૨૩ - મહારાજમાં અખંડ વૃત્તિ

0:000:00

કોઈ વખત વાડીમાંથી સવારમાં વહેલા બળદ ચારવા ગયા હોય ત્યારે ચારતાં ચારતાં પોતે ડુંગરા ઉપર ચડી જાય, અને બળદ ક્યાંય ચરતા હોય, તેની પોતાને ખબર ન રહે. એ વખતે કોઈ માર્ગે જતાં નીકળે તો સાદ પાડીને કહે, ‘ભાઈ! ભાઈ! કાકા! ડુંગરા ઉપર કેમ ચડ્યા છો?’ ત્યારે શુદ્ધિ આવે ને હેઠા ઊતરે. પછી બળદ ગોતીને વાડીએ જાય. કોઈ વખત બીજા સાથે હોય ને માર્ગ મૂકીને ટેકરા ઉપર જતા રહે ત્યારે કહે, ‘એમ ક્યાં જાવું છે?’ તે વખતે કહે જે, ‘મને તો ચાલતાં ચાલતાં ઊંઘ આવી ગઈ, તે ખબર ન રહી.’ ક્યારેક એમ બોલે જે, ‘ઊંઘે છે કોણ? તમારે મારગ સામું જોઈને ચાલવું ને મારે મહારાજ સામું જોવું, તે ફેર તો પડે જ ને!’

એક વખત ચોમાસામાં પોતે વાડીએથી ઘેર આવતા હતા, ત્યાં બહુ જ વૃષ્ટિ થઈ, તે સમયે પોતે એક વૃક્ષની ઓથે ઘણી વાર ઊભા રહ્યા. વરસાદ બંધ થયો ત્યારે ત્યાંથી ચાલ્યા તે ઘેર આવ્યા. માર્ગમાં કોઈએ પૂછ્યું જે, ‘તમે એ ઝાડ પાસે શું કરતા હતા?’ ત્યારે પોતે એમ બોલ્યા જે, ‘અમે તો કલ્યાણ કરવા આવ્યા છીએ, તે બીજું શું કરીએ? વરસાદ બહુ વરસતો હતો અને એ ઝાડે અમને પલળવા ન દીધા, તેથી એનું કલ્યાણ તો કરવું પડે ને?’ આવા મોટા અભિપ્રાયની પણ થોડે થોડે સહુને ખબર પડતી ગઈ.

એક વખત રાત્રે મંદિરમાં કથાવાર્તા થઈ રહ્યા પછી થોડા હરિભક્ત બેઠા હતા, ત્યારે આ મુક્તરાજે એમ વાત કરી જે, ‘આ ગામનાં ભાગ્ય બહુ મોટાં. જુઓને! અહીં શ્રીજીમહારાજ પધાર્યા, મોટા મોટા મુક્ત પધાર્યા, સંતો-હરિભક્તો દર્શન કરવા આવે છે. નિત્ય કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ થાય છે, તેથી અનેક જીવ સુખિયા થઈ ગયા. હજુ આગળ તો બહુ મોટા યજ્ઞ થશે ને લાખો જીવ મહારાજના સુખમાં પહોંચશે. આ વાત જાણતા હોય તે જાણે,’ –એમ કહ્યું, પણ તે વખતે આવી વાત ક્યાંથી સમજાય કે પાછળથી પોતે આમ પ્રસિદ્ધ થઈ મોટા મોટા યજ્ઞો કરી અનેકનાં કલ્યાણ કરશે? તે વખતે તેમનો દુર્બળ વ્યવહાર જોતાં લૌકિક દૃષ્ટિએ આ વાત સમજાય તેવું નહોતું. પણ જે જાણતા હતા તે તો તેમનો મહિમા પ્રથમથી જ સમજતા ને બીજાને સમજાવતા.