૩૮૫ - હરિભક્તો પર પ્રસન્નતા તથા વાતો

0:000:00

થોડા દિવસ પછી સંતો સીનોગ્રેથી પાછા વૃષપુર આવ્યા ને કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ ચાલતો હતો, ત્યાં, માલણીઆદના વેલસીભાઈ, કરસનજીભાઈ તથા લખમીચંદભાઈ એ ત્રણ હરિભક્તો દર્શને આવ્યા. એ વખતે બાપાશ્રી પાસે સદ્‍ગુરુમંડળ તથા પાટડીવાળા નાગજીભાઈ વગેરે મુક્તો હતા. તે જોઈને તેમને તો આનંદ આનંદ થઈ ગયો. સૌએ ઠાકોરજીનાં દર્શન કરી બાપાશ્રી પાસે આવી દંડવત્ કર્યા. ત્યારે તેમના પર પ્રસન્નતા જણાવી બાપાશ્રી બોલ્યા જે, ‘આ તો અમારું માલણીઆદ આવ્યું.’ એમ કહી યજ્ઞ વખતે આ હરિભક્તોએ ઘણી સેવા કરી હતી તે વિષે પ્રશંસા કરી. પછી કથાનો પ્રસંગ ચાલતો હતો તેમાં બાપાશ્રીએ સંતોને કહ્યું કે, ‘રસબસ રહેવું તે શું? તો એ રસબસ નામ અતિ હેતનું છે. મહારાજ તથા અનાદિ મુક્ત સાથે હેત રાખવાથી અનાદિ મુક્ત મહારાજની મૂર્તિમાં ઘુંચાડી મેલે છે.’

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછયું જે, ‘હેત વધારે કે પ્રીતિ?’ ત્યારે માથકવાળા કલ્યાણસિંહજી વચમાં એમ બોલી ગયા કે, ‘હેત વધારે, કેમ કે પ્રીતિ આંખમાં જણાય છે ને હેત હૈયામાં રહે છે.’ ત્યારે બાપાશ્રી કહે.’આ ઉત્તર અવરભાવનો છે; પરભાવમાં તો હેત ને પ્રીતિ જુદાં નથી.’