૧૦૪ - સ્વામીશ્રીની મુક્તરાજને ભલામણ
આ રીતે વાતો કરતાં ને દર્શન-સમાગમનો લાભ આપતાં ભાઈશ્રી એક મહિના સુધી મૂળી રહ્યા. પછી સ્વામીશ્રી પાસે પોતે કચ્છમાં જવાની ઇચ્છા બતાવી. સ્વામીશ્રીને પણ તેમના વ્યવહારની ચિંતા હોવાથી રાજી થઈને કહ્યું જે, ‘બે દિવસ રહીને સુખેથી પધારજો. તમે અમારા કાગળથી ચાલી નીકળ્યા ને અહીં આવ્યા, પણ તમારે છોકરાં નાનાં, તેમ વાડીનું કામકાજ રખડે તેનો પણ વિચાર ન કર્યો, તેથી અમે થોડે રહ્યે ઘણું માનશું.’ એમ કહી સાથે આવેલા કુંવરજીભાઈ તથા જાદવજીભાઈ એ બેયને તેમના કરજ માટે ભલામણ કરી, ત્યારે તેમણે પણ સ્વામીશ્રીને દંડવત્ કરી કહ્યું કે, ‘બાપજી! તમે કોઈ વાતની ચિંતા ન કરો. મહારાજ એમના વ્યવહારનું બધુંય ઠીક કરી દેશે.’ એમ કહી એ બન્નેએ સ્વામીશ્રી પાસે ભાઈશ્રીના આશીર્વાદ લીધાં ને રાજી રહેવા કહ્યું. તે વખતે સ્વામીએ ભાઈશ્રીને કહ્યું કે, ‘તમને મારે એટલું કહેવાનું છે કે હવેથી જે કોઈ તમારા પાસે આવે, હાથ જોડે, કરગરે, તેના પર તમે રાજી થઈને તેને મહારાજના સુખમાં પહોંચાડજો. તમને જે કામ સારુ શ્રીજીમહારાજે મૂક્યા છે, તે કામ હવે કરવા માંડો. ઘણા દિવસ ઢાંક્યું.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘મહારાજ જેમ કરતા હશે તેમ ઠીક જ કરતા હશે. આપણે તો એ મૂર્તિ વિના બીજો સંકલ્પ શું કામ કરવો પડે! તમારા જેવા મોટા સંતની વાત તો જુદી. તમે કચ્છમાં આવવા માંડ્યું છે, ત્યારથી ત્યાંના સંત-હરિભક્તો સર્વે સુખિયા થઈ ગયા છે. શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની વાતો આપના મુખેથી સાંભળતાં હરિભક્તો ઘણાં બળિયા થયા છે. પ્રથમ તો કેટલાકને સમજણની ઘણી ખામી હતી, કેટલાકને અવતાર-અવતારીની વાતની ખબરેય નહોતી, તેથી બધુંય ભેળું ને ભેળું કૂટતા. કેટલાક તો જ્યાંત્યાં માનતાઓ કરતા, ઘરમાં પણ જે તે દેવલાંને બેસારતા. આ બધી વાત તમે કચ્છમાં આવતાં બહુ ચોખ્ખી થઈ. સ્વામી અક્ષરજીવનદાસજી પણ એવા જ સમર્થ છે. અત્યારે તમારી દયાથી કચ્છમાં બધુંય સારું છે અને ગામોગામ કથાવાર્તાની રુચિ પણ સારી થઈ છે; સ્વામી અક્ષરજીવનદાસજીને આજ્ઞા પળાવવાની વાતનો ખટકો ઘણો, તેમ પોતે ધર્મવાળા ને સાધુતામાં પૂરા, તેથી સૌ તેમનાથી દબાય, એટલે આજ્ઞા-ઉપાસનાની ચોખવટ સારી રહે છે. હવે તમો કચ્છના સંત-હરિભક્તો પર દયા કરી વહેલા પધારજો ને ત્યાં રહેવાનું ઘણું કરજો. તમારા આવ્યાથી સત્સંગમાં ઘણો સમાસ થાય છે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘ભાઈ! હું ઝાઝું તો તમારા જેવા તથા મુક્તરાજ લક્ષ્મીરામભાઈ જેવા મોટા મુક્તની તાણે ત્યાં આવું છું.’ આવી વાતો કરી સ્વામીએ ભાઈશ્રીને ઘણા રાજી કર્યા.
સ્વામીશ્રી આ મુક્તરાજના વ્યવહારની પણ ચિંતા રાખતા હોવાથી એ જ રાત્રે પોતાની પાસે બેસારી પોતે ભાઈશ્રીને કહેવા લાગ્યા જે, ‘હવે તમારા પર કરજ છે તે મહારાજ ઉતારી દેશે. તમે અહીંથી ત્યાં જાઓ, પછી ખટકો રખાવી ઘઉં, બાજરી, જાર તથા જે કઈ વાડીમાં ને ખેતરમાં વવાતું હોય તે વવરાવજો. હવેથી મહારાજ સારું કરશે.’ ત્યારે ભાઈશ્રી કહે, ‘સ્વામી! જેમ આપ આજ્ઞા કરો છો, તેમ હું ખટકો રાખીશ. મને મુક્તરાજ લક્ષ્મીરામભાઈ પણ તમારી પેઠે જ કહી ગયા છે.’ ત્યારે સ્વામીશ્રી કહે, ‘મને પણ તેમણે વાત કરી હતી, તેથી અમો બન્ને મળી એવો સંકલ્પ કર્યો છે જે, મહારાજ હવે તમારા પર કરજ નહિ રહેવા દે.’ આ રીતે પ્રસન્નતા જણાવી કહ્યું.
બીજે દિવસ બપોરના ત્રણ વાગ્યે જ્યાં સ્વામીશ્રી દરરોજ નાહતા હતા ત્યાં ભાઈશ્રી તથા સ્વામી બન્ને શ્રીજીમહારાજના મહિમાની વાતો કરતા હતા અને પુરાણી શ્રીકૃષ્ણદાસજી તથા માળિયાના ઠાકોર મોડજી દરબાર, -એ બેય સાંભળતા હતા. ઘણી વાર વાતો કર્યા પછી સ્વામીશ્રીએ પૂછ્યું કે, ‘ભાઈ! અહીં બેઠા થકા જીવને મહારાજની મૂર્તિના સુખમાં મૂકી દે એવા કોઈ અત્યારે હશે?’ ત્યારે ભાઈશ્રી સ્વામી સામું જોઈને જરા હસ્યા. પછી મર્મમાં ઉત્તર આપ્યો જે, ‘ત્યાગીમાં તો આ મારી પાસે બેઠા તે છે.’ સ્વામીશ્રીને આટલા ઉત્તરમાં સંતોષ ન થયો. તેથી ફરી વાર પૂછ્યું, ‘ભાઈ! ગૃહસ્થમાં કોઈ હશે?’ ત્યારે ભાઈશ્રીએ જાણ્યું જે, સ્વામીને ચોખ્ખું કહેરાવવું છે, તે કહેવરાવે છૂટકો કરશે. એમ જાણી પોતે જ બોલ્યા જે, ‘ગૃહસ્થમાં તમારી પાસે બેઠા છે તે.’ આ ઉત્તરથી સ્વામીશ્રી રાજી થયા ને કહ્યું જે, ‘એ કામ હવે ખૂબ કર્યા કરજો.’ પછી ત્યાંથી ઠાકોરજીનાં દર્શન કરવા ગયા. સાંજે તથા રાત્રે સભામાં કથાવાર્તા વખતે સૌને દર્શનનો લાભ આપી મોડેથી આસને આવ્યા, ત્યાં પણ બાર વાગ્યા સુધી મૂર્તિના સુખની વાતો કરી સંત-હરિભક્તોને રાજી કર્યા.
બીજે દિવસ સવારે નિત્યવિધિ કરી ઠાકોરજીને જમાડી ચાલવાનું કર્યું, ત્યારે ભાઈશ્રી તથા સાથે આવેલા હરિભક્તોએ સંતોને ચંદન ચર્ચી હાર પહેરાવી દંડવત્ કર્યા. પછી સંતો પણ એવી જ રીતે ભાઈશ્રી તથા હરિભક્તોની પૂજા કરી પરસ્પર મળ્યા. આશીર્વાદ લીધા. સ્વામીશ્રીનું તો મળવું જ જુદું-જાણે હેતની મૂર્તિ હોયને શું! તેમ અત્યંત પ્રસન્નતા જણાવતાં ‘મૂર્તિમાં ભેળા રાખજો, ભેળા રહેજો. મહારાજ વિના બીજો સંકલ્પ ન થાય,’ એવી એવી માગણી કરતા પરસ્પર હેત જણાવી કચ્છી હરિભક્તો સાથે ભાઈશ્રી ભૂજ પધાર્યા. ત્યાં એક દિવસ રહી સદ્ગુરુ સ્વામી અક્ષરજીવનદાસજી આદિ સંતમંડળને મૂળીમાં બનેલ સર્વે હકીકત કહી રાજી કરી ભાઈશ્રી વૃષપુર પધાર્યા ને સાથેના હરિભક્તો સૌ સૌના ગામ ગયા.