૫૧૬ - ગામોગામ દર્શન આપવાની દયા
પછી ધીરે રહીને પોતે બોલ્યા જે, ‘સ્વામી! અમે તો હવે એકેય ઠરાવ અમારો રાખ્યો નથી. જેમ સંત-હરિભક્તો રાજી થાય તેમ કરીએ છીએ. પણ બીજાને એ શું જણાવવું! ગયા વર્ષમાં છત્રીએ હનુમાનજી પધરાવ્યા પહેલાં અમે નાત પટેલીઆઓને ભેગા કરીને કહ્યું હતું જે, અમારે યજ્ઞ-સમૈયા કરવામાં આ લોકની મોટાઈ વધારવી કે બીજો કોઈ ઠરાવ નથી, પણ જીવનાં કલ્યાણ કેમ થાય એટલો જ સંકલ્પ છે, માટે જેને કલ્યાણ જોઈતું હોય તે આવીને જમી જજો. ત્યારે સહુએ રાજી થઈને હા પાડી હતી. આમ અમારો ઠરાવ જીવોને મહારાજના સુખમાં લઈ જવાનો છે. કોઈ જુદું સમજતા હોય તો એ જાણે.’ પછી શેઠ બળદેવભાઈ તથા ચતુરભાઈ આદિ હરિભક્તો કહે, ‘બાપા! અમે પણ એમ જ જાણીએ છીએ કે, આપ અક્ષરધામમાંથી જીવોનાં કલ્યાણ કરવા આવ્યા છો ને કરો છો ને મહારાજના સંકલ્પથી મૂર્તિમાં રહ્યા થકા દેખાઓ છો, પણ આ ફેરે જેમ શ્રી રાધાકૃષ્ણદેવના સો વર્ષના પાટોત્સવમાં પધારી સહુને રાજી કર્યા તેમ ભેળા ભેળા જે જે હરિભક્તો પોતાને ગામ લઈ જવાની તાણ કરે ત્યાં જઈને સહુને દર્શન આપી સુખિયા કરો, એમ અમારી પ્રાર્થના છે.’ ત્યારે બાપાશ્રી કહે, ‘તમે બધાય એમ રાજી થતા હો તો એમ કરીએ.’
આ વાત સાંભળી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીએ શેઠ બળદેવભાઈ આદિ હરિભક્તોને કહ્યું કે, ‘પ્રથમ તો બાપાશ્રીએ અમદાવાદ આવવાનું નક્કી કર્યું છે; કેમ કે બાપાશ્રીના પૈાત્ર જાદવજીની આંખોમાં ફૂલાં છાઈ ગયાં છે તેની દવા થોડા દિવસ કરાવવી છે, તેથી ત્યાં ગયા પછી જેમ સહુ રાજી થશે તેમ કરીશું.’
આ રીતે વાત થતી હતી ત્યાં ઠાકોરજીના થાળ થયા એટલે બાપાશ્રી જમવા ઊઠ્યા ને ગાડીનો સમય થોડો હોવાથી વાહનવાળા ઉતાવળ કરતા હતા તેથી બાપાશ્રીએ થોડી વારમાં ઠાકોરજી જમાડી લીધા ને તૈયાર થઈ સંતોએ સહિત સ્ટેશને પધાર્યા. એ વખતે ઘણા સંત-હરિભક્તો સ્ટેશન સુધી વળાવવા આવ્યા હતા.
બાપાશ્રી સાથે સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, મુક્તવલ્લભદાસજી, મૂળીના પુરાણી ધર્મકિશોરદાસજી, શ્વેતવૈકુંઠદાસજી, દેવજીવનદાસજી વગેરે હતા તે સૌને પરબારું અમદાવાદ જવાનું હતું. પણ ડૉકટર મણિલાલભાઈ વઢવાણમાં રહેતા હોવાથી તેમણે તથા તેમના મોટા ભાઈએ મળી બાપાશ્રી તથા સંતોને પોતાને ઘેર તેડી જવા બહુ તાણ કરી સ્વામીશ્રીને કહ્યું જે, ‘મૂળીમાં બાપાશ્રી ઉતાવળથી જમ્યા છે, તે જરા આ સેવકને ત્યાં ઠાકોરજીને થાળ જમાડી સહુને દર્શન દઈ સુખેથી પધારજો.’ બેય ભાઈનાં આવાં હેતભરેલાં વચન સાંભળી બાપાશ્રી સંતોએ સહિત વઢવાણના સ્ટેશને ઊતર્યા, ત્યાં તો ઘણા હરિભક્તો સામા આવેલા તે બહુ રાજી થયા. સાથે મણિલાલભાઈએ આગળથી ખબર આપી સ્ટેશને મોટી ગાડી મગાવેલી હતી, તેમાં બાપાશ્રી તથા સંતોને બેસારી પોતાને ઘેર લાવ્યા. બન્ને ભાઈઓને હેત બહુ, તેથી અતિ ઉમંગમાં આવી જઈ બાપાશ્રીને પ્રથમ બારણામાં ઊભા રાખી શ્લોક બોલતાં બોલતાં કુંકુમના ચાંદલા કરી માંહી ચોખા ચોડયા. પછી ફૂલના હાર પહેરાવી છૂટાં ફૂલ માથે ઉછાળ્યાં ને દંડવત્ કરી મળ્યા; પછી આસને બેસારી સંતોની પણ પોતાના પુત્રોએ સહિત એવી જ રીતે પૂજા કરી દર્શન કર્યાં, ત્યાં તો હરિભક્તોથી ઘર ભરાઈ ગયું. પછી સૌ દર્શન કરતા ને રાજી થતા સંતમંડળ પાસે બેઠા ને બાપાશ્રી માટે આગળથી થાળ તૈયાર કરેલ હોવાથી બન્ને ભાઈઓએ પ્રાર્થના કરી, એટલે બાપાશ્રીએ ત્યાં નાહીને ઠાકોરજીને જમાડ્યા. ત્યાર પછી વળી ફરી વાર તેમના પુત્રોએ તથા દર્શન કરવા આવેલા હરિભક્તોએ બાપાશ્રી તથા સંતોની ચંદન-પુષ્પથી પૂજા કરી રાજી રહેવા પ્રાર્થના કરી. પછી મણિલાલભાઈના આગ્રહથી બાપાશ્રી તેમના ઘરના બધા ઓરડામાં ફર્યા ને ઘરમાં સૌને પરસ્પર હેત ને સંપ રાખવાની ભલામણ કરી. એ વખતે ત્યાં તાર માસ્તર કેશવલાલભાઈ તથા બીજા સોની હરિભક્તો દર્શન કરવા આવેલા, તે સૌ પ્રાર્થના કરી સંતોએ સહિત બાપાશ્રીને પોતાને ઘેર તેડી ગયા. આ રીતે વઢવાણમાં હેતવાળા હરિભક્તોને દર્શન દઈ બાપાશ્રી તથા સંતમંડળ રેલે બેસી અમદાવાદ પધાર્યા.
અમદાવાદમાં બાપાશ્રી પધારે છે એવા ખબર આગળથી હરિભક્તોને હતા, તેથી સ્ટેશનમાં આ દિવ્ય મુક્તો આવ્યા એટલે સૌ દર્શન કરવા ઊલટ્યા, તે વારાફરતી દર્શન કરતાં માર્ગ જ ન મળે.
શેઠ બળદેવભાઈ તથા તેમના જમાઈ નટવરલાલ આગળથી આવી ગયા હોવાથી તે પણ ફૂલના હાર લઈ સ્ટેશન પર મોટર લઈ ઊભેલા, તેમણે તથા બીજા હરિભક્તોએ ફૂલના હાર પહેરાવી બાપાશ્રી તથા સંતોને રાજી કર્યા. પછી ત્યાંથી બાપાશ્રી શેઠ બળદેવભાઈ સાથે તેમની અસારવા મિલમાં પધાર્યા ને સંતો સરસપુર મંદિરે ગયા.
ગુજરાતનો પ્રેમ એટલે તેમાં કહેવાનું શું હોય? ખબર પડી કે બાપાશ્રી મિલમાં ઊતર્યા છે, એટલે મિલમાં એક પછી એક માણસો આવ્યા જ કરે. બાપાશ્રી નાહતા હોય કે જમતા હોય તેનું કાંઈ નહિ, પણ એ તો આવતાંની સાથે ‘અબજીબાપા આવ્યા છે તે ક્યાં છે? સમાધિવાળા કચ્છમાંથી આવ્યા છે તે ક્યાં છે?’ એમ પૂછ્યા કરે, તે જ્યારે બાપાશ્રીને જુએ ત્યારે શાંતિ પામે. બાપાશ્રીએ પણ કલ્યાણનું સદાવ્રત ઉઘાડું મેલ્યું હોય તેમ એ તો જે આવે તેના પર કૃપાદૃષ્ટિ કરે, માથે હાથ મૂકે, કોઈ માંદા કે દુઃખી, દરિદ્રી આવે તો તેનેય આશીર્વાદ આપે. શેઠ બળદેવભાઈને તો જાણે બાપાશ્રી સદાય દિવ્યરૂપે દેખાતા હોય તેમ એ પણ અત્યંત મહિમા ને હેત જણાવતાં આ નિર્ગુણ અનાદિ મુક્તને જોઈ જોઈ આનંદ પામે. સવારમાં બાપાશ્રી વહેલા ઊઠે ત્યારે પાસે રહી નવરાવે. પૂજા કરતા હોય ત્યારે પણ પાસે બેસી દર્શન કરે. એ ટાણે તાણ કરી થોડું જમાડે. દિવ્યભાવવાળા હરિભક્તોને એમના તરફથી જાણે સહકુટુંબ નોતરું હોય તેમ જે કોઈ દર્શને આવે તેને તાણ કરી જમવા બેસારી દે કાં તો દૂધ પાય, કાં તો કોઈને ઉતાવળ હોય તો પ્રસાદી આપી રાજી કરે. વળી સવારમાં બાપાશ્રી નિત્યનિયમ, પૂજા વગેરેથી પરવારે એટલે મોટરમાં બેસારી મંદિરે દર્શન કરવા તેડી જાય, ત્યાં ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી સભામાં કે આસને સદ્ગુરુઓ બેઠા હોય ત્યાં થોડી વાર બેસે. એ ટાણે પ્રેમી હરિભક્તો આવી આવીને પગમાં પડે, ‘જય સ્વામિનારાયણ’ કહી હાથ જોડે, તે સૌની ઉપર કૃપાદૃષ્ટિ કરતા, સૌને રાજી કરી પાછા મોટરમાં બેસી મિલમાં પધારે. ત્યાં પણ કેટલાક હરિભક્તો વાટ જોઈ બેઠા હોય તેમને દર્શન દઈ રાજી કરે; પછી થાળ થાય એટલે ઠાકોરજીને જમાડે. તે પછી હરિભક્તો પોતાની પાસે કથા વાંચે ત્યારે પોતે વચમાં મહારાજના મહિમાની વાતો કરે. તે વખતે શેઠ બળદેવભાઈ પ્રાર્થના કરે કે, ‘બાપા! થોડી વાર વિસામો કરો.’ એમ આગ્રહ કરી આસન પાથરી દે તો થોડી વાર પોઢે. પાછા જાગે એટલે નહાય. કોઈ વાર બાપાશ્રીને સરસપુર પધારવું હોય કે બીજે જવું હોય તે વખતે મોટરમાં પોતે ભેળા જાય. આમ અમદાવાદ શહેરમાં આવી અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ હજારો હરિભક્ત તથા અન્ય મનુષ્યોને પોતાના દર્શનનો લાભ આપ્યો, તે સાથે પોતાના પૌત્ર જાદવજીને આંખમાં ફૂલું હતું તે માટે તથા નારાયણપુરવાળા ધનજીભાઈના દીકરા હરજીને પેટમાં દુઃખાવાનું દરદ હતું તેને અર્થે ડૉક્ટર નાગરદાસભાઈના કહેવા પ્રમાણે ઔષધ ચાલતું કર્યું. આ બન્નેને દવા કરાવવા નિમિત્તે પોતે અમદાવાદમાં રહ્યા થકા પણ ગામોગામના હરિભક્તોને રાજી કરવાના ઠરાવથી જેણે જેણે પ્રાર્થનાઓ કરી ત્યાં પોતે રાજી થઈને જવા લાગ્યા.
સૌથી પહેલાં ખાખરિયા દેશના મેડા ગામના હરિભક્તોએ પ્રાર્થના કરવાથી પ્રથમ ત્યાં જવા નીકળ્યા, તે છારોડી સ્ટેશને ઊતરી ગાડાં સામાં આવેલાં તેમાં બેસી મેડે ગયા. ત્યાં મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરી થોડી વાર બેઠા, ત્યાં તો હરિભક્તોથી મંદિર ભરાઈ ગયું ને સહુએ ચંદન-કુંકુમથી પૂજા કરી. પછી ઠાકોરજીને જમાડવાનું મોહનભાઈના ઘેર કરાવેલ હતું તેથી ત્યાં જઈ ઠાકોરજીને જમાડ્યા; પછી તેમણે મહારાજની મૂર્તિ પાસે ઘણા દીવાની વાટ્યો પ્રગટાવી બાપાશ્રીને હાથે આરતી ઊતરાવી.
ત્યાંથી મણિપુરના મંદિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા જવાનું હતું ત્યાં સંતો આગળથી ગયા હતા, પણ સમય થોડો રહેવાથી ગાડાં ઉતાવળાં ચલાવી ગામ નજીક પહોંચ્યા. ત્યાં હરિભક્તોને ખબર પડી કે, બાપાશ્રી ગાડામાં બેસી આવે છે, એટલે સહુ ઠાકોરજી આગળ ઉત્સવ કરતા હતા, તે એમ ને એમ ગાજતે-વાજતે કીર્તન બોલતા ગામના ઝાંપા સુધી સામા આવી હર્ષભર્યા બાપાશ્રીને મંદિરમાં તેડી લાવ્યા. પછી સંત-હરિભક્તોને મળીને બાપાશ્રી તથા સંતોએ મહારાજની ચંદન, પુષ્પ ને કુંકુમથી પૂજા કરી આરતી ઉતારી થાળ જમાડ્યો, તે વખતે મંદિરમાં ને બહાર હરિભક્તો ઊભરાતા હતા ને સહુ એકનજરે મહારાજ તથા બાપાશ્રીને જોઈને આનંદ પામતા હતા. પછી ઘણી વાર બાપાશ્રી ત્યાં ધ્યાને યુક્ત બેઠા ને નાનામોટા હરિભક્તોને પોતાને હાથે પ્રસાદી વહેંચી રાજી કર્યા. મોડેથી બાપાશ્રી માટે થાળ તૈયાર કરાવેલ હોવાથી ઝવેરભાઈ તથા પુરુષોત્તમભાઈ આદિ હરિભક્તોએ પ્રાર્થના કરીને બાપાશ્રીને જમાડ્યા. પછી ગામના હરિભક્તોની તાણે ઘેર ઘેર પધારી સૌને રાજી કરતા બીજે દિવસ જોશીપુરા પધાર્યા. ત્યાં હરિભક્તોને દર્શન દઈ ખંડેરપરે થઈ દેવપરે આવ્યા. ત્યાં આગળથી થાળ તૈયાર કરવી રાખેલ હોવાથી ઠાકોરજીને જમાડી રાત રહ્યા ને ત્યાંથી કલ્યાણપરે આવ્યા. ત્યાં હરિભક્તોએ રોકવા બહુ તાણ કરી, પણ ન રોકાતાં મંદિરમાં દર્શન કરી ધર્મપુર આવ્યા, તે દિવસ એકાદશી હોવાથી લાલજીભાઈના ઘેર સાંખ્યયોગી બાઈઓ પાસે હરિભક્તોએ ફળાહાર તૈયાર કરાવેલ હોવાથી ત્યાં ઠાકોરજીને જમાડ્યા. ત્યાંથી ઘોઘામઢને પંઢરપુરમાં ઠાકોરજીનાં દર્શન કરી ગામ વિસોતપરે આવ્યા. ત્યાં મંદિરનું ખાતમુહૂર્ત કરવાનું હતું તે બાપાશ્રીના હાથે કરાવ્યું ને હરિભક્તોના આગ્રહથી રાત રોકાણા. ત્યાં સવારમાં વહેલા નાહી બાપાશ્રીએ પૂજા કરી ત્યાં પણ હરિભક્તોએ ખીચડી, શાક તૈયાર કરાવેલ હોવાથી બહુ તાણ કરીને જમાડ્યા. એ રીતે તેમને રાજી કરી બાપાશ્રી ત્યાંથી ગાડામાં બેસી ગામ કડી પધાર્યા. ત્યાં હરિભક્તોની પ્રાર્થનાથી પોતે શ્રી ઘનશ્યામ મહારાજની આરતી ઉતારીને પ્રસન્ન થકા આશીર્વાદ આપ્યો જે, ‘આ ઠેકાણે આવી જે કોઈ આ દિવ્ય મૂર્તિનાં દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે.’ -એમ કહી સૌને પોતાને હાથે પતાસાંની પ્રસાદી વહેંચી. ત્યાં પણ ઠાકોરજીને જમાડી હરિભક્તોના આગ્રહથી ઘેર ઘેર જઈને દર્શન આપ્યાં. ત્યાંથી કુંડાળના હરિભક્તો પ્રાર્થના કરી તેડી ગયા, ત્યાં પણ સૌને દર્શનદાને રાજી કરતા મંદિરમાં દર્શન કરી પાછા કડી આવી રાત રહ્યા. ત્યાં ઉનાવાના હરિભક્તો પોતાના ગામ લઈ જવા પ્રાર્થના કરવા લાગ્યા, તેથી તેમની સાથે બાપાશ્રી ગામ ઉનાવે પધાર્યા. ત્યાં મંદિરમાં દર્શન કરી થોડી વાર કથાવાર્તા કરી. પછી હરિભક્તોને એમ વિચાર થયો જે, ‘આવા મહામુક્તરાજ દયા કરીને અહીં પધાર્યા છે તો તેમના દર્શનનો લાભ ગામના સર્વે મનુષ્યને થાય તો બહુ મોટું કામ થઈ જાય.’ -એમ જાણી રામદાસભાઈના માઢ પાસે મોટા પરથાર પર પાટ ઢળાવી તે પર આસન પાથરી બાપાશ્રીને પ્રાર્થના કરી બેસવાનું કહ્યું, ત્યારે પ્રથમ તો કહ્યું જે, ‘પાટ ઉપર શું કામ બેસવું પડે? અહીં જ ઠીક છે.’ પણ પછી તો હરિભક્તોનો ઘણો આગ્રહ જોઈ બેઠા. તે વખતે હરિભક્તોએ ગામમાં સહુને જાણ કરી કે, ‘જેને બાપાશ્રીનાં દર્શન કરવાં હોય તે કરી જજો.’ આથી ચારે વર્ણનાં બાઈ-ભાઈ છેટેથી દર્શન કરવા લાગ્યાં. એ સૌના પર કૃપાદૃષ્ટિ કરતા બાપાશ્રીએ હરિભક્તોને કહ્યું કે, ‘મહારાજનો પ્રતાપ બહુ જબરો છે. આવા જોગમાં જે કોઈ આવી જાય તેનું કલ્યાણ થઈ જાય છે. એ વાતની દેહ મૂકવા સમે ખબર પડે અને જો સત્સંગ કરી મહારાજને તથા મોટાને આશરે થાય તો દેહ છતાં ખબર પડે.’ એમ વાત કરી સહુને પોતાને હાથે પાણી છાંટ્યું. ત્યાંથી પાછા મંદિરમાં આવતાં એક મુમુક્ષુએ અતિ દીન થઈ પ્રાર્થના કરવાથી તેને મંદિરના દરવાજામાં ઊભા રહી પાણી મગાવી વર્તમાન ધરાવ્યા. એ ટાણે કેટલાક વણકર-હરીજનભાઈઓ છેટેથી હાથ જોડી પગે લાગી રાજી રહેવાનું કહેતા હતા. તેના ઉપર પણ પોતે પાણી છાંટી મોક્ષ થવાનું વચન આપ્યું. પછી ત્યાંથી દોલારાણાના વાસણે પધાર્યા. ત્યાં મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિનાં દર્શન કરી આરતી ઉતારી હરિભક્તોને ઘેર પગલાં કરી ત્યાં ઠાકોરજીને જમાડી રાત રહ્યા. ત્યાંથી કલોલ થઈ આદરજ તથા ધમાસણાના હરિભક્તોને દર્શન દઈ પાછા અમદાવાદમાં શેઠ બળદેવભાઈની મિલમાં પધાર્યા. ત્યાં પૌત્ર જાદવજીની આંખની દવા ચાલતી હતી, પણ ડૉક્ટર કહે, ‘તેમને હજી એકાદ મહિનો રહેવું પડશે.’ આ વખતે કરાંચીથી હરિભક્તોના તાર તથા કાગળો આવેલા, તેમાં બાપાશ્રી તથા સંતોને તેડાવવાની બહુ જ પ્રાર્થના હતી, તેથી બાપાશ્રીએ વિચાર્યું જે, ‘આ છોકરાની દવા અહીં થાય છે તે ભલે થાય અને વચમાં કરાંચીના હરિભક્તોને રાજી કરી આવીએ. કેમ કે એ હરિભક્તો ઘણા વખત થયા પ્રાર્થના કરે છે. પછી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, ‘તમે ભેળા ચાલો તો આપણે કરાંચી જઈ આવીએ, ત્યાં સુધી અહીં જાદવજીની દવા પણ થાય.’ ત્યારે સ્વામીશ્રીએ રાજીપો જણાવી હા પાડી ને કહ્યું જે, ‘બેત્રણ દિવસ પછી જઈએ તો ઠીક.’ ત્યારે બાપાશ્રી કહે, ‘ત્યાં સુધી હું જેતલપુર ઠાકોરજીનાં દર્શન કરી આવું,’ એમ કહી પોતે એક દિવસ જેતલપુરને અસલાલીમાં દર્શન કરી આવ્યા ને ગામના હરિભક્તો કેટલાક તાણ કરતા હતા, તેથી રાયપુર, સરસપુર વગેરે ઠેકાણે સહુને દર્શન દઈ રાજી કરતા ને સવાર-સાંજ મંદિરમાં દર્શન કરવા જતા, ત્યાં સભામાં બેસતા, ક્યારેક પોતે વાતો કરતા. એમ ગુજરાતી હરિભક્તોના પ્રેમને લીધે જે જે ઠેકાણે હરિભક્તો તેડવા આવ્યા ત્યાં ત્યાં દર્શન દઈ સૌને રાજી કર્યા. પછી ત્યાંથી સદ્ગુરુ સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી ઘનશ્યામજીવનદાસજી, પુરાણી ધર્મકિશોરદાસજી, દેવજીવનદાસજી, મુક્તવલ્લભદાસજી, દલસુખભાઈ, મોહનભાઈ તથા પોતાના અનન્ય સેવક આશાભાઈ વગેરે મુક્તમંડળ સાથે બાપાશ્રી કરાંચી જવા નીકળ્યા.