જતાં-વળતાં દર્શન કરતાં. મુક્તરાજ ધનબા વયોવૃદ્ધ હોવાથી એ ટાણે સેવકોએ સહિત માર્ગમાં છેટે જઈને બેસે ને સહુનાં દર્શન કરે, પણ બાઈભાઈની મર્યાદા એવી તો સાચવતા કે, સંતો જતા-આવતા હોય ત્યારે કોઈ રાતું લૂગડું પણ દેખી શકે નહિ.

વચમાં એકાદશીનો દિવસ આવ્યો ત્યારે સવારમાં કાળીતલાવડીએ જવાના નિયમને બદલે બપોરના સૌ ત્યાં દર્શન કરવા ગયા; ત્યારે સંત-હરિભક્તોના સમૂહની ગણતરી ન થઈ શકે એવી ભીડમાં ધોળાં વસ્ત્રો અને ચંદન, પુષ્પહારથી શોભતા; અનાદિ મુક્તરાજ ધીરે ધીરે ચાલતા ને વાતો કરતા સૌને આનંદ ઉપજાવતા હતા. થોડી વારે પાછા એ જ રીતે કીર્તન બોલતાં બોલતાં સૌ મંદિરમાં આવ્યા ને સભા થઈ.